monsoon/ ઘોરબેદરકારી: નવવિકસિત અને સમૃદ્ધ વિસ્તારો જળબંબાકાર કેમ?

અમદાવાદના સમૃદ્ધ, નવવિકસિત અને જ્યાં જમીન-મિલકતના ભાવ ટોચ પર છે, તેવા વિસ્તારોમાં સૌથી વધું વરસાદી પાણી ભરાયા હતા. RCC રોડ કરવા છતાં સિંધુભવન રોડમાં એવી તે કઈ ક્ષતિ રહી ગઈ છે કે એક-એક કે દોઢ-દોઢ ફુટ પાણી ભરાઈ જાય છે?

Mantavya Exclusive
Gujarat Monsoon

લેખક: પ્રફુલ્લ ત્રિવેદી, Asso. Editor

Gujarat Monsoon: અમદાવાદના સમૃદ્ધ અને નવવિકસિત વિસ્તારો ગઈકાલના ભારે વરસાદ દરમિયાન પાણીપાણી થઈ ગયા હતા. ઈસ્કોન બ્રિજ, બોપલ રોડ, રાજપથ રોડ, સિંધુભવન રોડ, સાયન્સ સિટી રોડમાં જળબંબાકારની  સ્થિતિ સર્જાઈ હતી. રહેણાંક અને કોમર્શિયલ મિલકતો તેમજ જમીનના ભાવ આ વિસ્તારમાં આસમાને આંબી રહ્યાં છે. આમ છતાં ચોમાસામાં પૂર્વના ગીચ અને અલ્પવિકસિત વિસ્તારોની જેમ પાણી ભરાઈ જાય છે.

1 109 ઘોરબેદરકારી: નવવિકસિત અને સમૃદ્ધ વિસ્તારો જળબંબાકાર કેમ?

અત્રે ઉલ્લેખનીય છે કે, સિંધુભવનનાં RCC પહોળા રોડ પર પણ એક-એક ફુટ અને ક્યાંક તો તેથી વધુ પાણી ભરાઈ ગયા હતા. માત્ર રોડ ડિવાઈડરની નજીક જ એક ટ્રેકમાં વાહનો ચાલતા હોવાથી ટ્રાફિક સખત જામ થયો હતો. પાણીનો મિજાજ જોઈ કોઈ લેફટમાં બીજા ટ્રેકમાં પોતાનું વાહન ચલાવવા તૈયાર નહતા. આ રોડ પર ગટરની ખામીયુક્ત ડિઝાઈન છે કે રોડ બન્યો ત્યારે કોઈએ તેના લેવલ બાબતે સુપરવિઝન નહતું કર્યુ તે પ્રશ્ન ઉભો થાય છે.

સાયન્સ સિટી રોડ પર પણ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. અગાઉના ચોમાસા દરમિયાન તો બાજુમાં નવી નંખાયેલી લાઇન પર આડેધડ નાખેલી માટી બેસી જતા ભારે મોટો વિવાદ થયો હતો. બોપલ-આંબલી રોડની સ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. શેલા-શીલજ તરફ પણ આવાજ પ્રશ્નો હતા.

આ તમામ વિસ્તારો નવવિકસિત છે પણ તેનો વિકાસ કરતી વખતે જૂના વિસ્તારોમાં કરેલી ભૂલો સુધારી લેવામાં આવી ન હોવાથી એની એજ સ્થિતિ સર્જાય છે, જે તંત્ર ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી પાઠ નથી ભણતું તેના લમણે એની એજ ભૂલોનુ પૂનરાવર્તન લખયેલું હોય છે. તંત્ર સુધરતું નથી અને હેરાન થવાનું આવે છે નિદોર્ષ અને ટેક્સપેયર પ્રજાજનોને.

ચાર રસ્તાઓ પર સૈથી વધુ વાહનો પસાર થતાં હોય છે એવા લગભગ તમામ ચાર રસ્તાઓ પર પાણી ભરાતું હોય છે. ચાર રસ્તાની ડિઝાઇન અને વિકાસ થતા હોય ત્યારે ધ્યાન કેમ નથી રખાતું. હેલ્મેટ સર્કલ અને AEC બ્રિજ નીચે કાયમ પાણી ભરાય છે. તો તેમાથી બોધપાઠ લાઇને ઇસ્કોનબ્રિજની ડિઝાઇન કેમ એવી કરાઇ નહીં. અધિકારીઓ અને એન્જિનિયરોની ‘સાત ખૂન માફ’ની જેમ વારંવાર કરેલી એક સરખી ભૂલોનો કોઇ જવાબ માગતું ન હોવાથી હિસ્સો-હિસ્સો ચાલ્યા કરે છે.

આ પણ વાંચો: Crazy Rain / ગાંડોતુર વરસાદ : સમસ્યા સોશિયલ મીડિયાની નજરે !