અમદાવાદ,
દેશની સૌથી કઠિન પરિક્ષાઓમાંથી એક ગણાતી એવી યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)ના વર્ષ ૨૦૧૭ના પરીક્ષાઓના પરિણામો શનિવારે ઘોષિત કરવામાં આવ્યા હતા. UPSCના પરિણામમાં બેંગ્લોરના અનુદિપ દુરીશેટ્ટી દેશમાં પહેલો રેન્ક મળ્યો છે તો ગુજરાતનાં મમતા પોપટને દેશમાં ૪૫મો રેન્ક મળ્યો છે. UPSCના જાહેર કરાયેલા પરિણામોમાં ગુજરાતમાંથી ૨૦ પરિક્ષાર્થીઓએ એક્ઝામ પાસ કરી છે.
વર્ષ ૨૦૧૭માં લેવામાં આવેલી સિવિલ સર્વિસની કુલ ૯૮૦ સીટો માટે પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. જેમાં IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ), IFS (ઇન્ડિયન ફોરેન સર્વિસ), IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) તેમજ A અને B ગ્રૂપની સરકારી જગ્યાઓનો સમાવેશ થાય છે. જયારે ૯૮૦માંથી ૫૪ જગ્યાઓ અનામત રાખવામાં આવી હતી.
UPSCની કુલ ૯૮૦ બેઠકોમાંથી રાજ્યભરમાંથી ઉતીર્ણ થનારા ૨૦ વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા તેઓએ જણાવ્યું, ” રાજ્યમાં SPIPAના સિવિલ સર્વિસ સ્ટડી સેન્ટરની સ્થાપનાના પ્રયાસો બાદ રાજ્યમાં પોઝીટીવ રિઝલ્ટ લાવવામાં સફળ રહ્યા છે તેમજ હવે ગુજરાતમાંથી વધુ યુવાનો UPSCમાં પોતાનું કેરિયર બનાવી શકશે. સાથે સાથે તેઓ હ્રદયપૂર્વક દેશની સેવા કરશે અને પરિવર્તનના વાહકો બનશે તેવી તેઓને આશા છે”.
મહત્વનું છે કે, UPSCની પરીક્ષાઓમાં અત્યાર સુધી ગુજરાત રાજ્યની ગણતરી પછાત તરીકે થતી હતી, જયારે હવે સ્પીપાની સ્થાપના બાદ કાઠું કાઢવા માંડવામાં સફળ થયા છે.