Not Set/ રાજકોટ ભાજપ સંગઠન મજબૂત છે,હું કોઈ કોંગ્રેસીને લેવા તૈયાર નથી : સી.આર.પાટીલ

મહત્વની વાત એ છે કે પાટીલ જયારે રાજકોટ આવ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કર્ણાટક રાજ્યપાલ વજુભાઈ વાળા હાજર ન રહેતા રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.

Top Stories Gujarat
રાજકોટમાં સી.આર.પાટીલ

રાજકોટ ભાજપમાં ચાલી રહેલા આંતરિક કલેહ બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ શનિવારે સવારે રાજકોટ ખાતે પહોંચ્યા છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી ફૂલોની જાજમ પથારી ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે પાટીલ જયારે રાજકોટ આવ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કર્ણાટક રાજ્યપાલ વજુભાઈ વાળા હાજર ન રહેતા રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સર્કીટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને પત્રકારોને સંબોધન કરશે. ત્યારબાદ ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12.30 કલાકે  ઈમ્પીરીયલ હોટેલ ખાતે તેઓ રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. બપોરે ત્રણ વાગે ભાજપના આગેવાનો સાથે હેમુ ગઢવી હોલમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ચાર કલાકે બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં હાજર રહેશે. નોંધનીય છે કે, બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મ સમાજના જ આગેવાન નીતિન ભારદ્વાજ પણ બહારગામ હોવાનું સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં શહેરના હોદ્દેદારો અને સંગઠનની વિવિધ પાંખના નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપમાં કેટલાક દિવસોથી શરૂ થયેલા જૂથવાદ મુદ્દે પ્રદેશ પ્રમુખ કેટલાક નેતાઓ માટે સાંકેતિક વાતો કરશે તેમજ કેટલાક નેતાઓ સાથે બંધબારણે પણ બેઠક કરશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

રાજકોટમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાજપ સંગઠન મજબૂત છે. રાજકોટમાં કોઈ વિવાદ નથી. વિજયભાઈનું નામ સ્ટાર પ્રચારક તરીકે છે અને રહેશે. તેમણે અમરિશ ડેરને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. હું કોઈપણ કોંગ્રેસીને ભાજપમાં લેવા માટે તૈયાર નથી.