Gandhinagar News : ગુજરાત સરકાર (Gujarat Government)માં કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ (Gujarat Ministers)વચ્ચેના તાલમેલને લઈને ફરી એકવાર સચિવાલયમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક વિભાગોમાં બંને વચ્ચે સારો સંકલન જોવા મળે છે, તો કેટલાક કિસ્સામાં રાજ્યકક્ષાના મંત્રીઓને મહત્વની બેઠકોમાં સામેલ ન કરવામાં આવતા હોવાની ચર્ચા છે.
તાજેતરમાં સ્વર્ણિમ સંકુલ-1 (Swarnim Sankul)માં એક મહત્વની વિભાગીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઓ હાજર હતા અને કેબિનેટ હવાલો સંભાળતા વરિષ્ઠ મંત્રી (Cabinet Minister)પણ ઉપસ્થિત હતા. જોકે, સંબંધિત રાજ્યકક્ષાના મંત્રી બેઠકમાં જોવા મળ્યા નહોતા.
શરૂઆતમાં એવું માનવામાં આવ્યું કે કદાચ રાજ્યકક્ષાના મંત્રી સચિવાલયમાં હાજર નહીં હોય. પરંતુ થોડા સમય બાદ તેઓ સ્વર્ણિમ સંકુલ-1માં જ જોવા મળ્યા. મીડિયા દ્વારા જ્યારે તેમને બેઠકમાં હાજરી અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે “આ બેઠકમાં હું અપેક્ષિત નથી.”
રાજ્યકક્ષાના મંત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ અન્ય કામ માટે ત્યાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમણે સ્વીકાર્યું કે આવી સ્થિતિ ઘણી વખત સર્જાય છે અને જ્યારે તેઓ કોઈ બેઠકમાં અપેક્ષિત ન હોય ત્યારે તેમાં હાજર રહેતા નથી.
આ નિવેદનને કારણે સચિવાલયના રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કારણ કે સામાન્ય રીતે કોઈ વિભાગની મહત્વની બેઠકમાં સંબંધિત રાજ્યકક્ષાના મંત્રીને પણ સાથે રાખવામાં આવે તેવી અપેક્ષા રહેતી હોય છે.
એક સમયે ‘સાઇડલાઇન’ ગણાતું મંત્રાલય હવે ચર્ચામાં
રસપ્રદ વાત એ છે કે જે વિભાગને અગાઉ ખાસ પાવરફુલ માનવામાં આવતો નહોતો, તેનું મહત્વ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. વિભાગનું બજેટ પણ છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર રીતે વધ્યું છે.
આ સાથે વિભાગનો રાજકીય પ્રભાવ વધતા કેબિનેટ મંત્રીની ભૂમિકા પણ વધુ મહત્વની બની છે. આવી સ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રીને દરેક બેઠકમાં સામેલ કરવામાં આવે છે કે નહીં, તે મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે.
અધિકારીઓ સામે પણ ‘અંતર’ દેખાય છે?
સરકારના કેટલાક વિભાગોમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ વચ્ચે સારો સંકલન જોવા મળે છે. બેઠકમાં અધિકારીઓની હાજરીમાં રાજ્યકક્ષાના મંત્રીનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. નિર્ણયનો અંતિમ અમલ અલગ બાબત હોય, પરંતુ જાહેરમાં બંને વચ્ચેના મતભેદો ન દેખાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
બીજી તરફ, કેટલાક વિભાગોમાં રાજ્યકક્ષાના મંત્રીઓને મહત્વની બેઠકોમાં સામેલ ન કરવામાં આવતા હોવાની ચર્ચા છે. આ પ્રકારની ઘટનાઓ મંત્રીમંડળની આંતરિક કાર્યશૈલી અંગે સવાલો ઊભા કરે છે.
અગાઉ પણ ઉઠી ચૂક્યા છે સવાલો
ગુજરાતના રાજકારણ (Gujarat Politics)માં કેબિનેટ (Cabinet Minister)અને રાજ્યકક્ષાના મંત્રીઓ વચ્ચે અધિકાર અને નિર્ણય પ્રક્રિયાને લઈને અગાઉ પણ ફરિયાદો સામે આવી ચૂકી છે. ભૂતકાળમાં કુમાર કાનાણી અને પુરૂષોત્તમ સોલંકી જેવા નેતાઓ દ્વારા કેબિનેટ મંત્રીઓ તરફથી ફાઈલો ન મોકલવા અથવા નિર્ણય પ્રક્રિયામાં પૂરતી ભાગીદારી ન આપવાના આક્ષેપો થયા હતા.
હાલની ઘટના પણ એ જ જૂની ચર્ચાને ફરી જીવંત કરતી હોવાનું સચિવાલયના રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.
‘મંત્રી છું, પણ બેઠકમાં અપેક્ષિત નથી!’
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં રહેલું વાક્ય રાજ્યકક્ષાના મંત્રીનું છે—“આ બેઠકમાં હું અપેક્ષિત નથી.”
મંત્રીપદ સાથે સત્તાવાર હોદ્દો, સરકારી ગાડી અને ઓફિસ તો મળે છે, પરંતુ વિભાગની મહત્વની બેઠકમાં જ સ્થાન ન મળે તો સવાલ સ્વાભાવિક છે કે મંત્રી તરીકેની વાસ્તવિક ભૂમિકા કેટલી છે?
હાલ આ મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. પરંતુ રાજ્યકક્ષાના મંત્રીના નિવેદનથી સચિવાલયના રાજકીય વર્તુળોમાં ચર્ચાને ચોક્કસપણે હવા મળી છે.
