ચૂંટણી ચક્રવ્યૂહ/ ચૂંટણીની ગાડી બહું વહેલી પાંચમાં ગેરમાં દોડવા લાગી !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે કે વર્ષાન્તે સમયસર જ થશે તે બાબત હજુય અસષ્ટ છે. ત્યાં જ ભાજપે આવતીકાલે ચૂંટણી હોય એટલી તૈયારીઓ કરી કાઢી છે. કોંગ્રેસ 12 સાંધે ત્યાં 13 નહીં 23 તુટે છે. આમ આદમી પાર્ટીને તો વકરો એટલો નફો છે. આ ગતિવિધિ વચ્ચે લાગે છે કે ચૂંટણી તરફ હવે તો ગાડી બહું વહેલી પાંચમાં ગેરમાં પડી ગઈ છે.
@પ્રફુલ્લ ત્રિવેદી

Gujarat Mantavya Exclusive
ચૂંટણી

ગુજરાતની ચૂંટણી જો સમયસર જ થવાની હોય તો આ વખતે તૈયારીઓ, ખેંચતાણ, અડુકિયા દડુકિયાનાં ખેલ બહું વહેલા શરું થઈ ગયા છે. ઉત્તરપ્રદેશ સહીત ચાર રાજ્યોમાં ચૂંટણીમાં જીત બાદ તુરંત જ ગુજરાત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શો યોજ્યા, તે સાથે જ ચૂંટણીની દિશામાં ગાડી દોડવા માંડી છે. સીધો 4થો- પાંચમો ગેર પડી ગયો છે. હંમેશા ચૂંટણીના મોડ પર જ રહેતા અને કોર્પોરેટ કલ્ચર જેવી ચુસ્ત વ્યવસ્થા ધરાવતા ભાજપની તૈયારીઓ અંદરખાને થઇ ગઈ છે.

બીજી તરફ કોંગ્રેસમાં ટિકીટની વહેંચણી સાથે જે ભાગાભાગી થાય તે આ વખતે વહેલી શરુ થઇ ગઈ છે. અગાઉ બીજા પક્ષમાં કુદી જવા માત્ર ભાજપનો જ વિકલ્પ હતો. આ વખતે તો આમ આદમી પાર્ટી પણ છે. જયરાજસિંહ પરમાર ભાજપમાં ગયા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેમના સાથીઓ આપમાં ગયા છે. આજે કૈલાસ ગઢવી પણ એ જ રસ્તે ગયા છે. હાર્દિક પટેલ જે રીતે જાહેરમાં અસંતોષનો ઉકળાટ ઠાલવી રહ્યા છે, તે જોતા ગમે ત્યારે વંડી ઠેકી જશે તેમ જણાય છે. કોંગ્રેસની હાલ 12 સાંધે ત્યાં 13 નહીં 23 તૂટે છે. ખોડલધામનાં નરેશ પટેલ હજુય મગનું નામ મરી પાડતા નથી. દિલીપ સંઘાણી ફેલાતી વાતોને તડકો આપી વઘાર કરતા હોવાથી છીંકા છીંક ચાલુ થઈ જાય છે.

ચૂંટણીમાં નવો રંગ ભળ્યો છે. પ્રશાંત કિશોર નામના વ્યૂહકારનો. એક ગતકડું એવુંય વહેતું થયું છે કે પ્રશાંત કિશોર અને નરેશભાઈ મળીને કોંગ્રેસ અને આપ વચ્ચે સાંઠગાંઠ કરાવશે. સીટોની વહેંચણી કરાવશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસના ભ્રષ્ટ્રાચાર સામે લડત આપીને કેજરીવાલ લાઈમલાઈટમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી હોવાની ઈમેજ ઉભી કરી છે. હવે જો કોંગ્રેસ સાથે હાથ મિલાવે તો ઈમેજના પાયામાં જ કુઠારાઘાટ થાય. ભાજપ કાશ્મીરમાં મુફતી સાથે સાંઠગાંઠ કરે તેવો ઘાટ થાય છે કે રાજકારણમાં મિત્રો જો કે દુશ્મન કોઈ કાયમી હોતા નથી. આપ-કોંગ્રેસનું સંકલન થાય તો ભાજપ વિરોધી મતો નાં ભાગલા પડતા અટકી શકે પણ આ ગતકડું હજમ થતું નથી.

હવે રહી વાત ચૂંટણી વહેલી થશે કે સમયસર ? તે કોયડાનો જવાબ બે દિવસમાં મળી જશે. ભાજપના પ્રભારી મંત્રીઓ સાથે મીટીંગો કરી છે તો રાષ્ટ્રીય પ્રમુખ પણ આવવાના છે. કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુર પણ આંટો મારી ગયા. વડાપ્રધાન મોદીએ ટૂંકા ગાળામાં જ ફરી ત્રણ દિવસનો પ્રવાસ ખેડી કાઢ્યો. આપના કેજરીવાલ પણ ફરી આવવાના છે. રાહુલ અને પ્રિયંકાની આવવાની વાત છે. આમ ચૂંટણી સમયસર હોય તો પણ લાગે છે કે તૈયારીઓ વહેલી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને તો ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી ‘દેડકાની ગાંસડી’ સાચવવા જેવું થયું છે.

આ પણ વાંચો : PM મોદીના સપનાની બુલેટ ટ્રેનને લાગી શકે છે બ્રેક, જાપાને ઉઠાવ્યો આટલો મોટો સવાલ

ગુજરતનું ગૌરવ