Not Set/ શહેરના ડ્રાય ફ્રૂટના વણિક વેપારીનું અપહરણ કરીને માર માર્યાની ફરિયાદ

અમદાવાદ: અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક ડ્રાય ફ્રૂટના વણિક વેપારીનું રૂપિયાની લેવડ-દેવડના મામલે અપહરણ કરીને લપકામણ નજીક ખાતે આવેલા એક ખેતરમાં લઇ જઇને ઢોર માર માર્યો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહિ આ ફરિયાદ મુજબ રમેશ દેસાઈ સહિતના પાંચ શખ્સોએ આ વેપારીને માર મારીને બળજબરીપૂર્વક પાંચ લાખ રૂપિયાનું લખાણ પણ લખાવી […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ: અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક ડ્રાય ફ્રૂટના વણિક વેપારીનું રૂપિયાની લેવડ-દેવડના મામલે અપહરણ કરીને લપકામણ નજીક ખાતે આવેલા એક ખેતરમાં લઇ જઇને ઢોર માર માર્યો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહિ આ ફરિયાદ મુજબ રમેશ દેસાઈ સહિતના પાંચ શખ્સોએ આ વેપારીને માર મારીને બળજબરીપૂર્વક પાંચ લાખ રૂપિયાનું લખાણ પણ લખાવી લીધું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા રૂચિક એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાય ફ્રૂટની દુકાન ધરાવતા ૪પ વર્ષીય અનારભાઈ શાહે એલિસબ્રિજ પોલીસ મથકમાં રમેશ દેસાઈ સહિત પાંચ શખ્સોની વિરુદ્ધમાં પોતાનું અપહરણ કરી માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ ફરિયાદી અનારભાઈ શાહે અજયસિંહ શેખાવત પાસેથી રૂ.૧પ લાખ ઉધાર લીધા હતા. આ અજયસિંહ શેખાવત રમેશ દેસાઈ નામના શખ્સ પાસેથી રૂપિયા લઈને અનારભાઈ શાહને આપતો હતો. થોડાક દિવસ અગાઉ અનારભાઈ શાહને રૂ.રર લાખ આપવાના નીકળે છે તેવું અજય  શેખાવત અને રમેશ દેસાઈએ જણાવ્યું હતું.

આ પછી થોડાક દિવસ પૂર્વે બપોરના સાડા બાર વાગ્યાના સુમારે અનારભાઈ તેમના ઘરેથી છડાવાડ પોલીસચોકી તરફ જતા હતા ત્યારે એક લાલ કલરની સ્વિફ્ટ કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી. આ કારમાંથી એક યુવક ઊતર્યો હતો અને અનારભાઈને કહ્યું હતું કે, હું રમેશ દેસાઈનો ભાઈ ટીનો છું, તમે ગાડીમાં બેસી જાઓ. અનારભાઈએ ગાડીમાં બેસવાની ના પાડતાં ટીનાએ બળજબરીથી તેમને ગાડીમાં બેસાડી દીધા હતા. આ ગાડીમાં અગાઉથી બીજી વ્યકિતઓ પણ બેઠી હતી.

ટીનો અનારભાઈને કારમાં બેસાડીને તેનું અપહરણ કરીને ગાંધીનગર જિલ્લાના લપકામણ ગામ પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા. આ ખેતરમાં પહેલાંથી રમેશ દેસાઈ અને ભરત દેસાઈ હાજર હતા. રમેશ દેસાઈએ અનાર શાહને ત્રણ-ચાર લાફા ફટકારી દીધા હતા અને કહ્યું હતું કે, રૂ.રર લાખ આપી દે.

આથી અનાર શાહે રમેશ દેસાઈને કહ્યું હતું કે, મારે જે હિસાબ છે તે અજય શેખાવત સાથે છે. જેના કારણે રમેશ દેસાઈએ અજયને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, અનાર મારી પાસે છે, તું અહીંયાં આવી જા, નહીંતર તું કહે ત્યાં હું આવી જાઉં છું. મને મારા પૈસાનો ફેંસલો આજે જ જોઇએ છે. જેના જવાબમાં અજય શેખાવતે રમેશ દેસાઈને ફોન પર કહ્યું હતું કે, તમે તમારો હિસાબ લઈ લો. મારે કોઈ લેવાદેવા નથી.

આથી રમેશ દેસાઈએ અનાર શાહને મારી નાખવાની ધમકી આપી હતી અને રૂપિયા રર લાખનું લખાણ લખાવી લીધું હતું. આ પછી મોડી રાતે રમેશ દેસાઈએ અનાર શાહને તેના ઘર નજીક ઉતારી દઈને જતાં રહ્યા હતા.

આ મામલે અનાર શાહે એલિસબ્રિજ પોલીસ મથકમાં રમેશ દેસાઈ, ભરત દેસાઈ, ટીનો, દિનેશ તેમજ અન્ય એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે એલિસબ્રિજ પોલીસે ઉપરોક્ત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.