History/ લેવડ દેવડ માટે કેવી રીતે થઈ સિક્કાઓની શરૂઆત?

આજથી લગભગ દસ હજાર વર્ષ અગાઉ એટલે મધ્ય પાષાણકાળ દરમિયાન મનુષ્યની આવશ્યકતા માત્ર પેટ ભરવા માટે શિકાર સુધી સીમિત હતી. એ સમયમાં એક સમૂહ હતો જે લોકોને હથિયાર…

Mantavya Exclusive
Origins of Coins

Origins of Coins: આજથી લગભગ દસ હજાર વર્ષ અગાઉ એટલે મધ્ય પાષાણકાળ દરમિયાન મનુષ્યની આવશ્યકતા માત્ર પેટ ભરવા માટે શિકાર સુધી સીમિત હતી. એ સમયમાં એક સમૂહ હતો જે લોકોને હથિયાર આપતો અને બદલામાં ભોજન લેતો. લેવડ-દેવડ કે વ્યાપારનું આ બિલકુલ પ્રારંભિક સ્વરૂપ માનવામાં આવે છે. આ સમય સુધી ન ખેતી શરૂ થઈ હતી અને ન મુદ્રા તરીકે વસ્તુઓનો ઉપયોગ, તો આખરે લેવડ-દેવડ માટે સિક્કાઓની શરૂઆત કેવી રીતે થઈ? આવો જોઈએ વિસ્તૃતમાં…

રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે વિનિમય-માધ્યમ તરીકે વપરાતો સિક્કો સહુને સુપરિચિત છે. ભારતમાં એને માટે સંસ્કૃતમાં શરૂઆતમાં ‘રૂપ’ અને આગળ જતાં ‘મુદ્રા’ શબ્દ પ્રયોજાતો. લેખ કે લેખન, રૂપ કે મુદ્રા અને ગણના કે હિસાબ – એ બુનિયાદી શિક્ષણના મુખ્ય વિષય ગણાતા. હાલ ‘રૂપ’ કે ‘મુદ્રા’ને બદલે અરબી શબ્દ ‘સિક્કો’ વધુ પ્રચલિત છે. ‘સિક્કો’ એટલે નિયત ધાતુ અને તોલનું શાસક-અધિકૃત વિનિમય-માધ્યમ. જુદા જુદા દેશોમાં જુદા જુદા કાળમાં જુદી જુદી ધાતુઓના સિક્કા પ્રચલિત હતા. એમનું સર્વાંગીણ શાસ્ત્રીય નિરૂપણ કરતી વિદ્યા તે ‘સિક્કાશાસ્ત્ર’.

માનવવિદ્યાના અભ્યાસ પરથી માલૂમ પડે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં માનવ ગ્રામીણ અવસ્થામાં લગભગ સ્વાવલંબી હતો. આગળ જતાં ધાતુની શોધ થતાં ધાતુ-હુન્નરકલા વિકસી ને ગામોનો નગરોમાં વિકાસ થયો, ત્યારે વિવિધ વર્ગોમાં વિનિમય-પદ્ધતિ પ્રચલિત થઈ ને માનવસમાજમાં પરસ્પરાવલંબન પ્રવર્ત્યું. વેપારવાણિજ્યનો વિકાસ થતાં સીધા વિનિમયની અટપટી પદ્ધતિને બદલે વિનિમયના માધ્યમની સગવડભરી પદ્ધતિ પ્રચલિત થઈ. શરૂઆતમાં પશુચર્મ, પશુઓ અને ધાન્ય જેવાં સુલભ માધ્યમ અપનાવાયાં. સમય જતાં ધાતુનાં ઘરેણાંનો વિનિમય-માધ્યમ તરીકે ઉપયોગ થયો. વેદકાળના સાહિત્યમાં ‘નિષ્ક’ વગેરે શબ્દ આ સંદર્ભમાં પ્રયોજાયા છે. વળી સોનું, ચાંદી અને તાંબાના ટુકડા માધ્યમ તરીકે વપરાતા. એમાં એ ટુકડાના તોલની અને ધાતુની શુદ્ધિ ચકાસવી પડતી. આ રોજિંદી અગવડ નિવારવા માટે શાસક તરફથી ધાતુના તોલના ચિહનાંકિત સિક્કાની પદ્ધતિ પ્રયોજાઈ. સમય જતાં એના સપ્રમાણ આકાર પણ અપાયા. આગળ જતાં એમાં શાસકનું નામ, સિક્કાનું મૂલ્ય, તે પડાયાનું વર્ષ, ટંકશાળનું સ્થળ વગેરે વિગતો ઉમેરાઈ. વિવિધ સિક્કાઓના આ ઉત્તરોત્તર વિકાસનું નિરૂપણ તે તે દેશ કે રાજ્યના સિક્કાશાસ્ત્રમાં કરાયું છે.

