Happy Birthday!/ બાળકોની મુછાળી મા: ગિજુભાઈ બધેકાનું બાળસાહિત્ય મોરચે પણ અનોખું પ્રદાન

અમરેલી જિલ્લામાં જન્મેલા અને ભાવનગરને કર્મભૂમિ બનાવનાર તેમજ શિક્ષણ અને સાહિત્ય મોરચે ગૌરવવંતુ સ્થાન મેળવનાર મહાનુભાવની વાત

Gujarat Trending
ગિજુભાઈ

ગુજરાતમાં અનેક શિક્ષણકારો થઈ ગયા. વલ્લભીવિદ્યાપીઠ પણ આપણા ગુજરાતમાં જ હતી. જે તે જમાનામાં નાલંદા સમકક્ષ ગણાતી હતી. શિક્ષણને મજબૂત બનાવવા અથવા તો તેનો પાયો નાખનારા શિક્ષણકારોમાં આપણે ગૌરવ પૂર્વક લઇ શકીયે તેવા ઘણા નામ છે. પરંતુ અમરેલી જિલ્લાના ચિતલમાં જન્મેલા અને અભ્યાસ બાદ વકીલાત છોડી શિક્ષણને સમર્પિત થનાર જો કોઈ હોય તો તે ગિજુભાઈ બધેકા છે. આ શિક્ષણકારની બીજી ઓળખ સાહિત્યકાર તરીકે છે. તો બાળ સાહિત્યકાર એ તેમની આગવી ઓળખ કહી શકાય તેમ છે. પાયાના એટલે કે બાળ શિક્ષણની ભૂમિકા બરાબર નિભાવી હતી. તેથી તેમની એક ઓળખ એવી પણ બની ગઈ હતી કે તેઓ બાળકોની “મુછાળી  મા ” પણ કહેવાતા હતા.

jio next 5 બાળકોની મુછાળી મા: ગિજુભાઈ બધેકાનું બાળસાહિત્ય મોરચે પણ અનોખું પ્રદાન

ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાળ કેળવણીકાર અને બાળ સાહિત્યકાર.આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ અધૂરો મૂકી, ધંધાર્થે આફ્રિકા ગયા. ત્યાં ઘણા અનુભવો મળ્યા. અઢળક કમાણી કરવાને બદલે પાછા વતન આવ્યા. મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો. વઢવાણ કૅમ્પમાં વકીલાત શરૂ કરી (1911). દરમિયાન તા. 27-2-1913ના રોજ પુત્ર નરેન્દ્રનો જન્મ. પોતાના પુત્રને ચીલાચાલુ નિશાળોની બદીથી તેઓ મુક્ત રાખવા માંગતા હતા. મિત્ર દરબાર ગોપાળદાસે તેમને વસોના મોતીભાઈ અમીનને મળવા સૂચવ્યું. મોતીભાઈએ તેમને મારિયા મૉન્ટેસોરીનાં પુસ્તકો વાંચવા આપ્યાં. આ પુસ્તકોના વાચનથી ગિજુભાઈને બાલકેળવણીનો સાચો રસ્તો મળ્યો ને તે કાયદાના વકીલને બદલે બાળકોના વકીલ બન્યા.

ભાવનગરમાં ગિજુભાઈના મામા હરજીવન પંડ્યા તથા શામળદાસ કૉલેજના પ્રો. નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટ સ્થાપિત છાત્રાલયમાં મદદનીશ ગૃહપતિ તરીકે જોડાવા આમંત્રણ મળતાં ગિજુભાઈ વકીલાત છોડીને 1916ના નવેમ્બરની 13મી તારીખે ‘દક્ષિણામૂર્તિ’માં જોડાઈ ગયા. દરમિયાન તેમનામાં સૂતેલો કેળવણીકાર જાગી ઊઠ્યો અને ત્યાં બાળકેળવણીની વિચારણાને સાકાર કરવાનું વિશાળ કાર્યક્ષેત્ર તેમને પ્રાપ્ત થયું. ગુજરાતની કેળવણીનાં દશા-દિશા બદલાયાં. ગિજુભાઈ હાડે શિક્ષક, પણ પછી બાલશિક્ષણ માટેનું સાહિત્ય તૈયાર કરતાં બાળસાહિત્યકાર થયા.

