Not Set/ ગુજરાત/સુનામીથી રાજ્યને ખતરો, દરિયાકાંઠે 448 કિમી લાંબી દિવાલ બનાવાશે

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રમાં જળ સ્તર વધવાની શક્યતા છે , જેનાથી ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત સહિત મુંબઈના કાંઠા વિસ્તારોમાં સુનામીનો ખતરો વધુ છે. ભારતમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે. સમુદ્રની સપાટી વધતાં ભરતીના મોજાના કારણે ગુજરાતના કાંઠે જમીન ખવાઈ રહી છે. તેથી રૂ.450 કરોડના ખર્ચે 448 […]

Gujarat Others
gujarat 1 ગુજરાત/સુનામીથી રાજ્યને ખતરો, દરિયાકાંઠે 448 કિમી લાંબી દિવાલ બનાવાશે

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રમાં જળ સ્તર વધવાની શક્યતા છે , જેનાથી ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત સહિત મુંબઈના કાંઠા વિસ્તારોમાં સુનામીનો ખતરો વધુ છે. ભારતમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે.

સમુદ્રની સપાટી વધતાં ભરતીના મોજાના કારણે ગુજરાતના કાંઠે જમીન ખવાઈ રહી છે. તેથી રૂ.450 કરોડના ખર્ચે 448 કિલોમીટર લાંબી દિવાલ દરિયા કાંઠે બનાવવાનું કામ 2019થી ચાલુ કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા કાંઠે 3 કરોડથી વધું લોકો રહે છે. 39 બંદર અને ઉદ્યોગ કે ઔદ્યોગિક વસાહત આવેલી છે. ઈસરો અને સેન્ટ્રલ વોટર કમીશનના સરવે પ્રમાણે છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતનો 56 ટકા દરિયા કાંઠો ઘસાઈ કે ખવાઈ ગયો છે. ગુજરાતમાં 2125 કિ.મી. લાંબા દરિયા કાંઠા પર દક્ષિણ ગુજરાતના 486 કિમી કાંઠો સૌથી વધું ખવાયો છે અને દરિયો અંદર આવી ગયો છે. તેથી ખેતીને અને માનવ વસાહતને અસર થઈ રહી છે.

ગુજરાતના સિંચાઈ વિભાગ અને સીડબલ્યુસી વચ્ચે દરિયા કાંઠાનો અહેવાલ તૈયાર કરવા માટે કરાર થયા હતા. જેમાં દરિયા કાંઠે 2થી 3 મિટર ઊંચી દીવાલ બની રહી છે. વલસાડના નાની દાંતી અને મોટી દાંતી વચ્ચે 64 કિ.મી.ની દિવાલ બની ગઈ છે. ગયા વર્ષે દરિયા કાંઠો ઘસાઈ જતાં નાની દાંતી ગામ પર દરિયો ફરી વળ્યો હતો અને ગામ ડુબી ગયું હતું. લોકોએ પોતાની જમીન ગુમાવી છે. મકાનો ગુમાવી દીધા છે. લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. આથી અહીં જો સુનામી આવે, તો ભારે તારાજી સર્જાવવાની શક્યતા રહેલી છે.

35 ટકા દરિયા કાંઠો વધી ગયો

લોકસભામાં આપેલી માહિતી પ્રમાણે, દરિયાની જળ સપાટી વધતા મુંબઈ, કચ્છ, ખંભાતનો અખાત વધુ પ્રભાવિત થશે. ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યાર સુધીમાં દરિયા કાંઠામાં 35% જેટલો વધારો થયો છે. દરિયાનું સ્તર વધવાથી રિવર સિસ્ટમ ખોરવાઈ શકવાની સંભાવના છે. છેલ્લા 25 વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ સિવાય માનવીય ગતિવિધિઓને કારણે પણ દરિયાનું જળસ્તર સતત વધતું રહ્યું છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ બાકાત નથી. ભારતના દરિયા પર ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધી સમુદ્રનું જળ સ્તર 3.5 ઈંચથી 34 ઈંચ (2.8 ફૂટ) સુધી વધી શકે છે. મુંબઈ સહિત પશ્ચિમી તટ અને પૂર્વીય ભારતના પ્રમુખ ડેલ્ટાઓમાં આ સૌથી મોટો ખતરો હોઈ શકે છે. દરિયાની જળસપાટીમાં વધતા મુંબઇ, કચ્છ, ખંભાતનો અખાત, કેરળમાં સૌથી વધુ અસર થશે. ગ્લોબલ વૉર્મિંગની અસરને લીધે જળસપાટી વઘી રહી છે. અત્યાર સુધીમાં 35 ટકા જેટલો દરિયાકાંઠો ખવાઈ ગયો છે. દુનિયાના અનેક ભાગોમાં જ્યાં સમુદ્રી જળ સ્તરમાં વધારો થયો છે, ત્યાં સુનામીનો ભય વધી શકે છે. કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીઝ – કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અધિસૂચના-2011 અને આઈલેન્ડ પ્રોટેક્શન ઝોન અધિસૂચના-2011ને લાગુ કરવામાં આવ્યા છે.

ક્યાં સૌથી વધુ અસર

ગુજરાતમાં કચ્છ, જામનગર, પોરબંદર, ભરૂચ, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ સુનામી સંભવિત વિસ્તારો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માસ્કા અને જનકપુર તથા જામનગર જિલ્લાના દિગ્વિજયગ્રામ તથા બાલાછડીને સુનામીની ગંભીર અસર પહોંચી શકે છે.

નદીઓના મુખ પ્રદેશ પર ખતરો

સમુદ્ર સ્તર વધવાથી સૌથી મોટો ખતરો એ છે કે, તેનાથી રિવર સિસ્ટમ પૂરી પૂરી બગડી શકે છે. આવામાં ભારતીય ખાદ્ય સુરક્ષા પર તેની સૌથી વધુ અસર પડશે. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એડેકમી ઓફ સાયન્સિસ નામના જનરલમાં ઉલ્લેખાયેલ એક સ્ટડીમાં બતાવાયું કે, ગત 25 વર્ષોમાં સમુદ્રનું જળસ્તર વધવાનું કારણ માત્ર કુદરતી જ નથી, પરંતુ માનવીય ગતિવિધિઓ પણ થયેલું છે. વિશ્વના અનેક હિસ્સા, જ્યાં સમુદ્રી જળસ્તરમાં વધારો થયો છે, ત્યાં આ ભય વધી શકે છે અને તેનું કારણ જળવાયુનું ગરમ થવું છે.

અનાજ ઉત્પાદન પર અસર

દરિયાનું જળસ્તર વધવાથી ભારતમાં ખાદ્ય સુરક્ષા પર ખતરો વધશે, કારણ કે સેંકડો લોકો સીધી રીતે નદીના પાણી પર નિર્ભર છે. યુનેસ્કોએ પણ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે, દક્ષિણ ભારતનો પ્રદેશ 2050 સુધી પાણીની અછતનો સૌથી વધુ સામનો કરશે. ઉલ્લેખનીય છે કે, 26 ડિસેમ્બર 2004માં પણ એશિયામાં આવેલા સુનામીએ દેશના દક્ષિણ વિભાગમાં ભારે વિનાશ વેર્યો હતો. આ સુનામીમાં એશિયાના અડધા ડઝન દેશોના અંદાજે 225000 લોકો મોતને ભેટ્યા હતા.

ધોળાવીરા શહેર પર દરિયો ફરી વળ્યો હતો

કચ્છ વિસ્તારમાં આવેલી પુરાતત્વ સાઈટ ધોળાવીરાની ફરતે મજબૂત પ્રોટેક્શન દિવાલ જોવા મળી છે. આ દિવાલ 6000 વર્ષ જૂની હોવાનો દાવો સીએસઆઈઆર નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા કરવામાં આવ્યો હતો. આ દિવાલ શહેરને સુનામી કે દરિયાના પાણીના રક્ષણ માટે બનાવવામાં આવી હતી. આ દિવાલ 15થી 18 મીટરની જાડાઈ ધરાવે છે અને તે ધોળાવીરાની ચારે ફરતે આવેલી છે. ભૂજની નજીક આવેલો આ દરિયાઈ કાંઠા વિસ્તાર સુનામી ગ્રસ્ત વિસ્તાર હતો અને તેમના અભ્યાસ દરમિયાન તેમને એવું જોવા મળ્યું હતું કે આ પ્રદેશમાં 8000 વર્ષ પહેલા સુનામી આવી હતી. તે સમયે નગર રચના કરનારાઓને એ બાબતનું જ્ઞાન હતું. ધોળાવીરામાં જે મોડલ જોવા મળ્યું છે તે તે જાપાનની 400 કિલોમીટરની એ સી-વોલ જેવી જ છે, જે ગત વર્ષથી જ તેમણે નિર્માણ કરી છે.

