મંતવ્ય વિશેષ/ અમેરિકા દરરોજ માત્ર 500 ગોળા જ બનાવી શકે છે, તેનું ઉત્પાદન આટલું મુશ્કેલ કેમ છે?

જાન્યુઆરી 2023, એટલે કે 10 મહિના પહેલાંની વાત છે. અમેરિકાએ ઇઝરાયલમાં તેનાં શસ્ત્રોની તિજોરીમાંથી લગભગ 3 લાખ 155mm તોપના ગોળા યુક્રેન મોકલવાનું નક્કી કર્યું, જેનાથી ઇઝરાયલમાં રાખવામાં આવેલો સ્ટોક ખાલી થઈ ગયો.

Mantavya Exclusive Mantavya Vishesh
WhatsApp Image 2023 11 08 at 5.20.23 PM 1 અમેરિકા દરરોજ માત્ર 500 ગોળા જ બનાવી શકે છે, તેનું ઉત્પાદન આટલું મુશ્કેલ કેમ છે?
  • યુદ્ધને કારણે તોપના ગોળાની માંગ વધી
  • અમેરિકા રોજ માત્ર 500 ગોળા જ બનાવી શકે
  • ઇઝરાયલી તોપના ગોળા ખતમ થઈ રહ્યા છે
  • યુક્રેનને જ દર મહિને 10 હજાર ગોળાની જરૂર

વિશ્વમાં અત્યારે 2 યુદ્ધ ચાલી રહ્યા છે રશિયા યુક્રેન યુદ્ધ અને ઈજરાયલ હમાસ યુદ્ધ, ત્યારે આ યુદ્ધની અંદર વપરાતા તોપના ગોળાની માગ વધી રહી છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ ગોળાની શું એવી ખાસિયત છે કે અમેરિકા જેવી મહાસત્તા અને સમગ્ર નાટો દેશનું સંગઠન ભેગા થઈને પણ આ માંગ ને પૂરી કરી શકતા નથી ત્યારે આજ મુદ્દે જોઈએ વિશેષ અહેવાલ

જાન્યુઆરી 2023, એટલે કે 10 મહિના પહેલાંની વાત છે. અમેરિકાએ ઇઝરાયલમાં તેનાં શસ્ત્રોની તિજોરીમાંથી લગભગ 3 લાખ 155mm તોપના ગોળા યુક્રેન મોકલવાનું નક્કી કર્યું, જેનાથી ઇઝરાયલમાં રાખવામાં આવેલો સ્ટોક ખાલી થઈ ગયો.ખતરાને સમજીને ઇઝરાયલે આ વર્ષે ઓગસ્ટમાં અલ્બીટ સિસ્ટમ નામની કંપનીને 10 લાખ 155mm ગોળાનો ઓર્ડર આપ્યો હતો. જોકે 2024 પહેલાં આ તમામ ઓર્ડર સપ્લાય કરવા મુશ્કેલ છે. યુદ્ધ શરૂ થયા પછી ઇઝરાયલને ગોળાની અછતનો સામનો કરવો પડ્યો.

યુક્રેન અને ઇઝરાયલની જરૂર હોય એટલો દારૂગોળો તમામ નાટો દેશો મળીને તૈયાર કરી શકતા નથી. અમેરિકા જેવી મહાસત્તા પણ દર મહિને માત્ર 14 હજાર તોપના ગોળા બનાવી શકે છે, જ્યારે માત્ર યુક્રેનને જ દર મહિને 10 હજાર ગોળાની જરૂર પડે છે.155mmના ગોળા ફાટતાં 2000 ટુકડાઓ થાય છે  દરેક ગોળો લગભગ 2 ફૂટ એટલે કે લગભગ 60 સેમી લાંબો હોય છે. એક ગોળાનું વજન લગભગ 100 પાઉન્ડ એટલે કે લગભગ 45 કિલોગ્રામ છે. અને તેનો વ્યાસ 155mm એટલે કે 61 ઈંચ છે.

155mmનો ગોળો ફાટ્યા પછી 2000થી વધુ ટુકડાઓ બધી દિશામાં ફેલાય છે. વિશ્વના મોટાભાગના દેશો 155mmના ગોળાવાળી સાથે આર્ટિલરીનો ઉપયોગ કરે છે.યુક્રેન-રશિયા અને ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં સેના કરતાં બંદૂકોનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ગાઝા શહેરી અને ગીચ વસતિ ધરાવતો વિસ્તાર છે. જો ઇઝરાયલ સીધી તેની સેના અહીં તહેનાત કરશે તો હમાસ સાથેના યુદ્ધમાં નાગરિકોનાં વધુ મોત થશે.

