National News/ હવે Instagram પર શું દેખાશે તે AI નક્કી કરશે? Metaએ રિકમેન્ડેશન સિસ્ટમમાં કર્યા ફેરફાર

Metaએ ભારતમાં Instagramની AI રિકમેન્ડેશન સિસ્ટમ અપગ્રેડ (Instagram New Update) કરી. હવે Reels, Explore અને Feedમાં અશ્લીલ તથા હિંસક કન્ટેન્ટની ભલામણ ઓછી થશે.

Top Stories India Breaking News
Instagram New Update: Instagramનું ‘ક્લીન-અપ’ અભિયાન

New Delhi News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagramએ ભારતમાં પોતાની કન્ટેન્ટ રિકમેન્ડેશન સિસ્ટમમાં ફેરફાર (Instagram New Update) કર્યા છે. હવે યુઝર્સને પ્લેટફોર્મ પર જાતીય સૂચક અને હિંસક કન્ટેન્ટ ઓછું જોવા મળશે. આ માટે કંપનીની પેરેન્ટ કંપની Metaએ (Meta AI Filter) વધુ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડલ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. આ સિસ્ટમ સંભવિત વાંધાજનક પોસ્ટ્સને યુઝર્સ સુધી ભલામણ કરવામાં આવે તે પહેલાં જ ઓળખીને તેમની પહોંચ મર્યાદિત કરશે.

Instagram New Update: યુઝર્સની ફરિયાદની રાહ જોયા વિના AI કરશે તપાસ

Metaના જણાવ્યા અનુસાર, Instagramની નવી સિસ્ટમ હવે યુઝર્સની ફરિયાદ કે રિપોર્ટની રાહ જોયા વિના જ કન્ટેન્ટનું મૂલ્યાંકન કરશે. AI મોડલ્સ Instagramની રિકમેન્ડેશન ગાઇડલાઇન્સના આધારે પોસ્ટ્સની તપાસ કરશે અને જાતીય સૂચક તથા હિંસા દર્શાવતી સામગ્રીને (Instagram Sensitive Content)ભલામણોમાંથી દૂર રાખશે.

આ ફેરફાર ખાસ કરીને Reels, Explore અને Feedમાં દેખાતી એવી પોસ્ટ્સ પર લાગુ થશે, જે એકાઉન્ટ્સને યુઝર્સ ફોલો કરતા નથી. કંપનીએ જણાવ્યું છે કે આ સુધારાઓને કારણે ભારતમાં ભલામણ કરાયેલી સામગ્રી અંગે યુઝર્સ દ્વારા કરવામાં આવતા રિપોર્ટ્સની સંખ્યા એક વર્ષ પહેલાંની સરખામણીમાં અડધી થઈ છે.

10 ઓક્ટોબરે સરકારે Metaને આપી હતી એડવાઈઝરી

ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અલ્ગોરિધમ અને કન્ટેન્ટ રિકમેન્ડેશન સિસ્ટમ પર નિયમનકારી તપાસ વધી રહી છે. આ દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 10 ઓક્ટોબરે Metaને એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં Facebook અને Instagramની રેન્કિંગ તથા રિકમેન્ડેશન સિસ્ટમની સમીક્ષા કરવા જણાવાયું હતું.

સરકારનો ઉદ્દેશ એવો હતો કે ભ્રામક, ગેરમાર્ગે દોરનારી અથવા સંદર્ભથી અલગ કરવામાં આવેલી સામગ્રીને અલ્ગોરિધમ દ્વારા અપ્રમાણસર રીતે પ્રોત્સાહન ન મળે. જોકે, Metaએ પોતાના તાજેતરના ફેરફારો આ સરકારી એડવાઈઝરીના જવાબમાં કરવામાં આવ્યા છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી નથી.

