Gujarat Weather Update: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રિથી લઈને વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા, ભારે પવન અને વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા પણ જોવા મળી હતી.
Gujaratમાં બગોદરા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદ જિલ્લાના બગોદરા અને આસપાસના ગામોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને મોટી રાહત મળી હતી. વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. જોકે ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લાઈટો ગુલ થઈ હતી.

આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે બફારા વચ્ચે પડેલા વરસાદે લોકોને ગરમીમાંથી રાહત અપાવી હતી. બીજી તરફ વરસાદ અને તોફાની પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં શહેરમાં થોડા સમય માટે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પાટણમાં મોડી રાત્રે વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહીને અનુરૂપ પાટણ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સુરતના ઓલપાડમાં વરસાદ, ખેડૂતો ચિંતિત
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મોડી રાત્રે પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા વચ્ચે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે આ સમયે પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
ભાવનગર શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. વરસાદને કારણે શહેરના વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી.
સુરેન્દ્રનગરમાં વરસાદ સાથે વીજ પુરવઠો ખોરવાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ભારે બફારામાંથી રાહત મળી હતી. જોકે વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાની ફરિયાદો પણ સામે આવી હતી.

વાપી અને ધરમપુર, વલસાડ, નવસારી પંથકમાં વરસાદી માહોલ
વલસાડ જિલ્લાના વાપી, ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદે લોકોને ગરમીથી રાહત અપાવી હતી. વાપીના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી અને ખેડૂતોને ઉકળાટમાં રાહત મળી હતી. વીજળી ડુલ થતાં લોકો પરેશાન થઈ ગયા હતા. વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા સાથે ફૂંકાયેલા પવનના લીધે હોર્ડિંગ્સ ઉડ્યા હતા. સ્ટેશન બહાર આવેલી દુકાનનું બેનર તૂટ્યુ હતુ. હાલર વિસ્તારમાં વોકવેનો શેડ વાવાઝોડામાં ઉડી ગયો હતો. ભારે પવનના લીધે વાયરો પણ તૂટતા જીઇબીની ટીમ દોડતી થઈ ગઈ હતી.
અમદાવાદ શહેર અને જિલ્લામાં ધંધુકા-ધોલેરામાં એક ઇંચ વરસાદ
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથકમાં ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદ દરમિયાન ધંધુકા વિસ્તારમાં અંદાજે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બોટાદ જિલ્લામાં વહેલી સવારે વરસાદ
બોટાદ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પાળીયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ઉપરાંત બરવાળા, સાળંગપુર, સમઢીયાળા, નાગનેશ, દિવળિયા, બોડીયા અને માલણપુર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગરમીથી રાહત, પરંતુ ખેડૂતોની નજર હવે આગામી વરસાદ પર
રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. જોકે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને ખેડૂતો પાકને સંભવિત નુકસાનને લઈને ચિંતિત બન્યા છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ કેવી રહે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
વાવથરાદમાં વાવાઝોડાંએ વિનાશ વેર્યો
વાવથરાદમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. થરાડના પઠામડા ગામે વરસાદથી ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે આવેલા વરસાદથી પંથકમાં નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં બનાવેલા મકાનના પતરા ઉડ્યા છે. બાજરી, દાડમના પાકને વરસાદથી નુકસાની થઈ છે. વરસાદે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન કર્યુ છે.
બનાસકાંઠામાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ
બનાસકાંઠામાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. પાલનપુર, ડીસા સહિત ગ્રામ્યમાં ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાંથી ઠેરઠેર વીજળી ગુલ થતાં લોકોને હાલાકી પડી છે. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થાય તેવી સ્થિતિ હતી. બનાસકાંઠા કાંકરેજના ઓગડમાં વાવાઝોડાંથી નુકસાની હતી. ખારીયા આંગણવાડા કંબોઇ સહિતમાં ભારે વાવાઝોડું ફૂંકાયુ હતુ. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વાવાઝોડું ફૂંકાયુ હતુ. તાતીયાણા ગામે વીજળી પડતાં બે પશુના મોત થયા હતા. ખારીયામાં ઘરોના પતરા ઉડ્યા હતા. વીજપોલ ધરાશાયી થયો હતો. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બંધ થયા તા. વાવાઝોડાંથી ખેતીના ઊભા પાકને ભારે નુકસાની થઈ હતી.
બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી છે. વરસાદની આગાહી હોવા છતાં તેણે કોઈ પગલાં લીધા ન હતા. તંત્રએ માર્કેટિંગ યાર્ડને માલ સુરક્ષિત સ્થળોએ રાખવા સૂચના આપી હતી. આમ છતાં મગફળી અને રાયડો ખુલ્લા રાખવામાં આવતા તે પલળી ગયા હતા. આમ માલ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.

