સુરત,
ડાયમંડ સિટી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક આગમ આર્કેડ નામની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં ૭ વર્ષીય મંથન જાધવ નામના બાળકનું મોત થયું છે, જયારે ૫૦ થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જયારે પ્રીતિ પટેલ નામના ટીચરની હાલત ગંભીર જોવા મળી રહી છે. આ સાથે કુલ ૬ને સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડ નામની બિલ્ડીંગના પહેલા માળે આગ લાગી હતી અને આગનો ઘુમાડો ઉપરના ભાગે પણ પહોચ્યો હતો.
આ બિલ્ડીંગના ઉપરના માળ ઉપર હોસ્પિટલ અને ટ્યુશન કલાસીસ આવેલા છે, ત્યાં ૫૦ જેટલા લોકો ફસાયા હતા.
જો કે આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ૧૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડના કર્મીઓએ બિલ્ડીંગના ઉપરના ભાગે ફસાયેલા તમામ લોકોને ક્રેન દ્વારા રેસ્ક્યુ કર્યા હતા.
બીજી બાજુ આ આગની ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના તમામ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા.