Lithium Mines/ જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો 59 લાખ ટનનો વિશાળ ભંડાર મળી આવ્યો

ભારતે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી બનાવવા માટે મહત્વપૂર્ણ અને દુર્લભ ખનીજ લિથિયમનો વિશાળ ભંડાર જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો હોવાની જાહેરાત કરી છે. સરકારે કરેલી જાહેરાત અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો…

Mantavya Exclusive
A huge lithium Discovered

A huge lithium Discovered: ભારતે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી બનાવવા માટે મહત્વપૂર્ણ અને દુર્લભ ખનીજ લિથિયમનો વિશાળ ભંડાર જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો હોવાની જાહેરાત કરી છે. સરકારે કરેલી જાહેરાત અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો 59 લાખ ટનનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. આવો જોઈએ લિથિયમના ભંડાર વિશે મંતવ્ય વિશેષમાં…

સ્માર્ટફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક કાર સહિતના સંખ્યાબંધ ઉપકરણોને વીજળી આપતી રિચાર્જેબલ બૅટરીઓમાં લિથિયમ એક મુખ્ય ભાગ છે. વિશેષજ્ઞોના મત અનુસાર આ વિશાળ ભંડારની ભાળ મળવાથી વર્ષ 2030 સુધી, ગ્લોબલ વૉર્મિંગને અંકુશમાં લેવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભાગરૂપે, ખાનગી ઇલેક્ટ્રિક કારની સંખ્યા 30 ટકા જેટલી વધારવાના ભારતના પ્રયત્નોને મદદ મળશે. ભારતમાં 5.9 મિલિયન ટનનો લિથિયમ ભંડાર મળ્યા બાદ હવે ભારત લિથિયમનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે.. ભારતની ગણતરી પણ લિથિયમની નિકાસ કરનારા બોલિવિયા, આર્જેન્ટિના, ચિલી, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશો સાથે કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં કુશળ, અકુશળ અને અર્ધકુશળ કામદારો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે અને રાજ્યનું અર્થતંત્ર સુધરશે.

ભારતના ખાણ મંત્રાલયે કહ્યું હતું કે, જિયોલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લિથિયમનો ભંડાર શોધી કાઢ્યો છે. આ વિસ્તાર ચિનાબ નદી પર બનેલા 690 મેગા વૉટ ક્ષમતા ધરાવતા સલાલ પાવર સ્ટેશનથી લગભગ 8 કિલોમિટર દૂર છે. સલાલના જે વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળ્યો છે. તેની આસપાસના વિસ્તારોમાં કોઈ પણ રહેણાંક વસાહતો નથી. આ વિસ્તારના લગભગ પાંચ વોર્ડ આ ભંડારની આસપાસ છે.

શું કહે છે જમ્મુ કાશમીરનો ખાણ અને ખનીજ વિભાગ?

જમ્મુ અને કાશ્મીરના ખાણ વિભાગના સચિવ અમિત શર્માએ રિયાસી જિલ્લામાં મળી આવેલા લિથિયમના આ ભંડાર વિશે વાતચીત કરી. તેમણે કહ્યું, “ભારત જી-20 દેશોનો યજમાન બન્યો છે, એવા સમયે આ ભંડાર મળવો એ ભારત માટે એક સુખદ સંયોગ છે.”

અમિત શર્મા માને છે કે, આ ઘટના એક નોંધપાત્ર બાબત એટલા માટે છે કે, તે આવનારા સમયમાં દેશના વિકાસની દિશા બદલી શકે છે. તેમણે કહ્યું કે, “લિથિયમના ભંડાર મળવાથી આ ક્ષેત્રમાં વૈશ્વિક નક્શા પર આપણી હાજરી નોંધાઈ ચૂકી છે. હવે સમગ્ર વિશ્વમાં એ સંદેશ ગયો છે કે દેશ આ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યો છે અને ઝડપથી જ તેની ગણતરી પણ લિથિયમની નિકાસ કરનારા બોલિવિયા, આર્જેન્ટિના, ચિલી, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશો સાથે કરવામાં આવશે.”

અમિત શર્મા આ બાબતને ગ્રીન ઇન્ડિયા અને ઇકો ફ્રેન્ડલી ઇન્ડિયા બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માને છે. તેઓ કહે છે, “આ જમ્મુ અને કાશ્મીર માટે પણ પરિદ્રશ્ય બદલી નાખનારું પરિબળ સાબિત થશે. આ પ્રૉડક્શન ઉદ્યોગ માટે, ઇલેક્ટ્રિક વાહનો માટે, મોબાઇલ ફોન ઉદ્યોગ માટે પણ મહત્ત્વપૂર્ણ ઘટના સાબિત થશે.”

વિશ્વમાં લિથિયમના નકશા પર ક્યાં છે ભારતનું સ્થાન?