વૈદિક સાહિત્યમાં ‘નિષ્ક’ વગેરે શબ્દના પ્રાસંગિક ઉલ્લેખ આવે છે, પરંતુ એ સિક્કાના અર્થમાં પ્રયોજાયા હોય એવું લાગતું નથી. પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી’માં ભારતના પ્રાચીન સિક્કાઓને લગતા અનેક ઉલ્લેખ આવે છે. કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર’માં સિક્કાઓનું કોષ્ટક તેમજ લક્ષણાધ્યક્ષ(ટંકશાળનો ઉપરી)ની ફરજો વગેરેને લગતી માહિતી આપેલી છે. ‘મનુસ્મૃતિ’માં પણ ભારતના પ્રાચીન સિક્કાઓ વિશે માહિતી આપેલી છે. ગણિત અને જ્યોતિષને લગતા પ્રાચીન ગ્રંથોમાં પણ સિક્કાઓ વિશે વિપુલ માહિતી છે. ખલજી સલ્તનતના સમયમાં દિલ્હીની ટંકશાળના અધિકારી ઠક્કુર ફેરૂએ લખેલી ‘દ્રવ્યપરીક્ષા’માં ભારતીય સિક્કાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી આપેલી છે. અબુલ ફઝલે ‘આઈને અકબરી’માં અકબરના સોનાના અનેકાનેક સિક્કાઓનું નિરૂપણ કરેલું છે.

ચીનમાં સિક્કાનો આરંભ ઈ. પૂ. 7મી સદીથી પ્રચલિત હોવાની પ્રતીતિ થાય છે. ઈરાનમાં સિક્કાનો આરંભ ઈ. પૂ. 6ઠ્ઠી સદીમાં થયો. પશ્ચિમ એશિયામાં લિડિયા દેશમાં તેમજ ગ્રીક નગર-રાજ્યોમાં સિક્કા ઈ. પૂ. 7મી સદીથી પ્રચલિત થયા. વળી ગ્રીસમાં ચાંદીના સિક્કા એ સમયથી પ્રચલિત થયા હતા. ઈ. પૂ. 5મી સદી સુધીમાં સિક્કાનું ચલણ પશ્ચિમના સર્વ વિકસિત દેશોમાં પ્રસર્યું હતું. ભારતમાં સિક્કા પર વર્ષ આપવાની પ્રથા ઈ. સ.ની બીજી સદીમાં શરૂ થઈ. એ પહેલાંના લખાણવાળા સિક્કા ઈ. પૂ. 3જી સદીથી પ્રચલિત થયા હતા, જ્યારે લખાણ વગરના ચિહ્ન-અંકિત સિક્કા લગભગ ઈ. પૂ. 6ઠ્ઠી સદી સુધીની પ્રાચીનતા ધરાવે છે.

