મંતવ્ય વિશેષ/ ગુજરતમાં નવલા નોરતામાં ખેલૈયાથી ખીચોખીચ ભરાયા ગ્રાઉન્ડ, આવી રહી નવરાત્રી 2023

ગુજરાતીઓએ દશેરાની ઉજવણી કરી અને રાવણ દહન કર્યું સાથે ફાફડા જલેબીની મોજ માણી.. માં આધ્યશક્તિની ઉપાસનામાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા છે પરંતુ આ વખતે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે મજા ક્યાંક માતમમાં ફેરવાઇ છે ત્યારે કેવી રહી નવરાત્રી 2023 જોઈએ વિશેષ અહેવાલમાં..

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 2023 10 24T181659.797 ગુજરતમાં નવલા નોરતામાં ખેલૈયાથી ખીચોખીચ ભરાયા ગ્રાઉન્ડ, આવી રહી નવરાત્રી 2023
  • વડોદરાનું નવલખી ગ્રાઉન્ડ 35 હજાર ખેલૈયાથી ખીચોખીચ ભરાયું
  • ગરબા સ્થળો પર ડોકટર-એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાઇ
  • હાર્ટ એટેકના બનાવોને લઈ આનંદીબહેને ચિંતા વ્યકત કરી
  • જોકર બની ગરબાની રમઝટ
  • રાજકોટમાં અઘોર નગારાં અને ભૂવા રાસ જોવા લોકો ઊમટ્યા

ગુજરાતમાં નવરાત્રીનું અનેરું મહતવી હોય છે. આજે ગુજરાતીઓએ દશેરાની ઉજવણી કરી અને રાવણ દહન કર્યું સાથે ફાફડા જલેબીની મોજ માણી.. માં આધ્યશક્તિની ઉપાસનામાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા છે પરંતુ આ વખતે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે મજા ક્યાંક માતમમાં ફેરવાઇ છે ત્યારે કેવી રહી નવરાત્રી 2023 જોઈએ વિશેષ અહેવાલમાં..

નવલી નવરાત્રીનું ગઈકાલે છેલ્લું નોરતું હતું. નવમા નોરતે ખેલૈયાઓ હિલોળે ચડ્યા હોય એવો નજારો જોવા મળ્યો હતો. ગુજરાતનાં ચાર મોટાં શહેર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં યુવાધન અવનવાં સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા હતા. નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી ગરબાપ્રેમીઓએ મોડે સુધી રાસની રમઝટ બોલાવી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓનો હટકે અંદાજ કેમેરામાં કેદ થયો છે.

નવલી નવરાત્રીમાં સામાન્ય રીતે ખેલૈયાઓ ટ્રેડિશનલ અને સેમી ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમતા જોવા મળે છે. પરંતુ સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં નવમા નોરતે એક યુવા ગ્રુપે કોઈ ટ્રેડિશનલ ડ્રેસમાં નહીં, પરંતુ જોકરના પહેરવેશમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. ખેલૈયા ગ્રુપના તમામ સભ્યોએ જોકરનો વેશ ધારણ કર્યો હતો. આ ગ્રુપના 24 સભ્યો છેલ્લા 8 વર્ષથી જોકર બની નવરાત્રિમાં સ્મિત ફેલાવી રહ્યા છે.

જોકરનો વેશ ધારણ કરી ગરબાના સ્ટેપ કરી રહ્યા હતા. જ્યાં એક બાજુ ગ્રાઉન્ડમાં તમામ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હતા. ત્યારે આ ગ્રુપના તમામ સભ્યો જોકરના વેશ ધારણ કરી ગરબાની રમઝટ માણી રહ્યા હતા. લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે નવરાત્રિ પર્વ પર ગ્રુપના આ સભ્યો જોકરનો વેશ ધારણ કરીને શા માટે આવ્યા છે? સામાન્ય રીતે લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવે છે, પરંતુ અમે જોકર બનીને એટલા માટે આવ્યા છીએ કે જોકર લોકોને હસાવે છે. મનની અંદરનો દુઃખ અને ચહેરા ઉપરનો સ્મિત બતાવવા માટે અમે જોકરનો વેશ ધારણ કર્યો છે. લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે આજે અમે જોઈ પણ લીધું, અમારા આવતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશી વ્યાપી ગઈ હતી.

