અમદાવાદ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે આવેલ ગુજકોટના મગફળીના વેરહાઉસમાં બહાર આવેલા મગફળી કૌભાંડ અંગે તરઘડી સહકારી મંડળી પ્રમુખ તેમજ ગુજકોટ વેરહાઉસના મેનેજર મગન ઝાલાવાડિયાના નિવાસ સ્થાને પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે તેમના નિવાસસ્થાનેથી બે હાર્ડડિસ્ક, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાઓ મળી આવ્યા હતા.
સૌરાષ્ટ્રના બહુચર્ચિત એવા મગફળી કૌભાંડમાં ગુજકોટ વેરહાઉસના મેનેજર અને તરઘડી સહકારી મંડળીના પ્રમુખ મગન ઝાલાવાડિયાના તરઘડી ખાતે આવેલા તેમના નિવાસસ્થાને સોમવારે સાંજે પોલીસ આરોપી મગન ઝાલાવાડિયાને લઈને પહોંચી હતી.
પોલીસ દ્વારા આ દરોડા અંતર્ગત પાંચ કલાક સુધી તેમના ઘરે સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ કેસમાં ઝાલાવાડિયા હાલ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ દરોડા દરમિયાન મગન ઝાલાવાડિયા અપ્રમાણસરની મિલકતો ધરાવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેના અંતર્ગત તેના નિવાસસ્થાન ઉપરાંત મગન ઝાલાવાડિયાની હોસ્પિટલ અને હોટલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન મગન ઝાલાવાડિયાના ઘરમાંથી પોલીસને શું શું મળ્યું?
મગફળી કૌભાંડમાં પ્રથમ આરોપી બનેલા અને ત્યાર બાદ પોલીસ તપાસમાં આરોપી બનેલા ગુજકોટના વેરહાઉસના મેનેજર એવા મગન ઝાલાવાડિયાની પોલીસે ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ તેની પૂછપરછ બાદ પોલીસે સોમવારે સાંજે મગન ઝાલાવાડિયાના તરઘડી સ્થિત નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને તપાસ દરમિયાન 147 ગ્રામ સોનું, 300 ગ્રામ ચાંદી, કોમ્યુટરની બે હાર્ડડિસ્ક, રૂપિયા ૩૧ હજારની રોકડ રકમ મળી આવી હતી.
આ મામલે એક ઓડિયો ક્લિપના આધારે વધુ એકની ધરપકડ થઈ
આ કેસમાં મગન ઝાલાવાડિયા અને લાઠોદરાના માનસિંગ પોપટ નામના વ્યક્તિની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ મામલે પોલીસે માનસિંગની પણ ધરપકડ કરી છે. માનસિંગ પોપટ લાખાણી માળિયા હાટિના તાલુકા પંચાયતનો સભ્ય છે.