ભારતમાં સહુથી પ્રાચીન પ્રકારના જે સિક્કા પ્રચલિત હતા, તેને આગળ જતાં ‘પુરાણ’ કે ‘ધરણ’ કહેતા. પહેલાં એને ‘કાર્ષાપણ’ કે ‘પણ’ પણ કહેતા. એ સમયના સાહિત્યમાં તો સોનાના કર્ષ એ 16 માષનો અર્થાત્ 80 ગુંજાનો સિક્કો હતો. એને ‘સુવર્ણ’ પણ કહેતા. કર્ષને દક્ષિણ ભારતમાં ‘કાસુ’ કહેતા. દક્ષિણ ભારતમાં કળંજુને કાર્ષાપણ કહેતા. ચાંદીના અને તાંબાના સિક્કાઓના ઉલ્લેખ છે; પરંતુ એ સમયના જે સંખ્યાબંધ સિક્કા મળ્યા છે તેમાંના ઘણા ચાંદીના ને થોડાક તાંબાના છે, કોઈ સોનાના નથી. બિંબ-ટંક ચિહનિત સિક્કાને ‘આહત’ તરીકે ઓળખવામાં આવે છે. ચાંદીના આહત સિક્કા 32 રતીનું તોલમાન ધરાવતા. આવા સિક્કા ભારતના લગભગ બધા પ્રદેશોમાં મળ્યા છે. બિંબિસારના સમયથી મૌર્યકાલ સુધી ભારતમાં આવા સિક્કા પ્રચલિત હતા. ઉત્તર ભારતમાં એ ઈ. પૂ. 2જી સદી સુધી પ્રચલિત રહ્યા, જ્યારે દક્ષિણ ભારતમાં એ વધુ ત્રણચાર સદી સુધી પ્રચલિત રહ્યા હતા. આ સિક્કા સામાન્યત: મૂળમાં સમચોરસ કે લંબચોરસ હોય છે; પરંતુ તોલ સરખો કરવા માટે એના ખૂણા ગમે તેમ કપાતાં એ વિષમ આકારના બની ગયા હોય છે. એમાં પ્રાચીન સિક્કા પાતળા અને મોટા હતા. પછીના સિક્કા જાડા અને નાના હતા.

આ સિક્કા વેપારીઓની શ્રેણીઓ કે નિગમ સંસ્થાઓ દ્વારા પાડવામાં આવતા હશે ને સિક્કા પરનાં ચિહન એ શ્રેણીઓએ પડાવ્યાં હશે. આ સિક્કાઓમાં સામાન્યત: અગ્રભાગ પર ચાર કે પાંચ ચિહન અંકિત કરેલાં હોય છે, જ્યારે એનો પૃષ્ઠભાગ તદ્દન કોરો હોય છે અથવા એના પર કેટલાંક નાનાં ચિહન અંકિત કરેલાં હોય છે, જે એની ઉપર સમયે સમયે પાડેલાં જણાય છે, અગ્રભાગ પરનાં ચિહ્નોમાં સૂર્યબિંબ, ષડરચક્ર, ત્રિકૂટ પર્વત, હાથી, વૃષભ વગેરેનો સમાવેશ થાય છે. આહત સિક્કાઓ પર કંઈ લખાણ હોતું નથી, માત્ર ચિહ્નો હોય છે. આ ચિહ્નો સેંકડો પ્રકારનાં મળે છે. તે દરેક ચિહનનું કંઈ તાત્પર્ય રહેલું હતું, જે હાલ નક્કી કરવું મુશ્કેલ છે. બિંબટંક-ચિહ્નિત આહત સિક્કાઓ પછી સિક્કા પાડવાની એક બીજી પદ્ધતિ પ્રચલિત થઈ. એ હતી સાંચામાં ઢાળીને સિક્કા પાડવાની પદ્ધતિ. ભારતનાં પ્રાચીન નગરોનાં ખંડેરોમાંથી સાંચાના કેટલાક નમૂના મળ્યા છે. સાંચામાં ઢાળેલા સિક્કા વૃત્તાકાર હોય છે. એ સામાન્ય રીતે તાંબાના મળ્યા છે.