કન્ટેન્ટ પર પ્રતિબંધ નહીં, પરંતુ તેની પહોંચ મર્યાદિત થશે

Instagramની રિકમેન્ડેશન ગાઇડલાઇન્સ અને કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ અલગ છે. કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સનું ઉલ્લંઘન કરતી પોસ્ટ્સ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે છે. જ્યારે કેટલીક સંવેદનશીલ, વાંધાજનક અથવા ઓછી ગુણવત્તાવાળી સામગ્રી નિયમોનું ઉલ્લંઘન કરતી ન હોવા છતાં વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવતી નથી.

એટલે કે નવી સિસ્ટમ હેઠળ દરેક વાંધાજનક પોસ્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે એવું નથી. કેટલીક સામગ્રી Instagram પર ઉપલબ્ધ રહી શકે છે, પરંતુ તેને વધુ યુઝર્સ સુધી રિકમેન્ડ કરવામાં નહીં આવે. કંપનીએ જણાવ્યું છે કે કોઈ ચોક્કસ દેશમાં ગેરકાયદેસર ગણાતી સામગ્રી ત્યાં પ્રતિબંધિત રહેશે.

યુઝર્સ પોતે પણ કન્ટેન્ટ નિયંત્રિત કરી શકશે

Instagram યુઝર્સને પોતાની પસંદગી મુજબ કન્ટેન્ટ નિયંત્રિત કરવા માટે અનેક સુવિધાઓ આપે છે. તેમાં ‘નોટ ઇન્ટરેસ્ટેડ’ વિકલ્પ દ્વારા પસંદ ન આવતી પોસ્ટ્સ ઓછી કરી શકાય છે. ‘સેન્સિટિવ કન્ટેન્ટ કંટ્રોલ’થી સંવેદનશીલ સામગ્રીનો સંપર્ક મર્યાદિત કરી શકાય છે.

આ ઉપરાંત, ‘હિડન વર્ડ્સ’ ફીચર દ્વારા પસંદ (AI Content Moderation) કરેલા શબ્દો, વાક્યો અને ઇમોજીને ફિલ્ટર કરી શકાય છે. આ સુવિધા કોમેન્ટ્સ અને મેસેજ રિક્વેસ્ટમાં પણ ઉપયોગી છે. યુઝર્સ પોતાની પસંદગી મુજબ તેઓ ફોલો ન કરતા એકાઉન્ટ્સમાંથી આવતી રાજકીય સામગ્રી પણ ઓછી જોઈ શકે છે.

કિશોરો માટે અલગ સુરક્ષા વ્યવસ્થા

કિશોર યુઝર્સની સુરક્ષા માટે Instagramએ ‘ટીન એકાઉન્ટ્સ’ની વ્યવસ્થા પણ કરી છે. આ એકાઉન્ટ્સમાં યુઝર્સને ઉંમર અનુસાર કન્ટેન્ટ બતાવવામાં આવે છે. 13 વર્ષથી વધુ ઉંમરના કિશોરો માટે નક્કી કરાયેલી કન્ટેન્ટ સેટિંગ્સ અને વધારાના સુરક્ષા નિયમો આપમેળે લાગુ થાય છે.

Metaનું કહેવું છે કે યુઝર્સ જ્યારે કોઈ પોસ્ટ છુપાવે છે અથવા ‘નોટ ઇન્ટરેસ્ટેડ’ પસંદ કરે છે ત્યારે મળતા પ્રતિસાદનો ઉપયોગ પણ રિકમેન્ડેશન સિસ્ટમ સુધારવા માટે કરવામાં આવે છે. કંપની ટેક્નોલોજીના વિકાસ અને યુઝર્સના પ્રતિસાદના આધારે પોતાની AI સિસ્ટમને સતત વધુ સારી બનાવશે.


આ પણ વાંચો: રાત્રે 12થી સવારે 6 સુધી Instagram-Facebook બંધ! Metaએ બદલ્યા નિયમો

આ પણ વાંચો: રીલ્સની લત અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ Meta પર 1.7 લાખ કરોડનો ઐતિહાસિક દંડ; Instagram અને Facebook માં લાગુ થશે 5 કડક નિયમો

આ પણ વાંચો: Instagramએ 10 વર્ષ બાદ બદલ્યો Wordmark Logo, જાણો નવા ડિઝાઇનમાં શું છે ખાસ