Indian Woman Deported to Bangladesh from Mumbai Controversy: મુંબઈમાં રહેતી પશ્ચિમ બંગાળની એક મહિલાને બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાની શંકામાં અટકાયત કર્યા બાદ બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યાનો મામલો સામે આવ્યો છે. પરિવારનો દાવો છે કે મહિલા છેલ્લા લગભગ 20 વર્ષથી ભારતમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેની પાસે ભારતીય નાગરિકતા દર્શાવતા અનેક દસ્તાવેજો પણ છે.
Mumbai બજારમાંથી પોલીસે મહિલાને અટકાવી
મળતી માહિતી મુજબ, નવી મુંબઈના(Mumbai) સનપાડા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય શાહિદા ફકીર 18 જુલાઈના રોજ બજારમાં ગઈ હતી. તે દરમિયાન પોલીસે તેને અટકાવી તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. શાહિદાના પતિ જુમ્મન ફકીરના જણાવ્યા મુજબ, પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ ચેમ્બુર સ્થિત ડિટેન્શન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે શાહિદાનું જન્મ પ્રમાણપત્ર, શાળાનું પ્રમાણપત્ર, પરિવારની જમીનના દસ્તાવેજો અને અન્ય ઓળખના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ પરિવારનો આરોપ છે કે આ દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં થોડા દિવસ બાદ તેમને જાણ કરવામાં આવી કે શાહિદાને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવી છે.
રાતના સમયે સરહદ પાર મોકલ્યાનો દાવો
શાહિદાના જણાવ્યા અનુસાર, તેને મુંબઈથી (Mumbai) આસામ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ એક જૂથ સાથે બાંગ્લાદેશ મોકલવામાં આવી. મહિલાનો દાવો છે કે તેને રાત્રે સરહદ પાર ઉતારી દેવામાં આવી હતી. ત્યારબાદ કાદવવાળા રસ્તાઓ પરથી કલાકો સુધી ચાલ્યા બાદ તે બાંગ્લાદેશના સતખિરા વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં સ્થાનિક એક પરિવારે તેને આશ્રય, કપડાં અને ભોજન આપ્યું હોવાનો તેણે દાવો કર્યો છે.
પરિવાર હવે હાઈકોર્ટમાં જશે
શાહિદાના પતિએ જણાવ્યું છે કે પરિવાર હવે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમનો દાવો છે કે શાહિદા ભારતીય નાગરિક છે અને તેને પરત લાવવા માટે પરિવાર તમામ કાયદેસર પ્રયાસ કરશે.
દસ્તાવેજોની ચકાસણીની માંગ
આ મામલે પશ્ચિમ બંગાળના પ્રવાસી મજૂર સંગઠને પણ વિદેશ મંત્રાલયને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. સંગઠને શાહિદાના જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અને શાળાના રેકોર્ડ સહિતના પુરાવાની ચકાસણી કરીને તેને ભારત પરત લાવવામાં મદદ કરવાની માંગ કરી છે. હાલ આ મામલે અંતિમ હકીકત શું છે તે તપાસ અને દસ્તાવેજોની સત્તાવાર ચકાસણી બાદ જ સ્પષ્ટ થશે.
