Pakistan/ વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા, પાકે પગલું લીધું કે ફક્ત દેખાડો જ

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગેરકાયદેસર ભંડોળના કેસમાં આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને 10 વર્ષની સજા સંભળાવી છે.

Top Stories World
hafiz વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા, પાકે પગલું લીધું કે ફક્ત દેખાડો જ

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગેરકાયદેસર ભંડોળના કેસમાં આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને 10 વર્ષની સજા સંભળાવી છે. ગુરુવારે પાકિસ્તાની મીડિયાએ આ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 17 જુલાઈએ હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે હાફિઝ મુંબઇમાં થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી છે. મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા.

હાફિઝ સઇદ સાથે વધુ બે આરોપીઓ પ્રો. ઝફર ઇકબાલ અને યાહ્યા મુજાહિદને બીજા કેસમાં બે કેસમાં પાંચ વર્ષની સજા અને છ મહિનાની સજા સંભળાવી છે. તેને 1,10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે જ અપરાધીઓની બધી જંગમ અને સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી છે.

હાફિઝ સઇદ સામે 41 કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરીમાં હાફિઝને લાહોરની અદાલતે આતંકી ભંડોળના બે કેસમાં દોષી ઠેરવ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેને 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. હાફિઝ સામે આતંકવાદી ભંડોળ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર કબજો હોવાના 41 કેસ છે.

હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે. 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી, યુનાઇટેડ સ્ટેટ્સે આ સંગઠનને વિદેશી આતંકવાદી સંગઠનની સૂચિમાં સમાવી લીધું હતું. 2002 માં, પાકિસ્તાન સરકારે પણ લશ્કર પર પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી હાફિઝ સઇદે નવી સંસ્થા જમાત-ઉદ-દાવાની રચના કરી હતી.

પાકિસ્તાન દ્વારા ખરેખર સજા કે પછી ફરી દાવપેચ

એક તરફ પાકિસ્તાની કોર્ટ આતંકનાં આકા હાફિઝને સજા ફરમાવી રહી છે, તો બીજી તરફ આતંક અને આતંકીઓના પૈસે તાગડધિના કરતી પાકિસ્તાની સરકાર દ્વારા લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના પાંચ મોટા આતંકીઓના બેંક ખાતા ફરી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાફિઝ સઈદ પણ શામેલ છે. ત્યારે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ની સેક્શન કમિટીની મંજૂરી બાદ આ ખાતાઓ શરૂ કરવામાં આવ્યા છે.