Ahmedabad News: આજની આધુનિક જીવનશૈલીમાં જ્યારે કેમિકલયુક્ત રંગોના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) ખાતે કાર્યરત સુરભીબેનના એક નાના સ્વ-સહાય જૂથની મહિલાઓ (Women)એ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિનો સમન્વય સાધીને કુદરતી રંગો (Natural Colours) બનાવવાની એક પ્રેરણાદાયી પહેલ કરી છે.
ગયા વર્ષે સુરભીબેને 60 થી 70 કિલો જેટલા કુદરતી રંગોનું વેચાણ કરી રૂ. 10 હજારથી વધુની આવક મેળવી
હોળીના તહેવાર માટે બનાવવામાં આવતા કુદરતી રંગો (Natural Colours)
આ જૂથ દ્વારા હોળીના તહેવાર (Holi Festival) માટે બનાવવામાં આવતા રંગો સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે આરારોટના લોટનો બેઝ તરીકે ઉપયોગ થાય છે. વિવિધ રંગો મેળવવા માટે તેઓ વિવિધ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરે છે.

બીટ, પાલક અને કેસૂડાના સંગાથે માણો કેમિકલમુક્ત હોળીની મજા
જેમકે, લાલ રંગ માટે ગુલાબની પાંખડીઓ અને બીટ (Rose & Beetroot)ને ક્રશ કરીને તેનો રસ કાઢી તેને લોટમાં મિક્સ કરવામાં આવે છે.
પીળો રંગ ગલગોટાના ફૂલ, અમલતાસના ફૂલ અને ચપટી હળદર (Turmeric)ના મિશ્રણથી તૈયાર થાય છે.
લીલો રંગ માટે પાલક, મોરિંગાના પાન અને જરૂર જણાય તો સહેજ ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત કેસરી રંગ કેસૂડાના ફૂલો (Cassia flowers)ને ઉકાળી તેના પાણીનો ઉપયોગ કરીને આકર્ષક રંગ તૈયાર કરવામાં આવે છે તથા અપરાજીતાના ફુલ અને ફુડ કલરમાંથી વાદળી રંગ તૈયાર કરવામાં આવે છે. આ રંગોના મિશ્રણને લુગદી જેવું બનાવી, તેને સૂકવીને મિક્સરમાં ડ્રાય કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાળીને મુલાયમ ગુલાલ જેવો રંગ તૈયાર કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય અને પર્યાવરણનું જતન કરતી મહિલાઓ
ગયા વર્ષે પણ સુરભીબેનના જૂથે ખૂબ જ સારી સફળતા મેળવી હતી અને 60 થી 70 કિલો જેટલા કુદરતી રંગોનું વેચાણ કર્યું હતું. ઘણી સોસાયટીઓ આ જૂથ પાસેથી હોળી રમવા માટે ૫-૫ કિલો જેટલા જથ્થાબંધ રંગોની માંગ કરે છે. તે જ રીતે આ વર્ષે પણ આ ગ્રુપની બહેનોએ કુદરતી રંગો તૈયાર કર્યા છે. તેઓ એક પેકેટમાં 100 ગ્રામ રંગ ભરે છે જે 50 રૂ.માં ગ્રાહકોને આપે છે. આ બહેનોને ગયા વર્ષે રૂ. 10 હજાર જેટલી આવક થઈ હતી તે જ રીતે આ વર્ષે પણ આવક થવાનો અંદાજ છે.
આ સ્વ-સહાય જૂથ માત્ર આર્થિક રીતે સક્ષમ નથી બની રહ્યું, પરંતુ ધૂળેટી (Dhuleti) ઉજવતા રસીકોને કેમિકલમુક્ત (Chemical Free) તહેવાર ઉજવવા માટે પ્રેરિત પણ કરી રહ્યું છે. સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને કેવી રીતે સફળ વ્યવસાય ઊભો કરી શકાય, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો: ફ્લેટમાં ચાલતું હતું મિની ઝૂ! અમદાવાદના નવરંગપુરામાં વિદેશી પ્રાણીઓનું ગેરકાયદેસર બ્રીડિંગ રેકેટ ઝડપાયું
આ પણ વાંચો: અમદાવાદમાં પિતા-પુ્ત્ર, ભત્રીજા પર તલવાર-લોખંડની પાઇપથી હુમલો
આ પણ વાંચો: અમદાવાદમાં PCBનો દરોડો, સરદારનગરમાંથી 333 વિદેશી બિયર ટીન જપ્ત
