થ્રીટાયર સિસ્ટમ/ ભ્રષ્ટાચારની ઊધઈ: ગેરકાયદે બાંધકામો અને ઈમ્પેક્ટ-ફી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 6 મહિનામાં બે વખત બોલ્યા છે કે ભ્રષ્ટાચારની દિમક-ઊધઈ આ દેશને કોરી ખાય છે. ગેરકાયદે બાંધકામોનો ફાટતો રાફડો બિલ્ડર, અધિકારી અને રાજકારણીઓની તિજોરી તર કરે છે. ઈમ્પેક્ટ ફી જેવી યોજનાઓ કાયદાનો કાયદા તરીકે અમલ નથી થતો તેની હાંસી ઉડાવે છે.

Mantavya Exclusive
Illegal constructions
  • TDO ખાતા માટે ભ્રષ્ટાચારની ‘ડબલ બેનીફિટ યોજના’
  • અધિકારી, બિલ્ડર, રાજકારણીની કમાણીની થ્રીટાયર સિસ્ટમ
  • ગેરકાયદે બાંધકામો રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ

પ્રફુલ્લ ત્રિવેદી એસો. એડિટર

સમગ્ર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 20 જેટલા ઓછા વર્ષોમાં ત્રીજી વખત ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટેની ઈમ્પેક્ટ ફીની જોગવાઈ લાવવી પડે છે. જો આવી બાબતોની વારંવાર સુવિધા આપવામાં આવે તો કાયદાનું કાયદા તરીકે કોઈ મહત્વ જ રહી જતું નથી, એટલું જ નહીં કાયદેસર બાંધકામ કરનારે વધુ નાણાં ખર્ચીને તમામ પરવાનગીઓ લીધી હોવાથી તેને ભારોભાર અન્યાય થાય છે. ગેરકાયદે બાંધકામો રોકવામાં સદંતર નિષ્ફળ ગયેલા મ્યુનિ.ના અધિકારીઓ ઔડા જેવી ડેવલપમેન્ટ ઓથોરિટીઝના અધિકારીઓ તેમજ નગરપાલિકાના તંત્રવાહકો માટે આ બાબત શરમજનક છે, જો આટલી સંવેદનશીલતા બચી હોય તો!

અમદાવાદમાં જ સાડા છ લાખથી વધુ ગેરકાયદે બાંધકામો છે. પહેલી વખત ઈમ્પેક્ટ ફી આવી ત્યારે તે સમયના કમિશનરે સિંહગર્જના કરી હતી કે હવે પછી એક પણ ગેરકાયદે બાંધકામ થવા દેવામાં નહીં આવે. આ ગર્જનાનું સૂરસૂરિયું થઈ ગયા બાદ શહેરના જૂના અને નવવિકસિત તમામ વિસ્તારો ગેરકાયદે બાંધકામોથી સતત ધમધમતા રહ્યાં છે. પૂર્વ પટ્ટો તો ગેરકાયદે બાંધકામોથી ઘેરાયેલો જ છે. કોટ વિસ્તારમાં હપ્તાખોરી આધારિત બધું ચાલે છે. નવા પશ્ચિમઝોનમાં જુહાપુરામાં તેમજ નદી કિનારે કોઈ નોટિસ આપવા પણ નથી જતું તો સામે છેડે ગોતાવિસ્તાર ગેરકાયદે ગોડાઉનોથી ઘેરાયેલો છે. ટાઉનપ્લાનીંગ સ્કીમો ઉભી કરનાર મોટા બિલ્ડરો પાસે પણ જરૂરી સુવિધા ઉભી કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. ગેરકાયદે બાંધકામો કરનારા બિલ્ડરો, અધિકારીઓ અને રાજકારણીઓની તિજોરી તર થઈ છે, ભ્રષ્ટાચારની આ થ્રીટાયર સિસ્ટમ છે. મિલ કે લૂંટો, બાંટ કે ખાવ. મોદી સાહેબ ભલે કહેતા રહે, ભ્રષ્ટાચારની ઊધઈએ આ દેશને કોરી ખાધો છે.

TDO ખાતાના અધિકારીઓને ગેરકાયદે બાંધકામો થતા રહે અને ઈમ્પેક્ટ ફી વારંવાર આવતી રહે તેમા તેમને ઉંડો રસ છે. તેમના માટે આ ડબલ બેનીફીટ યોજના છે. ગેરકાયદે બાંધકામ થતું હોય ત્યારે પીંક નોટો મળે અને ઈમ્પેક્ટ ફી આવે એ વખતે ઈમ્પેક્ટ ફી ક્લીયર કરવા તગડો હપ્તો મળે છે. પોતાના કાર્યકાળમાં બે વખત ઈમ્પેક્ટ ફી આવી જાય તો પોતાની સાત પેઢી તરી જાય તેવી પ્રાર્થના અધિકારીઓ અને ઈન્સ્પેક્ટરો ભગવાનને કરતાં હોય છે. ભ્રષ્ટાચારને મુદ્દે ઝીરો ટોલરન્સની ગુલબાંગો પોકારનારી સરકાર મૌન તમાસો જોતી રહે છે!

સરકારનો શહેરી વિકાસ વિભાગ પણ બાંધકામના નિયમો-જીડીસીઆર (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન)ની બૂક બહાર પાડે છે, પણ કોઈનો કોઈના ઉપર ‘કંટ્રોલ’ રહેતો નથી. સરકાર પણ નિયમો બહાર પાડ્યા પછી તેનું પાલન થાય છે કે નહીં તે દિશામાં સંપૂર્ણપણે ઉદાસિન હોય છે. મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટ TDO ખાતાનો ક્યારેય જવાબ માગતા નથી. બીજી તરફ TDO વાળાઓનું કહેવુ છે કે, વિસ્તાર વધ્યો, કેટલાંક નિવૃત થયા છતાં નવી ભરતી થતી ન હોવાથી મેનપાવરની કમી છે. ‘કર્મચારી ઓછા હોય તો તમામ નિયમો નેવે મુકી ભ્રષ્ટાચાર કરી શકાય’ તેવી વણલખી થીયરી ઘણા વિભાગોએ પોતાની જાતે લાગુ પાડી છે, તેમાનો એક વિભાગ છે TDO.

ઈમ્પેક્ટ ફીની અરજીના નિકાલમાં ધુમ ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમ પડતા અગાઉના એક કમિશનરને અધિકારીઓની સમીક્ષા બેઠકમાં કહેવું પડ્યું હતું કે મારે ટેબલે ટેબલે ACBવાળાને ઉભા રાખવા પડશે. જોકે AMCમાં આ વખતે કમિશનર તરીકે એમ. થેન્નારસન હોવાથી કંટ્રોલ રહેશે તેવી લાગણી નગરજનોમાં ઉભી થવા પામી છે.

આ પણ વાંચો: MANTAVYA Vishesh / અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાનો ભોગ મહિલાઓ ક્યાં સુધી?