સમય જતાં આહત સિક્કાની પદ્ધતિમાં સુધારો થયો. હવે સિક્કાની એક આખી બાજુનું સળંગ બીબું બનાવી ધાતુના નિયત તોલના તપાવેલા ટુકડા ઉપર એ બીબાની છાપ પાડવાની પદ્ધતિ પ્રયોજાઈ. સમય જતાં સિક્કાની બંને બાજુઓ પર બે જુદા જુદા ટંકની છાપ પડે તેવી બેવડા ટંક-આહત સિક્કાની પદ્ધતિ અપનાવાઈ. યંત્રકલાનો વિકાસ થતાં સિક્કા પાડવાની ક્રિયાપદ્ધતિ પૂર્ણ વિકાસ પામી. એમાં સિક્કાના નિયત આકારના અને નિયત કદના ટુકડા કપાતા જાય છે ને બંને બાજુની છાપની અડી વચ્ચે દબાવતાં તરત જ ભારે હથોડા વડે એની બંને બાજુ પર છાપ પડી જાય છે ને છાપ પડેલ સિક્કા એક પછી એક નીચે પડે છે.

ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તથા પંજાબમાં ગ્રીક રાજાઓનું રાજ્ય સ્થપાતાં તેઓના સિક્કાઓએ ભારતની સિક્કાપદ્ધતિમાં નવી ભાત પાડી. બૅક્ટ્રિયાના ગ્રીક રાજા દિમિત્રે છેક પંજાબ સુધી વિજયકૂચ કરી ‘ભારતીય રાજા’નું બિરુદ ધારણ કર્યું. આ વંશના રાજાઓને ઇન્ડો-ગ્રીક તરીકે ઓળખવામાં આવે છે. આ સિક્કાઓના આધારે આ ભારતીય-યવન શાસકોમાં 38 રાજાઓ અને બે રાણીઓની માહિતી ઉપલબ્ધ થઈ છે. ભારતીય-યવન રાજાઓએ ઈરાની તોલમાન અપનાવ્યું હતું. તેઓના સિક્કાઓ પરનું લખાણ ગ્રીક ભાષામાં અને ખરોષ્ઠી લિપિમાં છે. આ સિક્કાઓના અગ્રભાગ પર પ્રાય: તે તે રાજાના મુખની ને ઉત્તરાંગની આકૃતિ અપાતી. આ સિક્કાઓના પૃષ્ઠભાગ પર કોઈ ને કોઈ ગ્રીક દેવ કે દેવીની આકૃતિ અંકિત કરાતી. ભારતમાં સિક્કાઓ પર લખાણ આપવાની પ્રથા આ સિક્કાઓથી શરૂ થઈ. આ લખાણ અગ્રભાગ પર ગ્રીક ભાષા અને ગ્રીક લિપિમાં છે અને પૃષ્ઠભાગ પર પ્રાકૃત ભાષામાં અને ખરોષ્ઠી લિપિમાં છે. આ રાજાઓએ પડાવેલા ચાંદીના સિક્કા ‘દ્રકમ’ કહેવાતા અને એમાંથી ‘દ્રમ્મ’ અને ‘દામ’ શબ્દો રૂપાંતર પામીને થયા.

આ પ્રદેશમાં પછી શક-પહલવ રાજાઓની સત્તા પ્રવર્તી. શક અને પહલવ – એ બે જાતિઓ વચ્ચે સગાઈનું અને સંસ્કૃતિનું એવું મિશ્રણ થતું કે તેઓને ‘શક-પહલવ’ તરીકે ઓળખવામાં આવે છે. ગંધાર પ્રદેશનો પ્રથમ શક રાજા મોઅ હતો. એના સિક્કા ભારતીય-યવન સિક્કાઓ સાથે સામ્યતા ધરાવે છે. એના ચાંદીના કેટલાક સિક્કા ગોળ અને બીજા કેટલાક ચોરસ છે. એના તાંબાના સિક્કા ચોરસ હોય છે. એના ઘણા સિક્કા દ્વિભાષી છે. મોઅના ઉત્તરાધિકારી અય પહેલાએ ચાંદીના ગોળ તેત્રા દ્રમ્મ અને દ્રક્મ તથા તાંબાના ગોળ અને ચોરસ સિક્કા પડાવ્યા. એમાં બંને બાજુ પર એના નામનું લખાણ હોય છે. અગ્રભાગ પર ગ્રીક ભાષામાં અને પૃષ્ઠભાગ પર ખરોષ્ઠી લિપિમાં તથા ગ્રીક ભાષામાં. અય પહેલા પછી અઝિલિષ ગાદીએ આવ્યો. એણે લક્ષ્મીની આકૃતિ પણ અપનાવેલી. ગૉદોફર પહેલો પહલવ હતો. એના સિક્કા સામાન્યત: તાંબાના કે બિલનના છે. એના તાંબાના સિક્કા ગોળ હોય છે. આ રાજા ઈ. સ.ની 1લી સદીના પૂર્વાર્ધમાં થયો.

