Gujarat High Court News: ગુજરાત રાજય કૃષિ(Gujarat State Agriculture) અને ગ્રામિણ વિકાસ બેંક લિમિટેડ (Gramin Vikas Bank Limited)ના ચેરમેન તરીકે ડોલર કોટેચાની નિમણૂંકને લઈને ઉભો થયેલ વિવાદ હવે હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. આ નિમણૂંકની કાયદેસરતા પર પ્રશ્નચિહ્ન મૂક્તા બે જુદી જુદી રિટ અરજીઓ હાઈકોર્ટમાં દાખલ થઈ હતી, જેમાં અરજદારોએ દાવો કર્યો છે કે ડોલર કોટેચા સહકારી કાયદા મુજબ ચેરમેન પદ ધારણ કરવાની લાયકાત ધરાવતા નથી.
જસ્ટિસ અનિરૂદ્ધા માયીએ બંને અરજીઓની પ્રાથમિક સુનાવણી કરતાં રાજ્ય સરકાર, સહકારી રજિસ્ટ્રાર અને ખેતી બેંકના અધિકારીઓ સહિતના પક્ષકારોને નોટિસ જાહેર કરી હતી. અદાલતે સરકાર અને અન્ય સત્તાધીશોને આગામી સુનાવણી સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હવે કેસની વિસ્તૃત સુનાવણી આવતા મહિને યોજાશે.
ચેરમેનપદ માટે જરૂરી લાયકાતનું ઉલ્લંઘન?
અરજદાર રમેશભાઈ ચૌધરી અને ચતુરભાઈ પટેલે દાખલ કરેલી રિટ અરજીઓમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડોલર કોટેચા ખેતી બેંકના ચૂંટાયેલા ડિરેક્ટર નથી, તેમજ તે ખેડૂત ખાતેદાર પણ નથી. કો-ઓપરેટિવ મેમ્બર (Co-operative member) તરીકે તેની પસંદગી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (Gujarat State Co-operative Bank)માંથી કરવામાં આવી હતી. સહકારી કાયદાની કલમ 74C મુજબ, માત્ર ચૂંટાયેલા ડિરેક્ટર જ ચેરમેન બની શકે છે. કો-ઓપરેટિવ મેમ્બર (Co-operative member) અથવા બિનખેડૂત વ્યક્તિને ચેરમેન પદે બેસાડવાની કોઈ જોગવાઈ નથી. અરજદારોએ દાવો કર્યો છે કે કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન કરીને ડોલર કોટેચાને ગેરકાયદેસર રીતે ચેરમેનપદ પર બેસાડવામાં આવ્યા છે, જે ન માત્ર કાયદાના વિરુદ્ધ છે પરંતુ સમગ્ર સહકારી ક્ષેત્રમાં ખોટો નઝિર પણ ઉભો કરે છે.
ગેરકાયદેસર નિમણૂંક રદ કરવાની માંગ
રિટ અરજીમાં અદાલતને વિનંતી કરવામાં આવી છે કે ડોલર કોટેચાની નિમણૂંકને ગેરકાયદેસર સર જાહેર કરીને રદ કરાય. અરજદારોએ દલીલ કરી છે કે ચેરમેન તરીકે તેમની હાજરી ખેતી બેંકના કાર્યમાં અસ્થિરતા ઉભી કરી રહી છે અને કો-ઓપરેટિવ મેમ્બર (Co-operative member) તરીકે તેમને મળેલી સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા પણ છે.
તેમજ આપેલ પેટાસુધારા અને નિર્ણયો કાયદેસર છે કે નહીં તે મુદ્દે પણ સવાલ ઉઠાવાયા છે. અરજદારોએ જણાવ્યું છે કે ચેરમેન તરીકે કોટેચાએ જે નિર્ણયો અથવા ફાઇલ મંજુર કરી છે, તે બધાની કાયદેસરતા પણ હવે પ્રશ્નમાં છે.
અદાલતની પ્રાથમિક ટિપ્પણી અને આગામી કાર્યવાહી
હાઈકોર્ટે મામલાને ગંભીરતાથી લેતા તમામ પક્ષકારોને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનાવણી પહેલાં તેમનો જવાબ માંગ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે ચેરમેન પદ જેવી સક્ષમ જવાબદારી માટે કાયદાનું પાલન અનિવાર્ય છે અને જો કાયદાનો ભંગ થયો હશે તો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર અને સહકારી રજિસ્ટ્રારે હવે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે કે ડોલર કોટેચાની નિમણૂંક કઈ રીતે કરવામાં આવી અને તેમાં કાયદાની જોગવાઈઓનું પાલન થયું કે નહીં.
સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય
આ મામલો રાજ્યના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેતી બેંક જેવી ગૌણ સંસ્થા, જ્યાં ખેડૂત ખાતેદાર અને ચૂંટાયેલા સભ્યોને પ્રાથમિક માન્યતા હોય છે, ત્યાં બિનખેડૂત, અપાર્ટ ડિરેક્ટર અને કો-ઓપરેટિવ મેમ્બર (Co-operative member) ને ચેરમેન બનાવવાનો પ્રયાસ કાયદાકીય રીતે સ્વીકાર્ય છે કે નહીં તે હવે હાઈકોર્ટના નિર્ણય પરથી સ્પષ્ટ થશે.
સહકારી સંગઠનોના નિષ્ણાતો જણાવે છે કે જો આ નિમણૂંક કાયદેસર માન્ય રહેશે તો ભવિષ્યમાં અન્ય બેંકોમાં પણ આવી જ રીતે કો-ઓપરેટિવ મેમ્બર્સ (Co-operative member) ને ચેરમેન બનાવવાનો નવો માર્ગ ખુલ્લો પડી શકે છે, જે સહકારી માળખાની મૂળ ભૂમિકા સાથે સંતુલન ન બેસે.
અંતિમ નિર્ણયની રાહ
હાઈકોર્ટના અંતિમ નિર્ણય પહેલાં ખેતી બેંકના તમામ કાર્ય અને નિર્ણયોની કાયદેસરતા પણ પ્રશ્નચિહ્ન હેઠળ આવી ગઈ છે. આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર અને સહકારી વિભાગનો જવાબ શું આવે છે તે નિર્ણાયક બનશે. ડોલર કોટેચાની ચેરમેન તરીકેની કસોટી હવે ન્યાયાલયના ચુકાદાં પર નિર્ભર છે.
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટમાંથી નારાયણ સાંઈને મળી રાહત, બીમાર માતાને મળવા 5 દિવસના હંગામી જામીન
આ પણ વાંચો:જૂનાગઢના વિવાદાસ્પદ ખંડણીના કેસમાં આરોપીની સજા જાળવી રાખતી ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો:રાજ્ય સરકારના યુસીસી બનાવવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

