Gujarat/ DAP અને NPK ખાતરોના ભાવ વધારા અંગે કૃષિ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ખેતીમાં સૌથી વધુ વપરાતા DAP અને એન પી કે ખાતરના ભાવવધારા અંગે કૃષિ મંત્રી આર સી ફળદુએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

Ahmedabad Gujarat
a 377 DAP અને NPK ખાતરોના ભાવ વધારા અંગે કૃષિ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત જ છે, એવામાં હવે ખેતીમાં સૌથી વધુ વપરાતા DAP અને એન પી કે ખાતરના ભાવવધારા અંગે કૃષિ મંત્રી આર સી ફળદુએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ અંગે જણાવતા તેમને કહ્યું કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં ૧ માર્ચથી ભાવ વધારા સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોગ્રેસ પ્રેરિત અને રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી. મંત્રી ફળદુએ વધુમાં ઉમેર્યું કે, ૨૬ ફેબ્રુઆરીએ વિવિધ ટીવી ચેનલોમાં ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગ થી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭૫/બેગ થી વધી રૂ. ૧૪૦૦/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવી કે, જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

હકીકતમાં આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.