Research/ ઈન્ટરનેટ અને દારૂનું વ્યસન વધવા પાછળ છે આ કારણ જવાબદાર, રિસર્ચમાં વૈજ્ઞાનિકોનો ખુલાસો

આજકાલ લોકો દારૂ અને ઈન્ટરનેટના બંધાણી થઈ ગયા છે. તેમનો નશો એવો હોય છે કે એક વાર અનુભવાય પછી એમાંથી છૂટવું મુશ્કેલ બની જાય છે

Health & Fitness Trending Lifestyle
Addiction

Addiction: આપણું જીવન કઈ દિશામાં જશે, તે ઘણી હદ સુધી આપણી આદતો પર નિર્ભર કરે છે. ઘણી આદતો આસાનીથી બદલાઈ જાય છે, પરંતુ ઘણી બદલવી ઘણી મુશ્કેલ હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આદતોના આદી બનવામાં અને તેમાંથી મુક્ત થવામાં ઘણા અંશે વ્યક્તિની અંદર રહેલા જીન્સ જવાબદાર હોય છે. આજકાલ લોકો દારૂ અને ઈન્ટરનેટના બંધાણી થઈ ગયા છે. તેમનો નશો એવો હોય છે કે એક વાર અનુભવાય પછી એમાંથી છૂટવું મુશ્કેલ બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આદત કેમ પડે છે? યુરોપમાં થયેલા એક સંશોધનમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ રિસર્ચમાં દારૂ અને ઈન્ટરનેટની લત પાછળનું કારણ સામે આવ્યું છે.

આદતો માટે જવાબદાર છે જીન્સ

પર્સનલાઇઝ્ડ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે (Addiction) આ આદતો માટે માનવમાં રહેલા જીન્સ જવાબદાર છે અને સંશોધનમાં વૈજ્ઞાનિકોએ તે જીન્સને શોધવાનો દાવો પણ કર્યો છે. આપણી દરેક આદત જીનેટીક્સ સાથે જોડાયેલી હોય છે, જીન્સ દ્વારા જ આપણને આ આદતો આપણા પૂર્વજો પાસેથી મળે છે. જો કે, સમયની સાથે તેમાં ફેરફાર થાય છે અને આ કારણોસર કેટલીક આદતો પણ બદલાય છે. સંશોધનમાં હંગેરિયન કોલેજના 3003 યુવકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ યુવાનોને એક પ્રશ્નાવલી આપવામાં આવી હતી જેમાં તેઓને તેમના દારૂ, ડ્રગ્સ, તમાકુ, ઓનલાઈન ગેમિંગ, જુગાર, ઈન્ટરનેટ વગેરેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપવાનું કહેવામાં આવ્યું હતું. પછી એ વાત સામે આવી કે તમામ પ્રકારના નશા 32 પ્રકારના જીન્સ સાથે સંબંધિત છે.

દારૂના વ્યસન માટે જવાબદાર છે આ જીન્સ

હંગેરીની સેમેલવેઈસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કસાબા બાટાએ જણાવ્યું કે માનવીની કોઈપણ આદત કે ગુણવત્તામાં 50 થી 70% ભૂમિકા તેના જીન્સની હોય છે. તેમણે કહ્યું કે ફોક્સ-એન3 એ જીન્સ છે જે દારૂની લત માટે જવાબદાર છે, જે આરએસ 59364 સાથે સંબંધિત છે. કસાબા કહે છે કે આ અભ્યાસમાંથી એ જાણી શકાશે કે કઈ જીનની નબળાઈ વ્યક્તિને વ્યસનનો શિકાર બનાવી શકે છે.

ઇન્ટરનેટનું વ્યસન દારૂ કરતાં પણ ખરાબ

અન્ય એક રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે ઈન્ટરનેટનું વ્યસન દારૂ કરતાં પણ ખરાબ છે. ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વિકસિત દેશોમાં ઈન્ટરનેટ પર વ્યસ્ત રહેનારા 94% લોકો 15 થી 24 વર્ષની વય જૂથના છે. જ્યારે વિકાસશીલ દેશોમાં આ આંકડો 65% થી વધુ છે.