Not Set/ ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની બેરેકમાંથી મળી આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ જેલના બેરેક બિલ્ડિંગમાંથી મળી આવવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે

Gujarat
4 1 ધ્રાંગધ્રા સબજેલમાં 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા કેદીઓની બેરેકમાંથી મળી આવ્યા

– ધ્રાંગધ્રા સબજેલ ફરી ચર્ચામાં આવી : જેલના ગાર્ડ અને સ્ટાફ દ્વારા બહારથી વસ્તુઓ લાવી અને જેલમાં પહોંચાડાતી હોવાની શંકા

સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ જેલના બેરેક બિલ્ડિંગમાંથી મળી આવવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ખાસ કરી ધાંગધ્રા જેલ અવાર-નવાર ચર્ચામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ સાથે ચેકિંગ કામગીરી જેલમાં હાથ ધરવામાં આવતા જેલમાંથી મોબાઇલ, ચાર્જર, ઈયરફોન, પાન-માવા જેવી પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવી છે. તેને લઈને ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ મથકના પી.આઈ. સહિતના સ્ટાફ દ્વારા ધાંગધ્રા સબજેલમા આકસ્મિક ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સજા કાપી રહેલા કેદીઓને બેરેક બિલ્ડિંગમાંથી મોબાઇલ ફોન, ઈયરફોન અને ચાર્જર જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ ઘટનાના પગલે જેલર સહિત સ્ટાફ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુચના મળી હતી કે, સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલી જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવામાં આવે છે.

જે અંગેનુ સરપ્રાઈઝ ચેકિંગ કરવા સુચના આપવામાં આવેલી જે અન્વયે આજ રોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા એસ.ઓ.જીના એ.એસ.આઇ મગનભાઈ રાઠોડ તથા પ્રવિણભાઈ આલ તથા હેડ.કોન્સ મહિપતસિંહ મકવાણા તથા હેડ.કોન્સ જયરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ જગદીશભાઈ સભાડ તથા ડ્રા.પો.કોન્સ પરષોત્તમભાઈ નાકીયા તથા ડ્રા.પો.કોન્સ.જગદીશભાઈ તથા બી.ડી.ડી.એસ સ્કોડ સાથે ધ્રાંગધ્રા સબ જેલ સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું.

જેમાં જેલના અલગ-અલગ બેરેકોમાંથી આરોપીઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખેલા મોબાઇલ ફોન નંગ-8 તથા ઈયર ફોન નંગ-08 તથા ચાર્જર નંગ-2 મળી કુલ કિ.રૂ.23.000/- તથા અલગ અલગ બ્રાન્ડના પાર્સલ વાળા પાન મસાલા નંગ-53 મળી આવતા પંચો રૂબરૂ કબજે કરી મોબાઈલ વાપરનાર તપાસમાં ખૂલે તે આરોપીઓ વિરૂધ્ધમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમા ધોરણસર ફરીયાદ આપવામા આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા જેલ ફરી ચર્ચામાં

સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ જેલની કામગીરી સામે સવાલો પણ ઉભા થયા છે. ત્યારે અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા સબજેલ આવેલી છે. તેમાં સજા કાપતા કેદીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડયુ હતું. અને અગાઉ પણ ચેકીંગ કામગીરી દરમિયાન ધાંગધ્રા સબજેલમાંથી ઇલેક્ટ્રોનિક વસ્તુ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ત્યારે અવારનવાર ધાંગધ્રાની સબ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. વધુ એક વખત એસ.ઓ.જી પોલીસે ધાંગધ્રા સબજેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હજુ પણ જિલ્લાની અન્ય સબ જેલોમાં પણ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે તો પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની શક્યતાઓ

ધાંગધ્રા સબજેલમાં એસ.ઓ.જી પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી દરમ્યાન મોબાઈલ, પાન-માવા, ચાર્જિંગ અને ઈયરફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી છે. ત્યારે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાની જો અન્ય સબજેલો આવેલી છે. તેમાં પણ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે તો તેમાંથી પણ મોબાઈલ ફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તથા અન્ય કેટલીક વસ્તુઓ જે જેલમાં લઈ જવી પ્રતિબંધ છે. તેવી વસ્તુઓ મળી આવવાની પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

પૈસા ફેંકો અને જેલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા જેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લાની જેલોમાં

સુરેન્દ્રનગર જિલ્લાની જેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં ખાસ કરી લીંબડી અને ધાંગધ્રા સબજેલ છે. તેમાં અવાર નવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે કેદીઓ પૈસા ફેંકો અને જેલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરો તેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં રહ્યો હોવાનું ચર્ચાએ જોર પકડયું છે. કેદીઓ સજા કાપતા સમયે આરામથી પોતાની જીંદગી જેલમાં જીવતા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ પ્રકારની જેલમાં ચેકિંગ કરી અને પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.