 નવલાં નોરતાંના નવ દિવસ દરમિયાન અર્વાચીન ગરબાની રમઝટ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીઓનું અનેરું મહત્ત્વ વિશેષ જોવા મળ્યું હતું. રાજકોટની વિવિધ પ્રાચીન ગરબીઓના અલગ અલગ પ્રખ્યાત રાસમાં રમતી બાળાઓને જોવા માટે રાજકોટભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા. એવામાં ખાસ રાજકોટની કરણપરા ગરબીમાં બાળાઓનો અઘોર નગારાં રાસ આકર્ષનું કેન્દ્ર બન્યો હતો, જેમાં માતાજી રિમોટ કંટ્રોલવાળા મગર પર સવાર થઈ આવ્યાં હતાં અને આ રાસ સાથે લોકોની આસ્થા જોડાયેલી પણ જોવા મળી રહી છે.

રાજકોટ શહેરમાં આ વર્ષે 15 જેટલાં અર્વાચીન આયોજનો વચ્ચે પણ 500થી વધુ શેરી ગરબામાં રમાતી પ્રાચીન ગરબીએ લોકોમાં આકર્ષનું કેન્દ્ર જમાવ્યું છે. રાજકોટમાં જય અંબે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરણપરામાં ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં બાળાઓએ માતાજીની પૂરી શ્રદ્ધાથી આરાધના કરી રાસ રમી ગરબા ગાયા હતા. લગભગ છેલ્લા ચાર દાયકા એટલે કે 40 વર્ષથી આ ગરબીનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના સાથસહકાર તેમજ કાર્યકરો અને આયોજકો દ્વારા આ ગરબી કરવામાં આવે છે. નવરાત્રિના એક મહિના અગાઉથી બાળાઓ પ્રેક્ટિસ કરતી હોય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ 50 જેટલી બાળાઓએ માતાજીની આરાધના કરવા માટે આ ગરબીમાં ભાગ લીધો હતો. દરેક ગરબી મંડળની એક અનોખી ઓળખ તેમના અનોખા રાસથી બનતી હોય છે. રાજકોટના કરણપરા વિસ્તારમાં થતી ગરબીમાં અઘોર નગારાં રાસ ફેમસ રાસ છે, જેમાં માતાજીના સ્વરૂપમાં બાળા મગર પર સવાર થઈ આવે છે. આ ઉપરાંત બેડા રાસ, મોગલમાનો મેળો, ટિપ્પણી રાસ વગેરે રાસ અહીંના પ્રખ્યાત રાસ છે, જે બાળાઓ દ્વારા રમવામાં આવે છે. પ્રાચીન ગરબાઓ પર બાળાઓએ રાસ રમી સમગ્ર વાતાવરણમાં માતાજી પ્રત્યેનો ભાવ વધાર્યો હતો.

ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યા છે. ત્યારે આ વર્ષે શેરી ગરબાનો ટ્રેન્ડ ખૂબ જામ્યો છે. વિવિધ પાર્ટી પ્લોટમાં પણ શેરી ગરબાની થીમ પર ગરબા યોજાય છે. ત્યારે ગરબાની સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવા કેટલીક સોસાયટીમાં અલગ અલગ પ્રોગ્રામ થાય છે. સોસાયટીના રહીશો સાથે મળીને વેશભૂષા તથા પ્રાચીન ગરબાની પધ્ધતિ સાથે ગરબા રમે છે.

ગામડામાં પરંપરાગત રીતે ગરબાની હેલ જામે છે. જેમાં સ્ત્રીઓ માથે ગરબા અને બેડાં લઇને ગરબે ઘૂમે છે. જેને ગરબાની હિલ કહેવાય છે. શહેરમાં આપ્રકારના રીવાજ જાય છે. ફક્ત કોમર્શિયલ રીતે ગરબા થતા હોય છે. ત્યારે આ પરંપરાને જીવિત રાખવા અમદાવાદના ત્રાગડ વિસ્તારની સમન્વય સ્કાય વ્યુ સોસાયટીમાં મહિલાઓ દ્વારા હેલની પરંપરા જાળવી રખાઈ હતી. જેમાં સોસાયટીની સ્ત્રીઓ દ્વારા માથા પર ઘડુલા લઈને ગરબા રમવામાં આવ્યા હતા. આ રીતે સોસાયટીના રહીશો દ્વારા મહા અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

હિંદુ ધર્મમાં આસો સુદ આઠમનું ઘણું મહત્વ છે. આ દિવસે અનેક સ્થળ પર શક્તિની ઉપાસના કરવામાં આવે છે. અનેક મંદિરોમાં નવચંડીયજ્ઞ પણ યોજવામાં આવે છે. અનેક પોળ અને સોસાયટીમાં આ દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વેશભૂષા કરી ને ગરબા રમવાનો ટ્રેન્ડ પ્રચલિત બન્યો છે. ત્યારે અનેક સોસાયટીમાં રહીશો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવે છે.

