અમદાવાદ,
વિઘ્નહર્તા ગણેશજીના વિસર્જનનો આજે અંતિમ દિવસ છે. જેના અંતર્ગત અમદાવાદ, સુરત સહીત રાજ્યમાં અનેક જગ્યાઓ પર ગણેશ વિસર્જનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જયારે બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવતા નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવતા તંત્ર દ્વારા વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ
ગણેશ વિસર્જનને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોએ 32 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા આવ્યા છે, જેમાં પાંચ ફૂટથી ઊંચા અને મોટા ગણપતિના વિસર્જન માટે 30 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે તમામ કૃત્રિમ કુંડ પાસે તકેદારીના ભાગ રૂપે એએમસીના પાંચ પાંચ અધિકારી-કર્મચારીઓની સાથે ફાયરબ્રિગેડની ટીમોને પણ ખડે પગે રાખવામાં આવી છે. જ્યારે ગણપતિની મોટી મૂ્ર્તિના વિસર્જન માટે અલગ અલગ સ્થળોએ છ જેટલા વિશેષ કૃત્રિમ કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ઉંડાઇ 18 ફૂટ અને તેની લંબાઇ 102 ફૂટ જેટલી રાખવામાં આવી છે. ગણેશ વિસર્જનને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા એક ખાસ કંટ્રોલ રૂમને પણ તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતમાં ગણેશ વિસર્જનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજ્યમાં અમદાવાદ પછીના સૌથી મોટા શહેર એવા સુરત શહેરમાં ગણપતિ વિસર્જનને લઇને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિઘ્નહર્તા વિનાયકના વિસર્જનને લઇને તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેના અંતર્ગત ગણેશ વિસર્જન માટે ત્રણ IG, બે DIG, 16 DCP ને તૈનાત કરવામાં આવ્યા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા 33 એસીપી, 89 પીઆઈ, 385 પીએસઆઈ, SRP ની આઠ કંપની, BSF ની એક કંપની, RAF એક કંપની, 4022 પોલીસ કોન્સ્ટેબલ તથા 5000 જેટલા હોમગાર્ડનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.