1945માં દરિયો ફરી વળ્યો હતો

1945માં ઈરાનના મકરાનની ફોલ્ટ લાઈનમાં ભૂકંપ થતાં કંડલા કિનારે દરિયો ફરી વળ્યો હતો. 12 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. 28મી નવેમ્બર 1945ના રોજ પાકિસ્તાનના માકરાન કોસ્ટ (બલૂચિસ્તાન)માં ભૂકંપ આવવાને કારણે અરબ સાગરના ઉત્તરભાગમાં અને હિંદ મહાસાગરમાં સુનામી આવી હતી. મુંબઈ અને કચ્છમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. કચ્છના ઘણાં વિસ્તારો સુનામીના કારણે ડૂબી ગયા હતા. કચ્છનું રણ તેમાં બન્યું હતું. 1945માં માકરાણમાં આવેલી સુનામીની અસર મુંબઈના દરિયાકિનારા સુધી પહોંચી હતી. 1945માં આવેલી સુનામીને કારણે કચ્છ સહિતના પશ્ચિમ ભારતના દરિયાકિનારાના વિસ્તારો અને ઈરાન, ઓમાનમાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. સુનામીને કારણે વર્સોવા(અંધેરી), હાજી અલી(મહાલક્ષ્‍‍મી), જુહુ(વિલે પાર્લે) અને દાંડા(ખાર) વગેરેને અસર થઈ હતી. MSZમાં આવતા ભૂકંપના રેકોર્ડ પરથી 28 નવેમ્બર 1945માં આવેલી સુનામીની જાણ થઈ. આ ભૂકંપનું કેંદ્ર બિંદુ કચ્છથી 450થી 500 કિલોમીટર દૂર નોંધાયું હતું. કચ્છ જામનગર, પોરબંદર, ભરૂચ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ સુનામીથી દરિયાના પાણી ફરી વળે એવો જોખમી છે.

2001 અને 2004માં કંડલા બંદર પર દરિયાના પાણી ફરી વળ્યા હતા.

2014થી વાવાઝોડાનો ખતરો ચાર વાર મંડરાઈ ચુક્યો છે. ઓખી પણ ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચી ગઈ હતી. જે ખતરો બતાવે છે.

કચ્છ પર દરિયો ફરી વળ્યો હતો

દેશના રિસર્ચર્સને પ્રથમવાર ભયંકર સુનામીના નક્કર પુરાવા મળ્યા છે. 1008 ADમાં આ સુનામીએ કચ્છને ધમરોળ્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જીયોલોજી અને ગાંધીનગરની ઈન્ટસ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના રીસર્ચર્સની ટીમને કચ્છના જખઉ અને મુંદ્રા વચ્ચે 250 કિમીથી વધુ લાંબો રેતાળ પટ્ટો મળ્યો જેમાં માટીના થર અડધા મીટરથી 1.5 મીટરના છે. આ થર પ્રાચીન સુનામીના કારણે ઉદ્ભવ્યા છે. જીયોલોજિકલ એનાલિસીસ સ્વિટ્ઝરલેન્ડના ઝુરીચ (Zurich)ની જીયોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટ ETH-ઝેન્ટ્રમ અકીલા (Zentrum)માં અને રેડિયોમેટ્રીક ડેટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. આ એનાલિસીસ પરથી શોધકર્તાઓએ તારણ કાઢ્યું કે, ઉત્તરના અરબી સમુદ્રના મકરાન સબડક્શન ઝોન (MSZ)માં 8થી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે 1008 ADમાં સુનામી આવી હતા. સુનામીના કારણે જખઉ અને મુંદ્રા વચ્ચેના ભારતીય દરિયાકિનારાનો 250 મીટરથી વધુનો જમીની ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. અરબી સમુદ્રમાં આવેલું MSZ પશ્ચિમ અને પૂર્વમાં ઓમાન અને ગુજરાતનો દરિયાકાંઠો તેમજ ઉત્તરમાં પાકિસ્તાન અને ઈરાનના દરિયાકાંઠા તરફ છે.