નવરાત્રિની દેશ અને દુનિયામાં રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતીઓ જે દેશની અંદર વસવાટ કરી રહ્યા છે. તેને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી દીધી છે. ત્યાં બધા જ સ્થળે નવરાત્રિની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. વિશ્વભરના લોકો મા અંબેની આરાધનામાં મગ્ન છે.

પોલેન્ડની ક્રેકોઉ સિટીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે. ગુજરાત જેમની જન્મભૂમિ છે અને પોલેન્ડ જેમની હવે કર્મભૂમિ થઈ ગઈ છે. ત્યાં છેલ્લા સાત-આઠ વર્ષથી ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ એકત્રિત થઈને નવરાત્રિનું ભવ્ય આયોજન કર્યું છે. વિદેશમાં પરંપરાગત રીતે ગરબા ઘૂમી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ મોટાભાગના યુવાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પોલેન્ડ બોર્ડર ખૂબ જ ચર્ચામાં આવી હતી.

ઉદય ગાંગાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી ક્રેકોઉ અને વોર્શોવ ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ખૂબ જ ભવ્ય રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને નવરાત્રિમાં દરેક વ્યક્તિ વિનામૂલ્યે આયોજનમાં ભાગ લઈ શક્યા છે. સ્થાનિક અમારા મિત્રો અને જય અંબે ગ્રુપના સહકારથી અમે ખૂબ સુંદર રીતે આયોજન કરી શક્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધ વખતે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ત્યારે પોલેન્ડે ઘણા બધા લોકોને આશરો આપ્યો હતો. આ વખતે નવરાત્રિના આયોજન દરમિયાન અમે ભારતીય દુતાવાસના એમ્બેસેડરને આમંત્રણ આપ્યું હતું અને તેમણે વિશેષ પોતાની ઉપસ્થિતિ રાખીને અમે કરેલા આયોજનની પ્રશંસા કરી હતી.

ગુજરાતીઓએ જે દેશની અંદર વસવાટ કરી કર્મભૂમિ બનાવી દીધી છે ત્યાં બધાં જ સ્થળે નવરાત્રિની ઉજવણી ખૂબ જ દબદબાભેર ચાલી રહી છે. ત્યારે લંડનના બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓએ પણ નવરાત્રિની ઉજવણી કરી હતી. જેમાં બેસ્ટ ફેમિલી ગરબા તરીકે સુરતી પરિવારને ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.

લંડનના બર્મિંગહામ સિટી ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે. ગુજરાત તેમની જન્મભૂમિ છે અને લંડન તેમની હવે કર્મભૂમિ થઈ ગઈ છે, ત્યાં આગળ છેલ્લાં સાત-આઠ વર્ષથી ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ એકત્રિત થઈને નવરાત્રિનું ભવ્ય આયોજન કર્યું છે. બર્મિંગહામ હિન્દુ કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રિ યોજાઈ રહી છે, જેમાં 500થી વધુ ગુજરાતીઓએ ગરબા કર્યા હતા. વિદેશમાં પણ પરંપરાગત રીતે ગરબા ઘૂમી રહ્યા છે. આ સાથે મોટા ભાગના યુવાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી રહ્યા છે.

સુરત તથા ગુજરાતની રહેણાક ને ધંધાદારી નવરાત્રિને ફિલ્મી ગીતોનું ઘેલું લાગ્યું છે તો બીજી તરફ વિદેશમાં વસતા ભારતીયો ગરબા રમે છે, એમાં ફિલ્મી ગીતોના બદલે પરંપરાગત ગરબા જ નવરાત્રિ દરમિયાન રમે છે. દરેક ભારતીય તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક થાય છે. નવરાત્રિ પહેલાં અનેક સંસ્થાઓ આયોજન કરે છે અને મોટા હોલમાં માતાજીની સ્થાપના કરી તેમની આરાધના સાથે પરંપરાગત ગુજરાતી ગરબે ઘૂમી રહ્યા છે.