વર્ષ 2022ના આંકડા અનુસાર દુનિયામાં લિથિયમના સૌથી મોટા ભંડાર ધરાવતા દેશો આ પ્રમાણે છે

ચિલિ – 9.2 મિલિયન ટન

ઑસ્ટ્રેલિયા – 5.7 મિલિયન ટન

આર્જેન્ટિના – 2.2 મિલિયન ટન

ચીન – 1.5 મિલિયન ટન

અમેરિકા – 0.9 મિલિયન ટન

ભારતમાં 5.9 મિલિયન ટનનો લિથિયમ ભંડાર મળ્યા બાદ હવે ભારત આ યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે.

વર્ષ 2021ના આંકડા અનુસાર વિશ્વમાં લિથિયમનો પુરવઠો પૂર પાડનારા દેશોમાં

ઑસ્ટ્રેલિયા – 52 ટકા

ચિલી – 25 ટકા

ચીન – 13 ટકા

આર્જેન્ટિના – 6 ટકા

બ્રાઝિલ – 1 ટકા

જ્યારે અમિત શર્માને પૂછવામાં આવ્યું કે હજી લિથિયમના ખનન અને ઉત્પાદનમાં કેટલો સમય લાગશે અને જમ્મુ કાશ્મીર સરકારે તેના માટે શું યોજના બનાવી છે, ત્યારે તેમણે કહ્યું, “હજી તો આ પ્રારંભિક તબક્કામાં જ છે. હજી ભારત સરકારે અમને જી3 અભ્યાસનો રિપોર્ટ આપ્યો છે. હજી જી2 ઍડ્વાન્સ અભ્યાસ અને પછી જી-1 અભ્યાસ કરવાનો બાકી છે. ત્યાર પછી જ અમે ઈ-હરાજી વિશે વાત કરી શકીશું.” તેમણે વધુમાં કહ્યું, “આ માટે અમે ટૂંક સમયમાં જ એક ટાઈમટેબલ તૈયાર કરીશું અને જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની દેખરેખમાં જી2 અને જી1 અભ્યાસ કરાવીશું.” અમિત શર્માના જણાવ્યા અનુસાર જ્યારે લિથિયમનું ઉત્પાદન શરૂ થઈ જશે ત્યારે કુશળ, અકુશળ અને અર્ધકુશળ કામદારો માટે રોજગારીની તકોનું નિર્માણ થશે અને જમ્મુ કાશ્મીરના અર્થતંત્રમાં પણ સુધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે, જે રાજ્યોમાં ખનિજ પદાર્થો મળે છે તેમનું અર્થતંત્ર આત્મનિર્ભર બની જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક રહિશોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું, “જમ્મુ કાશ્મીરની સરકાર ખનિજ ક્ષેત્રો સાથે જોડાયેલી ભારત સરકારની યોજનાઓ લાગૂ કરવામાં મોડું નહીં કરે. અમે સૌથી પહેલી પ્રાથમિકતા સ્થાનિક લોકોને આપીશું, તેમના માટે કામની તકો બનશે.”

કર્ણાટકમાં પણ છે લિથિયમના ભંડાર

વર્ષ 2021માં કર્ણાટકમાં લિથિયમનો ઘણો નાનો ભંડાર મળ્યો હતો. અગાઉ, સરકારે કહ્યું હતું કે તે નવી ટેકનૉલૉજીને ઉત્તેજન આપવા માટે જરૂરી એવી દુર્લભ ધાતુઓના પુરવઠાને વધારવા માગે છે અને તે માટે તે ભારત અને વિદેશમાં સ્રોતોની શોધી રહી છે. ખાણ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે ભારત તેના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેના “તપાસના પરિમાણોનું પુનઃનિર્ધારણ કરી રહ્યું છે.” મોસમ પરિવર્તનની અસરોને ધીમી કરવાના ભાગરૂપે વિશ્વના દેશો પર્યાવરણને અનુકુળ આવે તેવા ઉપાયો તરફ નજર દોડાવી રહ્યા છે, જેને કારણે લિથિયમ સહિતની દુર્લભ ધાતુઓની માંગમાં વધારો થયો છે. વર્ષ 2023માં બોલિવિયાના વિશાળ લિથિયમ ભંડારને વિકસાવવા માટે ચીને એક અબજ ડૉલરનો કરાર કર્યો હતો. 2.1 કરોડ ટનનો એ ભંડાર વિશ્વનો સૌથી મોટો ભંડાર માનવામાં આવે છે. વર્લ્ડ બૅન્ક અનુસાર વૈશ્વિક હવામાનને સુધારવાના લક્ષ્યોને વર્ષ 2050 સુધીમાં મેળવવા માટે મહત્ત્વના ખનીજોના ખનનમાં 500 ટકાનો વધારો કરવાની જરૂર પડશે.