રાજ્યમાં અહીં ખતરો વધુ

રાજ્યના વલસાડ, નવસારી, સુરત , ભરૂચ અને જામનગર જીલ્લાઓના પશ્ચિમ ભાગે તેમજ ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને જામનગર જીલ્લાઓના પૂર્વ ભાગે દરીયાઇ ધોવાણ જોવા મળેલું છે. આ ધોવાણ દરિયામાંથી આવતા તીવ્ર મોજાના કારણે ખાસ કરીને ચોમાસા પૂર્વે તેમજ ચાલુ ચોમાસામાં આવતી ભરતીમાં મોજાના લીધે થવા પામેલું છે. વધુ માં ગ્લોબલ વૉર્મીંગ ના કારણે દરિયાઇ ભરતીના મોજામાં તીવ્ર વધારો જોવા મળેલો છે. દરિયાઇ કાંઠે માછીમારની વસ્તી વધુ હોય છે. દરિયાઇ ધોવાણથી આ ગામોમાં આવેલ મકાનો, ખેતીની જમીન તેમજ અન્ય માલ મિલ્કતને થતુ ખૂબજ પ્રમાણમાં નુકસાન થયું છે.ઉપરોક્ત રજૂઆતો તેમજ દરિયાઇ કિનારે થયેલ નુકશાનને ધ્યાનમાં રાખી અગ્રતા પ્રમાણે દરીયાઇ કાંઠાના ધોવાણ અટકાવવાના કામો હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કાંઠા ઉપર ગેબીયન્સ કે મોટા પથ્થર ની સંરક્ષણ દિવાલનુ બાંધકામ કરવામાં આવે છે. આ સંરક્ષણ દિવાલના કામો કરવાથી દરીયાઇ મોજાથી થતું નુકસાન અટકાવી શકાયેલું છે. દરીયાઇ ધોવાણ અટકાવવા અંગેના જે કામો પૂર્ણ કરવામાં આવેલ કામો અંગેની વિગતો નીચે મુજબ છે.

4 ગામ ખસેડવા પડ્યા

નવસારીના ઓંજલ માછીવાડ ગામ, ભાટ ગામ તથા વલસાડના નાની દાંતી- મોટી દાંતી ગામ પર દરિયાના મોજા ફરી વળતાં હોવાથી તેનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

દરિયા કાંઠાએ દિવાલ બનાવવાનું કામ

41 ગામનો દરિયા કાંઠો ધોવાયોછે. સુરત, નવસારી, વલસાડના 41 ગામને દરિયા કાંઠા ધોવાણની સમસ્યા છે. આ ગામોમાં સરકારે દરિયાને રોકવા માટે દિવાલ બનાવી છે. હજુ બીજા 60 ગામોમાં આવી સમસ્યા છે.

સુરતમાં 7 ગામને અસર

સુરતના ઓલપાડના નેશ, કરંજ, મોરભગવા, દાંડી, ડભારી ગામમા દરિયો ખવાય ગયો છે. સુરતના ચોર્યાસીના બુડીયા, ડુમસ-સુલતાનાબાદ માં 2450 મીટર લાંબી દિવાલ બની છે.

નવસારીમાં 12 ગામને દરિયાની અસર

જલાલપોર તાલુકાના દાંતી, બોરસી-માછીવાડમાં દિવાલ, બોરસી-માછીવાડ 1800 મીટરની દિવાલ, દાંડી સામાપોર, ઓંજલ માછીવાડ, (રીસ્ટોરેશન વર્ક) નો સમાવેશ થાય છે. નવસારીના ગણદેવી તાલુકાના મેઘર, ભાટ, મોવાસા ધોલાઇ અને વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના નાની દાંતી, મોટી દાંતી, ભદેલી, જગાલાલા, કોસંબા, તિથલ, ભાગવડા, તિથલ (મગોદ ડુંગરી)ને અસર થઈ છે. જ્યાં દિવાલ બની ગઈ છે. પારડી તાલુકાના ઉદવાડા, કોલક, ઉમરસાડી, માછીવાડ તથા માંગેલવાડનો સમાવેશ થાય છે.

ઉમરગામ તાલુકાના ફણસા, ટાટાવાડી, નારગોલ, ઉમરગામ, મરોલી, ફણસા, મરોલી-દાંડી, કાલયનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.