દર વર્ષે નવરાત્રિની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવે છે. આ નવરાત્રિમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા અને જોબમાં સતત વ્યસ્ત રહેતા ભારતીયો ભેગા થાય છે, એના કારણે આ ગરબાનું સ્થળ મિની ભારત બની જાય છે. ભારતમાં જે રીતે ગરબા નવરાત્રિ દરમિયાન વિવિધ એસેસરીઝ મળે છે એવી જ રીતે અહીં પણ નવરાત્રિ દરમિયાન એસેસરીઝનું વેચાણ થાય છે. એની સાથે સાથે ચણિયાચોળી પણ અહીં મળી જાય છે, આથી પરંપરાગત ભારતીય પહેરવેશમાં ભારતીય પરંપરાગત ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરે છે. શહેરમાં નવલાં નોરતાના સાતમા દિવસે એલ્વિસ યાદવ આર. એમ. પટેલ ફાર્મમાં પહોંચતા તેને જોઈ યુવાધન ગાંડું બન્યું હતું.

ગુજરાતના ઐતિહાસિક માતાજીનાં તમામ સ્થાનો પર નવરાત્રિ પર્વને લઇ ખૂબ જ ધામધૂમથી ઉજવણી અને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં અને વિદેશમાં જાણીતું મા અંબાનું સ્થાનક અંબાજી મંદિરમાં નવરાત્રિ પર્વ ઊજવાઈ રહ્યું છે . આજે સાતમ અને આવતીકાલે આઠમના દિવસે આખું મંદિર વડોદરાના માઇભક્તો દ્વારા શણગારવામાં આવી રહ્યું છે. મંદિર શણગારવા માટે ખાસ કોલકાતાથી અને મહારાષ્ટ્રના નાસિકથી 3500 કિલો રંગબેરંગી ફૂલો લાવવામાં આવ્યાં છે, જેનાથી આખા મંદિર પરિસરનો શણગાર કરવામાં આવશે.

આ માઇભક્તો દ્વારા અગાઉ લાખો આસ્થાનું કેન્દ્ર એવા કેદારનાથ બાદ VNF ગરબાના સહયોગથી નવરાત્રિના પાવન પર્વમાં આઠમના દિવસે વિશ્વવિખ્યાત આસ્થાનું પ્રખર તીર્થધામ શ્રી અંબાજી મંદિરનો અત્યારસુધી પ્રથમ વખત ફૂલોનો શણગાર કરવામાં આવશે. 150થી વધુ વડોદરાના માઇભક્તો દ્વારા અંબાજી પહોંચી આજથી મંદિરનો શણગાર શરૂ કરવામાં આવશે. આ શણગાર માટે ખાસ કોલકાતા, નાસિકથી 3500 કિલો રંગબેરંગી ફૂલો લાવી આજે (સાતમના) દિવસથી શણગાર કરવામાં આવશે. આ ટીમ અંબાજી મંદિર આવી તમામ વ્યવસ્થાની તૈયારીમાં જોતરાઈ છે. આ લહાવો માત્ર વડોદરાના માઇભક્તોને પ્રાપ્ત થયો છે.

આજે માઇભક્તો વડોદરાથી અંબા માતાના સાંનિધ્યમાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે. આખા મંદિરનો શણગાર ફૂલોથી કરવામાં આવશે. મોટી સંખ્યામાં ફૂલ લઈને અહીં પહોંચ્યા છીએ. આજથી આ શણગાર શરૂ કરવામાં આવશે, જે રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. આખા વિશ્વમાંથી માત્ર વડોદરાના માઇભક્તોને આ લાભ મળ્યો છે અને એમાં પણ ખાસ કરીને મયંકભાઈ પટેલ અને VNF ગરબા મહોત્સવના સહયોગથી આટલું મોટું આયોજન થતું હોય એ આપણા વડોદરા શહેર માટે ખૂબ ગર્વની વાત છે.

વડોદરા શહેરની નવરાત્રિની આગવી ઓળખ છે. ત્યારે રાજ્યભરમાં યોજાઈ રહેલા મોટા ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ (VNF)ના ગરબાનો આકાશી નજારો ખૂબ જ નયનરમ્ય જોવા મળી રહ્યો છે. પાંચમા નોરતે VNF ગરબાનું ગ્રાઉન્ડ 35 હજાર ખેલૈયાથી ખીચોખીચ ભરાઇ ગયું હતું. અદભુત ડેકોરેશને ગરબામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. હજારો ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમતા અદભુત નજારો જોવા મળ્યો હતો. પાંચમા નોરતે આરોહી ગ્રૂપના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.

