પંચમહાલ/ ગોધરા સબ જેલનો સિપાહી હિતેશ રબારી ₹ ૪૦૦ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી.ના હાથે ઝડપાયો

આરોપી કેદીઓને જામીન મુક્ત કરવાના અદાલતના આદેશના અમલમાં પણ ઉઘરાણા.

Gujarat
Untitled 288 ગોધરા સબ જેલનો સિપાહી હિતેશ રબારી ₹ ૪૦૦ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી.ના હાથે ઝડપાયો

ગોધરા સબજેલમાં કેદ રહેલા આરોપીઓ કેદીઓના અદાલત દ્વારા જામીન મંજુર કરવામાં આવે ત્યારે કેદીઓને મુક્ત કરવાના અદાલતના આદેશના પાલન માટે ₹ ૫૦૦ સુધીની લાંચના નાણાં ગોધરા સબ જેલના સિપાહીને ચૂકવવા પડતા હોવાની માહિતીઓ ગોધરા સ્થિત પંચમહાલ એ.સી.બી.કચેરીના સત્તાધીશોને ગુપ્તરાહે મળી હતી. આના આધારે પંચમહાલ એ.સી.બી.પી.આઈ.જે.એમ. ડામોર દ્વારા ગોઠવવામાં આવેલ ગુપ્ત ડિકોયરના છટકામાં ગોધરા સબજેલના સિપાહી હિતેશ રબારી ૪૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી. ટીમના હાથે ઝડપાઈ જતા ગોધરા સબ જેલના સબ સલામત જેવા બંદોબસ્તમાં જબરદસ્ત સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો, જયારે સબજેલમાં બંધ કેદીઓમાં એક પ્રકારની રાહત ફેલાઈ હોવાનો માહૌલ સર્જાયો હતો

ગોધરા સબજેલની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ સંભાળી રહેલા કેટલાંક કર્મચારીઓ પણ આરોપી કેદીઓની મુલાકાતો, અન્ય સગવડો કે અદાલતના જામીન મુક્ત કરવાના આદેશમાં પણ લાંચના ઉઘરાણા કરી રહયા હોવાની ચાલી રહેલ આ ચર્ચાઓ ગોધરા સ્થિત એ.સી.બી.કચેરીના સત્તાધીશો સમક્ષ ગુપ્તરાહે પહોંચી હતી. એમાં ગોધરા સબ જેલ માંથી જામીન મુક્ત કરવાના અદાલતના આદેશના પાલન માટે કેદીઓના સંબંધી પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હોવાના સત્યને ચકાસવા માટે ગોધરા સ્થિત પંચમહાલ એ.સી.બી.પી.આઈ.જે.એમ. ડામોર દ્વારા ડિકોયનું આયોજન કર્યુ હતું.

એમાં ડિકોયરના એક કેદી સંબંધીને અદાલત દ્વારા જામીન મુક્ત કરવાના આદેશ સાથે એ.સી.બી.ટીમ ગુપ્તરાહે ગોધરા સબ જેલ કેમ્પસમાં પહોંચી હતી અને કેબિનમાં બેસેલા જેલ સહાયક વર્ગ-૩ના પોલીસ કર્મચારી હિતેશ કનુભાઈ રબારીને આ જામીન ઓર્ડર આપીને ડિકોયરે કેદીને મુક્ત કરવાની વાત કરતા આ ઓર્ડરના અમલ માટે સિપાહી હિતેશ રબારીએ ₹ ૫૦૦ આપવાની હેતુલક્ષી માંગણીની વાતચીતના આધારે ડિકોયરે ₹ ૫૦૦ સિપાહી હિતેશ રબારીને આપ્યા હતા. એમાંથી ₹ ૧૦૦ સિપાહીએ ખુશ થઈને પરત આપ્યા હતા.!! આ સાથે જ ગોધરા એ.સી.બી.કચેરીના પી.આઈ.જે.એમ.ડામોર અને ટીમના સભ્યોએ ગોધરા સબ જેલના સિપાહી હિતેશ રબારીને ૪૦૦ રૂપિયાની લાંચના નાણાં સાથે કેબિનમાં જ ઝડપી લેતા ગોધરા સબ જેલની સુરક્ષા વ્યવસ્થાઓના વહીવટમાં જબરદસ્ત સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.!!