કોઈપણ રીતે ગાઝામાં નાગરિકોનાં મૃત્યુને કારણે ઇઝરાયલ પર યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ છે. તેની વિરુદ્ધ યુએનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આધુનિક ટ્રેકિંગ સિસ્ટમની મદદથી ઇઝરાયલ ગાઝામાં હમાસના આતંકવાદીઓના સ્થાનને ટ્રેક કરે છે અને બંદૂકોથી લક્ષ્યને નિશાન બનાવે છે. આવી સ્થિતિમાં જાનહાનિ ઘટી રહી છે.

યુક્રેનમાં પણ આવું જ થઈ રહ્યું છે. ત્યાં પણ સેનાને આગળ વધારવાને બદલે તોપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વધુ ને વધુ તોપના ગોળા છોડવામાં આવી રહ્યા છે. 155mm ગોળાનો પુરવઠો માગ જેટલો નથી. આ જ કારણ છે કે એની અછત વધી રહી છે.155mm તોપના ગોળા બનાવવાનું કામ સરળ નથી. એને બે ભાગમાં બનાવવા પડે છે. સૌપ્રથમ- સ્ટીલમાંથી ગોળાના શેલ બનાવવા. આ માટે જંગી રોકાણ સાથે મોટી ફેક્ટરીઓની જરૂર છે. બીજું: તૈયાર શેલમાં વિસ્ફોટક ભરવા.

ગોળાના શેલ બનાવવું એ એક જટિલ કાર્ય છે. આમાં પણ વધુ સમય લાગે છે. ગોળાના શેલ બનાવવાની પ્રક્રિયા સામાન્ય પાઈપો બનાવવા જેવી નથી. એને બનાવવા માટે પ્રથમ સ્ટીલ કાપવામાં આવે છે. એ પછી શેલ બનાવવા માટે અત્યંત ગરમ તાપમાને મોલ્ડ અને ડ્રિલ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને અનુસરવી મહત્ત્વપૂર્ણ છે, જેથી ફાયરિંગ કરતી વખતે શેલો ફૂટે નહીં.

155 mmના તોપના ગોળા બનાવવાનું કામ કેટલું જટિલ છે, એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકા જેવા મહાસત્તા દેશમાં માત્ર 2 ફેક્ટરી સ્ટીલના શેલ બનાવે છે.હાલમાં અમેરિકામાં પેન્સિલવેનિયામાં બે આર્મી ફેક્ટરીમાં 155 mmના ગોળાના સ્ટીલ શેલ બનાવવામાં આવે છે. પ્રથમ ફેક્ટરીનું નામ સ્ક્રેન્ટન આર્મી એમ્યુનિશન પ્લાન્ટ છે. બીજી ફેક્ટરી વિલ્કેસ બેરીમાં છે. બંને પ્લાન્ટ જનરલ ડાયનેમિક્સ એટલે કે GE કંપની દ્વારા સંચાલિત છે.

તોપના ગોળા બનાવવામાં અમેરિકાની ક્ષમતા યુરોપ કરતાં થોડી વધારે છે. અમેરિકા દર મહિને 155mm તોપના લગભગ 14 હજાર ગોળા બનાવે છે. યુએસ આર્મીના અંડર સેક્રેટરી ગેબ્રિયલ ઓમર કેમરીલોએ 28 માર્ચે જણાવ્યું હતું કે પેન્ટાગોન 2023ના અંત સુધીમાં 155mm ગોળા બનાવવાની ક્ષમતા 14 હજાર પ્રતિ માસથી વધારીને 24 હજાર પ્રતિ માસ અને આગામી પાંચ વર્ષમાં 85 હજાર ગોળા કરવા જઈ રહ્યું છે.આ માટે પેન્ટાગોન 1.45 અબજ ડોલર, એટલે કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયા અને આગામી 15 વર્ષમાં 18 અબજ ડોલર એટલે કે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ગોળા બનાવવાની ક્ષમતા વધારવા માટે કંપનીઓએ જંગી રોકાણ કરવું પડશે. એટલું જ નહીં, વધુ લોકોની ભરતી પણ કરવી પડશે. આવી સ્થિતિમાં નાણાંનું રોકાણ કરતી કંપનીઓ જાણવા માગે છે કે હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને હમાસ-ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે, તેથી જંગી સપ્લાય થશે, પરંતુ જ્યારે આ યુદ્ધો સમાપ્ત થશે ત્યારે ગોળાનું શું થશે?