નવરાત્રિના પર્વના પાંચમા નોરતે જ વડોદરા શહેરનાં જુદાં જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની ભારે ભીડ ઊમટી પડી હતી. રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં. VNFના ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં. આ ઉપરાંત વડોદરાનાં તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના કારણે મોતના બનાવમાં વધારો થયો છે. તેમાં પણ નવરાત્રિ તહેવારો દરમિયાન તો રોકેટગતિએ કેસ વધ્યા છે. ત્રણ જ દિવસમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે 12 જેટલા લોકોના મોત નિપજી ચૂક્યા છે. ત્યારે આજે પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે આ બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ. છેલ્લા એક વર્ષ દરમિયાન જે મહિલા, પુરુષો અને યુવાનોના મોત નિપજ્યા છે તેનો સ્ટડી કરાવવો જોઈએ અને જાણવું જોઈએ કે શા માટે આ ઘટનાઓ બની રહી છે?

પાટણના સંડેરમાં ખોડલધામ સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં જ આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિના સમયની અંદર કેટલા યુવાનો ગરબા ગાતા ગાતા મૃત્યુ પામ્યા એનું એનાલિસિસ થવું જોઈએ. શા માટે આ ઘટનાઓ બની રહી છે. એવું શું કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓ બની રહી છે. ઋષિકેશ પટેલને કહ્યું હતું કે, એક વર્ષમાં યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવવો જોઈએ.

કોરોના કાળ બાદ હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતા લોકોમાં એવી ચર્ચા છે કે, આ બનાવો કોરોનાના કારણે બની રહ્યા છે. પરંતુ, આજે આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, મેં મનસુખભાઈ સાથે વાત કરી હતી. એમને રિસર્ચ કરાવ્યું છે એમાં કોરોનાનું કોઈ કારણ ન હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તો હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો જ છે. પણ છેલ્લા બે દિવસ દરમિયાન નવરાત્રિમાં જ 12 લોકોના મોત નિપજી ચૂક્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ગુજરાતમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ આજે સુરતમાં બે મોત નિપજતા કુલ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ગરબા સ્થળે આરોગ્ય સુવિધા પૂરી પાડવા આદેશ કર્યો હતો. તાજેતરમાં વધતા હાર્ટ-એટેકના કેસોને લઇને આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું. નવરાત્રિ આયોજનનાં સ્થળોએ મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે હ્રદયરોગની તાત્કાલિક સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહે તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.

ત્યારે આજે સુરતમના સચિન GIDCમાં 36 વર્ષીય મહિલા શૌચાલયમાંથી બહાર નીકળ્યા ને મૃત્યુ નીપજ્યું, જ્યારે કામરેજના 40 વર્ષીય યુવક લુમ્સના કારખાનામાંથી ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોતને ભેટ્યા છે. તો બીજી તરફ રાજકોટના મોરબી રોડ પર રહેતા રેલવેમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીનાં પત્ની 48 વર્ષીય કંચનબેન સક્સેના ગરબા રમી રહ્યાં તે દરમિયાન છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જે બાદ કંચનબેન બેસી ગયાં હતાં, ત્યારબાદ અચાનાક બાજુમાં બેઠેલા મહિલાના ખોળામાં માથું રાખીને ઢળી પડ્યાં હતાં. આ ઉપરાંત ખેડાના કઠલાલના છીપડી ગામમાં રહેતા 23 વર્ષીય દેવરાજને નાની ઉંમરે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો. જે ચારેયનાં મૃત્યુ પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

સુરતના સચિન GIDCમાં રહેતી 36 વર્ષીય આબિદા ખાતુન નામની મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. આબિદા ખાતુન ગતરોજ પોતાના ઘરે કામ કરી શૌચાલય કરવા માટે ટોઇલેટ ગયાં હતાં, ત્યારે અબીદા ખાતુન ટોઇલેટમાંથી બહાર નીકળ્યા બાદ અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. જેને લઇ પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.એટલે આ વખતની નવરાત્રી જેટલી મજા વાળી હતી એટલી જ માતમમાં ફેરવાઇ હતી.


whatsapp ad White Font big size 2 4 ગુજરતમાં નવલા નોરતામાં ખેલૈયાથી ખીચોખીચ ભરાયા ગ્રાઉન્ડ, આવી રહી નવરાત્રી 2023


આ પણ વાંચો:પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, એકનું મોત, કોંગ્રેસે કર્યા પ્રહાર- VIDEO

આ પણ વાંચો:સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી

આ પણ વાંચો:ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

આ પણ વાંચો:દશેરાને લઈને આરોગ્ય વિભાગ જાગ્યો, અલગ અલગ દુકાનો પરથી લેવાયા ફાફડા જલેબીના સેમ્પલ