અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં રામાનંદ ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશનની બેદરકારીથી 17 દર્દીઓ આંખ ગુમાવવાની નજીક પહોંચી ગયા છે. આ બધા 17 દર્દીઓને અમદાવાદના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. દરેકની આંખની હાલત અત્યંત નાજુક છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે આ ઘટના અંગે સુઓમોટો કરી છે.
ગુજરાત હાઇકોર્ટે તેની સુઓમોટોમાં તબીબી સેવાઓમાં બેદરકારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટનું કહેવું છે કે તબીબી સેવાઓ ઉચ્ચસ્તરીય ગુણવત્તા માંગી લે છે. આ સંજોગોમાં આટલા દર્દીઓની આંખ ગુમાવવા જેવી સ્થિતિ આવે તે અક્ષમ્ય બેદરકારી છે. હવે નક્કી એ કરવાનું છે કે આંખના મોતીયાના ઓપરેશનના આ દર્દીઓને તકલીફ શેના કારણે થઈ છે, તેમની ટ્રીટમેન્ટમાં ખામી હતી કે તેમને આપવામાં આવેલી દવાઓમાં ખામી હતી તે સુનિશ્ચિત કરવાનું છે.
રામાનંદ ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં દસમી જાન્યુઆરીના રોજ મોતિયાના થયેલા ઓપરેશનમાં 17 દર્દીઓને આડઅસર થઈ છે. ગઇકાલે પાંચ દર્દીઓને અસારવા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આજે બીજા બાર દર્દીઓને ખસેડવા પડ્યા છે. આ દર્દીઓ મુખ્યત્વે સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના છે.
આ દર્દીઓને આંખે દેખાતું ન હોવાની ફરિયાદના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લા આરોગ્યતંત્રના અધિકારીઓ હવે આ કેસના જવાબદાર શોધવા માટે દોડધામ કરી મૂકી છે. હવે પહેલું કામ તો આ સમગ્ર કિસ્સામાં દોષનો ટોપલો કોના માટે ઢોળવો તે નક્કી થશે. આખી હોસ્પિટલને તો દોષિત ઠેરવી શકાય નહી, તેથી આ ઓપરેશન કરનારા ડોક્ટરોની ટીમને પણ દંડિત કરી શકાય નહી, પણ આ ઓપરેશનમાં હાજર રહેલા નવા નિશાળિયાનો ભોગ લેવાશે તે નક્કી છે. આ દરમિયાન આ ઓપરેશન દરમિયાન દર્દીઓની આંખ પર કોઈ પ્રયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે સુનિશ્ચિત થશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