તેઓના સમયમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ક્ષત્રપોની પદવી પ્રચલિત થઈ હતી. પશ્ચિમ ભારતમાં સત્તારૂઢ થયેલા ક્ષત્રપ રાજાઓ પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાય છે. એમાંના ક્ષહરાત કુલમાં બે રાજા થયા – ભૂમક અને નહપાન. બીજો વંશ કાર્દમક કુલનો છે. તેઓના સિક્કાઓના પૃષ્ઠભાગ પર ચંદ્ર અને તારાનાં ચિહન અપાયાં છે. આગળ જતાં એ બેની વચ્ચે ત્રિકૂટ પર્વતનું ચિહન ઉમેરાયું. એ પર્વતની ટોચ પર ચંદ્ર અને નીચે નદી કે સમુદ્ર દર્શાવતી તરંગાકાર રેખા હોય છે. એના પરનું લખાણ બ્રાહ્મી લિપિમાં અને પ્રાય: પ્રાકૃતસંસ્કૃત ભાષામાં હોય છે. આ લખાણમાં સિક્કા પડાવનાર રાજાનાં નામ-બિરુદ ઉપરાંત એના પિતાનાં નામ-બિરુદ પણ અપાયાં છે. આ રાજાઓમાં સંયુક્ત રાજશાસનની પદ્ધતિ પ્રચલિત હતી. એમાં મુખ્ય રાજા ‘મહાક્ષત્રપ’ અને ગૌણ રાજા ‘ક્ષત્રપ’ કહેવાતો. રુદ્રસિંહ પહેલાના સમયમાં એટલે કે ઈ.સ. 140-178માં સિક્કા પર તે સિક્કો પડાવ્યાનું વર્ષ પણ અપાતું. આ વર્ષ શક સંવતનાં હતાં. આવું વર્ષ અગ્રભાગ પર રાજાની મુખાકૃતિની પાછળ આપવામાં આવતું. આ બે મહત્વની વિગતોને આધારે ઇતિહાસના સાધન તરીકે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા ઘણા અગત્યના નીવડ્યા છે. ગુપ્ત સમ્રાટોના સોનાના મોટા સિક્કાઓમાં પણ આવી અગત્યની વિગત નથી. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ પરના લખાણની વિગતોના આધારે એ રાજાઓની વંશાવળી તથા સાલવારી બંધ બેસાડી શકાઈ છે.

ક્ષત્રપોના સિક્કાઓ પર વર્ષ 102થી 320 સુધીનાં મળ્યાં છે. કાર્દમક ક્ષત્રપ રાજાઓના સિક્કા સામાન્યત: ચાંદીના અને ગોળ આકારના મળ્યા છે. ચષ્ટન અને રુદ્રસેન 3જાના તાંબાના ચોરસ સિક્કા, કેટલાક ક્ષત્રપ રાજાઓના પૉટનના સિક્કા અને બીજા કેટલાક ક્ષત્રપ રાજાઓના સીસાના સિક્કા પણ મળ્યા છે. ઈશ્વરદત્ત નામે કોઈ રાજાના મહાક્ષત્રપના ચાંદીના ગોળ સિક્કા પ્રાપ્ત થયા છે. રાજા મહાક્ષત્રપ શર્વ ભટ્ટારકના ચાંદીના સિક્કા ક્ષત્રપ સિક્કાઓના જેવા છે. એના પૃષ્ઠભાગ પર ત્રિશૂલનું ચિહન હોય છે. એ મૈત્રક રાજાઓનો પૂર્વજ હોવાનું મનાય છે. દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક વંશના રાજા દહ્સેનના તથા વ્યાઘ્રસેનના સિક્કા પણ ક્ષત્રપ-પ્રકારના છે. ક્ષત્રપોના સિક્કાને ‘કાર્ષાપણ’ કહેતા. એ અર્ધ-દ્રમ્મનો તોલ ધરાવતા. આ રાજાઓના અઢારેક નિધિ પ્રાપ્ત થયા છે.

