અમદાવાદ,
જાણીતી ગાયિકા કિંજલ દવેને કોપીરાઇટ કેસના ભંગ બદલના કેસમાં ચાર ચાર બંગડીવાળી ગાડીવાળુ ગીત ન ગાવા કોમર્શિયલ કોર્ટે તા.4થી જાન્યુઆરીએ વચગાળાનો આદેશ કર્યો હતો. કોપી રાઈટના કેસમાં વધુ સુનાવણી કોમર્શિયલ કોર્ટમાં ધરાઈ હતી અને કોર્ટે વધુ એક દિવસનો સ્ટે અપાયો હતો.
બીજી બાજુ, કિંજલે કોપી રાઈટના કેસ અને કોમર્શીયલ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે, જેની સુનાવણી આજે હાથ ધરાઇ હતી. આજે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હર્ષા દેવાણી અને એ.પી ઠાકરની કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાઇ હતી.
હાઇકોર્ટમાં બચાવ પક્ષ અને અરજદારના વકીલ વચ્ચે દલીલ શરૂ થઇ હતી. જેમા બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મનુ રબારીએ આ ગીત તૈયાર કર્યુ હતું અને ગીતને સોશિયલ સાઈટ પર રિલીઝ કરતા પહેલા આ ગીત લખાયું હતું તેવી તેમણે દલીલ કરી હતી. જોકે આ મામલામાં કિંજલ દવેના વકીલે જવાબ રજૂ ન કરતા કોર્ટે તેમણે ઉધડો લીધો હતો.કોર્ટે કિંજલના વકિલોને પોતાનો જવાબ રજુ કરવા જણાવ્યું હતું.
કોર્ટે કિંજલ દવે તરફથી સમયસર જવાબ ના અપાતા ઠપકો આપતા કહ્યું કે નીચલી કોર્ટે 20 દિવસથી વધુનો સમય આપ્યો હોવા છતાં તમે કેમ જવાબ રજુ નથી કરી શક્યા.
કોર્ટે કિંજલ દવે સામે ફરિયાદ કરનારને પણ ઠપકો આપતા કહ્યું કે તેમણે બે વર્ષ બાદ કેમ ફરિયાદ કરી છે ?
હવે આ મામલામાં સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવશે.
કિંજલ દવે તરફથી હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એડવોકેટ હર્ષિત તોલીયા અને જયદીપ વાઘેલાએ એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, પ્રસ્તુત કેસમાં કોમર્શીયલ કોર્ટે એક્સપાર્ટી હુકમ કર્યો છે અને અરજદારને સાંભળ્યા નથી કે રજૂઆતની કોઇ તક પણ પૂરી પાડી નથી. જે કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો અને અયોગ્ય હુકમ કહી શકાય.
આ સંજાગોમાં હાઇકોર્ટે નીચલી કોર્ટના હુકમને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવી રદબાતલ ઠરાવવો જાઇએ અને અરજદારને ઉપરોકત ગીત ગાવાની મંજૂરી આપવી જોઇએ. કોમર્શીયલ કોર્ટ દ્વારા એક્સપાર્ટી સ્ટે જારી કરવાના કારણે અરજદારના બંધારણીય હક્કો અને અધિકારો પર તરાપ પડી છે, જે કોઇપણ રીતે યોગ્ય ના કહી શકાય. ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી કિંગ નામે જાણીતા કાર્તિક પટેલે કોપી રાઈટ કેસ દાખલ કર્યો હતો. જેમાં અગાઉ કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ચાર ચાર બંગડીવાળુ ગીત ન ગાવા અને ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો હતો. તા.૫મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે. તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો ૨૦૧૬માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો હતો. નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી પરંતુ ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી.