Gujarat Rain Updates: વરસાદની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે, પરંતુ શહેરમાંથી હાલ મેઘરાજા વિદાય લેવાના મૂડમાં નથી લાગી રહ્યા. એક સપ્તાહના વિરામ બાદ અમદાવાદમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયગાળામાં ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, કાંકરિયા, મણિનગર, ઈસનપુર, રખિયાલ, જશોદાનગર, ઘોડાસર જેવા વિસ્તારોમાં વરસ્યો હતો જેને લઈને વાતાવરણમાં ભારે બફારા બાદ ઠંડક પ્રસરી છે. તો સેટેલાઇટ ભોપાલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, ઘાટલોડિયા, ગોતા, નવાડજ, શૈલજ, મેમકો, દૂધેશ્વર, નરોડા રોડ, જમાલપુર સહિતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં પણ સાંજ સુધી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 05 સપ્ટેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, આ ગાળા દરમિયાન શહેરમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં આ સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકા થઈ ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં આટલો ઝડપથી 100 ટકા વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં અને 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની અપેક્ષા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું કે 13મી પછી પણ વરસાદની સંભાવના છે. જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. વાવાઝોડાની પણ શક્યતા રહેશે. વરસાદ ધીમે-ધીમે પાછો ખેંચાય તે દરમિયાન છુટોછવાયો વરસાદ પડશે.
આ પણ વાંચો: 5G Network India/ રિલાયન્સ જિયોની મોટી જાહેરાત, દિવાળીથી શરૂ થશે 5G સેવા
આ પણ વાંચો: World/ પાકિસ્તાનમાં 8 વર્ષની હિંદુ બાળકી પર તાલિબાનોની ક્રૂરતા, સામૂહિક બળાત્કાર બાદ ફોડી આંખો
આ પણ વાંચો: GOA/ સોનાલી ફોગાટનો PA પાણીમાં મેળવીને ધીમું-ધીમું ઝેર આપતો રહ્યો, રિપોર્ટમાં અનેક ખુલાસા