રાજ્યમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે ધરતીપુત્રોની દશા બગડી છે, એક તરફ દુષ્કાળ અને બીજી બાજુ સરકારની ઢીલી નીતિને કારણે ખેડૂતો આપઘાતનો રસ્તો અપનાવી રહ્યાં છે, આવી જ ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે.
અહીં એક ખેડૂતે કેનાલમાં પાણી છોડવા માટે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આપઘાત પ્રયાસ કર્યો હતો. જો કે અન્ય ખેડૂતોએ તેને રોક્યો હતો અને હૈયા ધારણા આપી હતી.
મળતી વિગત પ્રમાણે લખતર મામલતદાર કચેરીમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી. ખેડૂત પોતાની સાથે કેરોસીન લઇને આવ્યો હતો, જે તેણે કચેરીમાં છાટ્યું હતું.
ખેડૂતની માગ હતી કે કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જો કે કોઇ અણબનાવ બને તે પહેલા જ સાથી ખેડૂતોએ આપઘાત કરનાર ખેડૂતને પકડી લીધો હતો. બનાવને પગલે અધિકારીઓ પણ ગુમસૂમ થઇ ગયા હતા.
જો કે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આપઘાતનો પ્રયાસ કરવો પડે તે કેટલા અંશે યોગ્ય છે. થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીની સભામાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેના પ્રશ્નનું નિરાણકરણ તાત્કાલિક આવી ગયું હતું.