વિશ્વયુદ્ધ-1માં ફ્રાન્સે 155 mmનો ગોળાકાર તોપનો ગોળો બનાવ્યો હતો. તેના પ્રારંભિક સંસ્કરણમાં ગેસના ગોળા પણ હતા. આ પછી અમેરિકન સેનાએ એને અપનાવ્યા અને એને સ્ટાન્ડર્ડ બનાવ્યું. જ્યારે વિશ્વયુદ્ધ-2 થયું ત્યારે અમેરિકાએ M1 તોપનો ગોળો 155mm વ્યાસમાં લોન્ચ કર્યો હતો. જ્યારે વિશ્વ યુદ્ધ-2 સમાપ્ત થયું ત્યારે નાટો દેશોએ 155mm સ્ટાન્ડર્ડને સ્વીકાર્યું અને ત્યારથી આજ સુધી તે એવા દેશોમાં પણ સ્ટાન્ડર્ડ બની ગયું છે, જે નાટોના સભ્ય નથી.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં પણ દરરોજ 155 mmના ગોળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુરોએશિયન ટાઈમ્સ અનુસાર, યુક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સનાં ડેપ્યુટી હેડ વાદિમ સ્કિબિટ્સ્કીએ તાજેતરમાં કહ્યું હતું કે યુક્રેનિયન દળો દરરોજ 5,000થી 6,000 ગોળા રશિયા વિરુદ્ધ ફાયર કરી રહ્યા છે. જ્યારે રશિયા દરરોજ લગભગ 20,000 રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યું છે. આ રીતે રશિયા-યુક્રેન યુદ્ધમાં બંને તરફથી લગભગ 26 હજાર તોપના ગોળા છોડવામાં આવી રહ્યા છે.

ઇઝરાયલમાં પણ હમાસ સાથેના યુદ્ધને કારણે 155mm ગોળાનો વપરાશ વધ્યો છે. તીવ્ર અછત સર્જાય એ પહેલાં જ તેમણે 510 કરોડ રૂપિયાના સોદા હેઠળ અમેરિકાને હજારો 155mm તોપના ગોળાનો ઓર્ડર આપ્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે તે યુક્રેન અને ઈઝરાયલ બંનેને પૂરતો પુરવઠો પૂરો પાડશે. તોપના ગોળા અને હથિયારોની કોઈ કમી રહેશે નહીં.

બીજી તરફ, યુક્રેનના સાંસદ યેહોર ચેર્નિવે કહ્યું હતું કે યુક્રેન આગામી કેટલાક મહિનામાં એક મોટો વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે, તેથી આવનારા સમયમાં એને દરરોજ 7,000થી 9,000 155 mmના ગોળા ફાયર કરવાની જરૂર પડશે.ઉત્પાદન કરતાં વધુ પુરવઠો જોઈને અમેરિકા જર્મનીમાં યુક્રેનિયન સૈનિકોને 155 mm રાઉન્ડ ફાયર કરવાની તાલીમ આપી રહ્યું છે. આમાં સૈનિકોને શીખવવામાં આવે છે કે કેવી રીતે ઓછું ફાયરિંગ કરીને દુશ્મનને વધુમાં વધુ નુકસાન પહોંચાડવું.

યુરેશિયન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, રશિયા પાસે 155mm તોપના ગોળા પણ ખતમ થઈ ગયા છે. તે ઉત્તર કોરિયા પાસેથી ગુપ્ત રીતે તોપના ગોળા લઈ રહ્યા છે. જોકે ઉત્તર કોરિયાએ વ્હાઇટ હાઉસના આ આરોપને નકારી કાઢ્યો છે. જાણકારોનું માનવું છે કે આવું એટલા માટે છે, કારણ કે ઉત્તર કોરિયાએ જે પણ હથિયારો રશિયાની ટેક્નિકલ મદદથી તૈયાર કર્યા છે. આ કારણસર રશિયાને ઉત્તર કોરિયાનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી નથી. ઉત્તર કોરિયાનો હરીફ દક્ષિણ કોરિયા અમેરિકાને તોપના ગોળા સપ્લાય કરી રહ્યું છે, જે તે યુક્રેન અને ઈઝરાયલને મોકલી રહ્યું છે.

ભારતમાં વપરાતી બોફોર્સ તોપમાં પણ માત્ર 155mm ગોળાનો ઉપયોગ થાય છે. આ પછી ભારતમાં બનેલા ધનુષમાં પણ આ જ ગોળા ફિટ કરવામાં આવે છે. એને બોફોર્સની તર્જ પર જબલપુર ગન કેરેજ ફેક્ટરીમાં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યા છે. ભારતમાં બનેલી આ પહેલી લાંબી રેન્જની તોપ છે. ધનુષના બેરલનું વજન 2692 કિલોગ્રામ છે અને એ 8 મીટર લાંબી છે. એની સ્ટ્રાઈક રેન્જ 42-45 કિલોમીટર સુધીની છે. બે કલાક સુધી સતત ફાયરિંગ કરવામાં સક્ષમ અને તે પ્રતિ મિનિટ બે ફાયર કરે છે. આમાં 46.5 કિલોગ્રામના 155mm વ્યાસના ગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 અમેરિકા દરરોજ માત્ર 500 ગોળા જ બનાવી શકે છે, તેનું ઉત્પાદન આટલું મુશ્કેલ કેમ છે?


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો