Air travel/ આ છે વિશ્વની સૌથી ટૂંકી હવાઈ યાત્રા,માત્ર 53 સેકન્ડ માટે ઉડે છે વિમાન

દુનિયામાં એક હવાઈ ઉડાન એટલી ટૂંકી છે કે તેને ટેકઓફ અને લેન્ડ કર્યા પછી સ્થાન પર પહોંચવામાં માત્ર 53 સેકન્ડનો સમય લાગે છે

Trending Lifestyle
Air Journey

Air Journey: તમે અત્યાર સુધી વિશ્વની સૌથી લાંબી ઉડતી ઉડાન વિશે સાંભળ્યું જ હશે. જો ભારતમાંથી અમેરિકા કે યુરોપ જાવ તો  કેટલાક કલાકો સુધી ફ્લાઈટમાં મુસાફરી કરવી પડે છે. જો દિલ્હીથી મુંબઈ ફ્લાઈટમાં જાવ તો પણ ઓછામાં ઓછો દોઢથી બે કલાકનો સમય લાગશે. પરંતુ જો એમ કહેવામાં આવે કે  દુનિયામાં એક હવાઈ ઉડાન એટલી ટૂંકી છે કે તેને ટેકઓફ અને લેન્ડ કર્યા પછી સ્થાન પર પહોંચવામાં માત્ર 53 સેકન્ડનો સમય લાગે છે, તો ચોક્કસથી નવાઇ લાગે પરંતુ જાણીને અચંબામાં પડી જવાશે કે એક કોમર્શિયલ ફ્લાઈટ છે જેનો ઉપયોગ રોજ ઘણા મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરે છે.

53 સેકન્ડની આ ફ્લાઇટ

એક અહેવાલ મુજબ, લગભગ 53 સેકન્ડની આ ફ્લાઇટ (Air Journey) સ્કોટલેન્ડમાં થાય છે. આ વિમાન સ્કોટલેન્ડના બે ટાપુઓ વચ્ચે ઉડે છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આ બંને વચ્ચે કોઈ સેતુ નથી. તેમની વચ્ચેનો દરિયો એટલો ખડકાળ છે કે અહીં બોટ ચલાવવી ખૂબ મુશ્કેલ છે. આ કારણે પ્રવાસીઓ એક ટાપુથી બીજા ટાપુ પર જવા માટે આ વિમાનનો સહારો લે છે. આ ફ્લાઈટ લોગન એર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, જે છેલ્લા 50 વર્ષથી અહીં સેવા પૂરી પાડી રહી છે.

આટલુ છે ભાડુ

53 સેકન્ડની આ સૌથી ટૂંકી ફ્લાઇટ માટે રોજિંદા મુસાફરોને લગભગ 14 પાઉન્ડ ખર્ચવા પડે છે. જો તેને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો તે 1815 ની આસપાસ આવશે. જોકે, સ્કોટલેન્ડના મતે આ ભાડું ઘણું ઓછું છે. વાસ્તવમાં, અહીંની સરકાર આ બે ટાપુઓ પર રહેતા લોકોને આ પ્લેન ભાડામાં સબસિડી આપે છે, જેના કારણે આ લોકોને ઓછું ભાડું ચૂકવવું પડે છે. ઉલ્લેખનીય છે કે આ બે ટાપુઓ પર લગભગ 690 લોકો રહે છે.

આ ટાપુઓનું નામ શું છે

આમાંથી એક ટાપુનું નામ વેસ્ટ્રે અને બીજા ટાપુનું નામ પાપા વેસ્ટ્રે છે. જ્યાં વેસ્ટ્રેમાં 600 લોકો રહે છે. પાપા વેસ્ટ્રેમાં લગભગ 90 લોકો રહે છે. આ લોકો જે ફ્લાઇટમાં મુસાફરી કરે છે તે ખૂબ જ નાની ફ્લાઇટ છે અને તેમાં એક સમયે માત્ર 8 લોકો જ બેસી શકે છે. અહીં રહેતા મોટા ભાગના લોકો પર્યટનથી તેમની રોજીરોટી કમાય છે. આ ટૂંકી ફ્લાઇટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.