ભરૂચ/ ઝીંગા તળાવ તોડવા જિલ્લા કલેકટરના હુકમ સામે હાઈકોર્ટનો સ્ટે

ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાના બલોતા ગામે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બલોતા ગામના છેવાડે ૩૧ ઝીંગા તળાવ આવેલા છે. જ્યાં ભરૂચના પૂર્વ કલેકટર રવિ અરોરાએ વર્ષ ૨૦૧૯ માં ૩૧ ઝીંગા તળાવને ૨૦ વર્ષ સુધી ઝીંગાનો પાક લેવા મંજૂરી આપી હતી.

Top Stories Gujarat Others
zinga farm ઝીંગા તળાવ તોડવા જિલ્લા કલેકટરના હુકમ સામે હાઈકોર્ટનો સ્ટે
  • ભરૂચના હાંસોટ તાલુકામાં બલોતા ગામે ૩૧ ઝીંગા તળાવ તોડવા જિલ્લા કલેકટરના હુકમ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે
  • કાયદેસર રીતે ૨૦ વર્ષના ભાડાપટે આપ્યા બાદ દોઢ વર્ષમાં ગેરકાયદેસર ઠેરવી તળાવો તોડી પાડવા હુકમ
  • સ્થળના નકશા દોઢ વર્ષમાં જ બદલાઈ ગયા જેથી સી.આર.ઝેડ. દ્વારા તમામ ૩૧ તળાવો તોડવાનો આદેશ
    ઝીંગા તળાવની પરવાનગીમાં ખોટું કરનાર સામે પૂરતી તપાસ થવી જોઈએ તેવી તળાવ ખેડૂતોની ઉગ્ર માંગ ઉભી થઇ
  • હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા ઝીંગા તળાવના સંચાલકોમાં અનેરી ખુશી જોવા મળી

 

ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકાના બલોતા ગામે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બલોતા ગામના છેવાડે ૩૧ ઝીંગા તળાવ આવેલા છે. જ્યાં ભરૂચના પૂર્વ કલેકટર રવિ અરોરાએ વર્ષ ૨૦૧૯ માં ૩૧ ઝીંગા તળાવોને ૨૦ વર્ષ સુધી ઝીંગાનો પાક લેવા મંજૂરી આપી હતી. સરકારી કામકાજ અનુસાર કોઈપણ ઝીંગા તળાવ માટે પરવાનગી આપતા પૂર્વે સ્થળ તપાસ, જે તે તાલુકાના મામલતદાર, મત્સ્યોદ્યોગ સાહિતના અધિકારીઓના અભિપ્રાય લેખિતમાં આપવાના હોય છે. પૂરેપૂરી પુરતતા થયા બાદ જ ઝીંગા તળાવ માટે પરવાનગી આપવામાં આવે છે. જેથી વર્ષ ૨૦૧૯માં સરકારી પડતર જગ્યા ઉપર ૩૧ ઝીંગા તળાવ બનાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. લેખિત પરવાનગીના આધારે ઝીંગા તળાવના માલિકોએ લાખો રૂપિયાના ખર્ચ કરી ૩૧ ઝીંગા તળાવોમાં ઝીંગા ઉછેરની કામગીરી શરૂ કરી હતી.

zinga farm 2 ઝીંગા તળાવ તોડવા જિલ્લા કલેકટરના હુકમ સામે હાઈકોર્ટનો સ્ટે

જોકે દોઢ વર્ષમાં જ તમામ  ૩૧ ઝીંગા તળાવોને જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી. મોડીયા દ્વારા ગેરકાયદેસર ઠેરવી તમામને તોડવાનો હુકમ ફરમાવી દેવામાં આવ્યો હતો. ઝીંગા તળાવ તોડવાના હુકમના પગલે ઝીંગા તળાવના માલિકો ભારે અવઢવમાં મુકાયા હતા. દોઢ વર્ષ પૂર્વે પૂરતા અભ્યાસ બાદ પૂર્વ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલ પરવાનગીને હાલના જિલ્લા કલેકટર અચાનક રદ કેવી રીતે કરી શકે છે. અને તમામ ઝીંગા તળાવો તોડી પાડવાનો હુકમ કેવી રીતે કરી શકે છે, તે વિચારોથી ઝીંગા તળાવના માલિકો અવઢવમાં સપડાયા હતા. દોઢ વર્ષ પૂર્વે લાખોના ખર્ચે ઝીંગા તળાવ ઉભા કર્યા બાદ ઝીંગાના ઉભા પાકે તળાવ તોડવાનો હુકમ રદ કરવા જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં જિલ્લા કલેકટર તમામ તળાવો તોડવા મક્કમ હતા. જેથી ગતરોજ ઝીંગા ઉછેર કરનારાઓની રજૂઆતના પગલે હાઇકોર્ટે દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટે આપી દીધો હતો. પરિણામે ઝીંગા તળાવના સંચાલકોને થોડા સમય માટે હાશકારો થયો હતો. પણ બીજી તરફ જોવું રહ્યું કે દોઢ વર્ષ પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલ પરવાનગી અને હાલના જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડિયાના દ્વારા ઝીંગા તળાવ તોડવાની કામગીરીમાં કોઈ સમાનતા બેસતી નજરે આવતી નથી.

વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં એક જ સ્થળના નકશાઓમાં ફરક જોવા મળ્યો હોવાથી મામલતદાર તેમજ જીપીસીબીના અભિપ્રાય, સીઆરઝેડના પરવાનગી લેટરોની ઝીણવટભરી તપાસ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. ઝીંગા તળાવના ખેડૂત બલોતા ના બળવંત સી પટેલે જણાવ્યા અનુસાર સી.આર.ઝેડને અરજીકર્તા તેમજ ભ્રષ્ટ સરકારી બાબુઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોય તેમ દોઢ જ વર્ષમાં એક જ સ્થળના નકશા જુદા જુદા ઉપજ્યા છે. જેથી ભ્રષ્ટ બાબુઓ ઉપર જિલ્લા કલેકટર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે અને ઉદાહરણરૂપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યારે બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા પંદર દિવસમાં સ્થળ તપાસ કરી રિપોર્ટ કરવા તેવા આદેશ સાથે હાઈકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. જો પૂર્વ કલેકટર દ્વારા નકશા સહિત, જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ જ પરવાનગી આપવામાં આવી હોય તો દોઢ વર્ષમાં જ આ તમામ પરવાનગી ખોટી કેવી રીતે હોય શકે તે એક વિચાર માંગી લે તેવો વિષય છે, પણ “પાડાના વાંકે પખાલીને દંડ” હોય તેમ હાલ તો લાખોના ખર્ચ કરી ઝીંગા તળાવ ખેડૂતો  દેવાદાર બની જાય તો નવાઈ નહિ.