શિક્ષક કેવા હોય? ગિજુભાઇ જેવા હોય! | chitralekha

છાત્રાલય સાથે 1918થી કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. ગિજુભાઈ નવું નવું વાંચે, વિચારે અને શાળામાં પ્રયોગ કરે. તેઓ વિચારતા કે નાનાં બાળકો પર પ્રયોગો કરીએ તો ધાર્યાં પરિણામો મળે. છેવટે 1920ના ઑગસ્ટની પહેલી તારીખે રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. ત્યારપછી 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ ‘દક્ષિણામૂર્તિ’ સાથે જોડાયેલા રહ્યા.

ગિજુભાઈના 1920 થી 1936 સુધીનાં સોળ વર્ષના બાળશિક્ષણ અંગેના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ તેમનું રૂપિયા 11,000 ની થેલી અર્પણ કરી સન્માન કર્યું. ગિજુભાઈએ આ રકમ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી.

Gujarat to Celebrate Nov 15 as 'Balvarta Din' in Memory of Gijubhai Badheka

ગિજુભાઈની શિક્ષણ સેવા ક્યારે પણ અટકી નથી.ભાવનગરમાં તો  તેમને વ્યાપક પ્રમાણમાં શિક્ષણના મોરચે ખેડાણ કર્યું પરંતુ ઉપર જણાવી ગયા તે પ્રમાણે સાહિત્ય મોરચે તેમણે કરેલા શ્રેષ્ઠતમ ખેડાણને ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી.

ગિજુભાઈએ બાલકથા-સાહિત્યક્ષેત્રે પણ ઠીક ઠીક ખેડાણ કર્યું છે. તેમણે વિવિધ ગ્રંથમાળાઓ નિમિત્તે અનેક કથાઓ આપી છે. ‘ગિજુભાઈની બાલવાર્તાઓ’ તેમની જાણીતી કથાશ્રેણી છે. તે 1921માં પાંચ ભાગમાં પ્રકાશિત થયેલી. આજે તેની પરિષ્કૃત આવૃત્તિ 1979માં દસ ભાગમાં પ્રાપ્ય છે. ગિજુભાઈની કહેવાતી આ કથાઓ, હકીકતે તેમની મૌલિક કથાઓ નથી,પણ તેમણે સાંભળેલી-જાણેલી-ભેગી કરેલી કથાઓને બાલભોગ્ય લેખિત સ્વરૂપ તેમણે આપ્યું હોઈ તે કથાઓ સાથે તેમનું નામ જોડાઈ ગયું છે.

લોકકથાઓના સહારે જ આ બાલકથાઓ દ્વારા બાળમાનસ ઘડતરનું અને તેમને મનોરંજન પૂરું પાડવાનું સુંદર કાર્ય તેમણે કર્યું. આ વિશાળ સાહિત્ય-સંદર્ભે જ કાકાસાહેબે તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને બિરદાવેલા. તેમના બાલકેળવણી અને સાહિત્યના ક્ષેત્રના પાયાના સત્ત્વશીલ કાર્યને કારણે 1929નો ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયેલો.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).

ચિંતન – પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).

દિવાસ્વપ્ન.

ગિજુભાઈ બધેકાએ લખેલી બાળવાર્તાઓ આજે પણ કહેવાય છે.મોન્ટેસરી શિક્ષણના પાયામાં પણ ગિજુભાઈ હતા તે વાત કેમ ભૂલી શકાય?.તેમની યાદને ચિરસ્મરણીય બનાવવા સાંઈરામ દવે જેવા સાહિત્યકારોએ આ “બાળકોની મુછાળી મા “ના જન્મદિન ૧૫ મી નવેમ્બરને બાળવાર્તા દિન તરીકે ઉજવવા માંગણી કરેલી જે મુજબ સરકારે આ વાત સ્વીકારી છે.અને તેમનો જન્મદિન ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવાઈ રહયો છે.ઉજવણીના પ્રથમ સોપાનરૂપે ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળા ખાતે સાંઈરામ દવેની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું છે.

આમ અમરેલી જિલ્લામાં જન્મેલા અને ભાવનગરને કર્મભૂમિ બનાવનાર અને આ બન્ને જિલ્લાની સાથે ગુજરાતનું ગૌરવ બનનાર ગિજુભાઈ બાળવાર્તાના મોરચે એક પર્યાય બની ગયા છે.શિક્ષણ અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના મોરચે તેમણે આપેલા વિચારો આજે કોમ્પટ્યુટર અને લેપટોપના જમાનામાં પણ એટલાજ ઉપયોગી બની રહ્યા છે.