સમુદ્રગુપ્તના મોટા પુત્ર રામગુપ્તના તાંબાના સિક્કા મળ્યા છે. માળવામાંથી રામગુપ્તના તાંબાના નાના સિક્કા મળ્યા છે. રામગુપ્તને ધ્રુવદેવી નામે રાણી હતી, જે નિર્માલ્ય પતિનું મૃત્યુ થતાં એના નાના પ્રતાપી ભાઈ ચંદ્રગુપ્તની રાણી બની. સમુદ્રગુપ્તનો આ પ્રતાપી પુત્ર ચંદ્રગુપ્ત 2જો ‘વિક્રમાદિત્ય’ તરીકે વિખ્યાત છે. એના સુવર્ણ-સિક્કા અનેક પ્રકારના પ્રાપ્ત થયા છે; જેમ કે, ધનુર્ધર, સિંહનિહન્તા, અશ્વારોહ, છત્ર, પર્યંક, પર્યંકાસીન રાજારાણી, ઉત્પતાક અને ચક્રવિક્રમ પ્રકારના. આ સિક્કાઓના પૃષ્ઠભાગ પર શ્રીવિક્રમ, સિંહવિક્રમ, અજિતવિક્રમ, વિક્રમાદિત્ય, પરમભાગવત અને ચક્રવિક્રમ જેવાં બિરુદ કોતરેલાં છે. ચંદ્રગુપ્ત 2જાના તાંબાના કેટલાક સિક્કા મળ્યા છે; જે છત્ર, રાજા, ઉત્તરાંગ, ચક્ર, કલશ અને ધનુર્ધર પ્રકારના છે. આ રાજાના તાંબાના સિક્કા મૌલિક છે.

કુમારગુપ્ત પહેલાના સિક્કા સહુથી વધુ વૈવિધ્ય ધરાવે છે; પરંતુ આકૃતિ-આલેખનમાં કલાકૌશલ ઘટ્યું છે. આ રાજાનું બીજું નામ ‘મહેન્દ્રાદિત્ય’ છે. એના સિક્કા ધનુર્ધર, અશ્વારોહ, ખડ્ગહસ્ત, સિંહનિહન્તા, વ્યાઘ્રનિહન્તા, ગજારોહ, ગજારોહ-સિંહનિહન્તા, ખડ્ગ-નિહન્તા, અશ્વમેધ, કાર્ત્તિકેય, છત્ર અપ્રતિઘ, વીણાવાદક અને રાજારાણી – એવા અનેક પ્રકારના છે. એમાં ‘કુમારગુપ્ત’ અને ‘મહેન્દ્રાદિત્ય’ નામ અંકિત કરેલાં છે. હાલ આપણે જે સિક્કાઓની વાત કરી તે 2000 વર્ષ જૂના સિક્કાઓ વિશે કરી. ત્યાર બાદ અત્યાર સુધીમાં સિક્કાઓમાં અનેક બદલાવ આવ્યા છે. વધુ વાતો હવે પછી કરીશું.

આ પણ વાંચો: Research/ઈન્ટરનેટ અને દારૂનું વ્યસન વધવા પાછળ છે આ કારણ જવાબદાર, રિસર્ચમાં વૈજ્ઞાનિકોનો ખુલાસો