લિથિયમના ઉત્પાદનની આડઅસરો

જોકે, વિશેષજ્ઞોના મત અનુસાર લિથિયમની ખનન પ્રક્રિયા પર્યાવરણને અનુરૂપ નથી. લિથિયમને કઠિન ખડકો અને ઑસ્ટ્રેલિયા, ચિલી અને આર્જેન્ટિનામાં મળેલા ખારા ક્ષારયુક્ત ભૂગર્ભ જળાશયોમાંથી મેળવવામાં આવે છે. ખનનથી મેળવ્યા બાદ તેને અશ્મિભૂત ઇંધણનો ઉપયોગથી જમીનને ગરમ કરીને શેકવામાં આવે છે, જેનાથી જમીનને ખૂબ જ નુકસાન થાય છે. આ સમગ્ર ખનન પ્રક્રિયામાં ખૂબ પાણીની જરૂર પડે છે અને વાતાવરણમાં અત્યંત મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે.

ભૂગર્ભમાં રહેલા ભંડારોમાંથી લિથિયમનું ખનન કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ભૂગર્ભ ભંડારો પાણીની અછત ધરાવતા દેશ આર્જેન્ટિનામાં મળી આવ્યા છે, જેને કારણે ત્યાંના સ્થાનિક સમુદાયો ખનનનો વિરોધ કરી રહ્યા છે. આ સમુદાયોનું કહેવું છે કે, આ પ્રકારની પ્રવૃત્તિથી પ્રાકૃતિક સંસાધનો ખલાસ થઈ જશે અને પાણીની તીવ્ર અછત સર્જાશે.

અનુમાનિત સંસાધન શું છે?

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા – GSI એ 9 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં પ્રથમ વખત 5.9 મિલિયન ટન લિથિયમના અનુમાનિત સંસાધનો – G3 સ્થાપિત કર્યા છે. પરંતુ ભારત ક્યાં ઊભું છે અને લિથિયમનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે જેવા પ્રશ્નોની તપાસ કરતા પહેલા, ચાલો જાણીએ કે ‘અનુમાનિત સંસાધન’ શું છે. સરળ શબ્દોમાં કહીએ તો, અનુમાનિત સંસાધન એ કોઈ પણ વસ્તુની ડિપોઝિટના પ્રથમ તબક્કાનો સંકેત છે જ્યાં ધાતુની હાજરીનો પુરાવો છે. શરૂઆતમાં તેમાં માત્ર અનુમાન કરી શકાય છે, પરંતુ તેની પુષ્ટિ કરી શકાતી નથી. G1, G2, G3 વગેરે એ ખનિજની ઉપલબ્ધતાના વિશ્વાસના સ્તરનું માપ છે. ભારતમાં લિથિયમની શોધ મોટે ભાગે G4 ગ્રેડની છે, જે દર્શાવે છે કે લિથિયમની સંભાવના ઘણી વધારે છે.

વિશ્વભરમાં 80 મિલિયન ટન લિથિયમ સંસાધનો

લિથિયમ પાણીમાં અડધું ઓગળી જાય છે અને શુદ્ધ સ્વરૂપમાં તે ચાંદી જેવું નરમ સફેદ છે. તે ખૂબ જ રીએક્ટિવ હોય છે, તેથી તે ધાતુ તરીકે કુદરતી રીતે જોવા મળતું નથી. યુએસ જીઓલોજિકલ સર્વે – યુએસજીએસ મુજબ, ‘લિથિયમ ટીન અને ચાંદી સહિત ઘણી ધાતુઓ કરતાં વધુ માત્રામાં હાજર છે. પરંતુ તે માત્ર ખડકોમાં ટ્રેસ તત્વ તરીકે જ જોવા મળે છે. USGS એ 2022 માં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે કુલ લિથિયમ સંસાધનો 80 મિલિયન ટન હતા, જો કે આ અનામતમાંથી જેનો ઉપયોગ થઈ શકે છે તે માત્ર 22 મિલિયન ટન જેટલો જ હોવાનો અંદાજ છે. ચિલીમાં ખનિજનો સૌથી વધુ ભંડાર છે.

ભારતમાં શું વપરાય છે?

લિથિયમના ઘણા ઉપયોગો છે. કાચ અને ચીનાઈ માટીની બનેલી વસ્તુઓને મજબૂત બનાવવા માટે તેને તેમાં ઉમેરવામાં આવે છે. આ સિવાય એરફ્રેમ સ્ટ્રક્ચરમાં વજન વધારવા માટે તેને એલ્યુમિનિયમ અને કોપર સાથે મિક્સ કરવામાં આવે છે. તે ઘણી દવાઓમાં પણ વપરાય છે. તેની સૌથી વધુ માંગ ઇલેક્ટ્રિક ઉપકરણો અને બેટરી બનાવવા માટે છે. બેટરીને વધુ ચાર્જેબલ બનાવવા માટે તેમાં લિથિયમનો ઉપયોગ કરવામાં આવે છે. લિથિયમ-આધારિત બેટરીઓનું વજન ઓછું હોય છે પરંતુ પાવર વધુ હોય છે. ભારતમાં લિથિયમ-આયન (LiBs) બેટરીને અપનાવવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.

ઉપગ્રહો અને લોન્ચ પેડ્સ માટે લિથિયમ આયન બેટરીનો વિકાસ

પરંતુ ભારતે ISROના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર સાથે લિથિયમ બેટરીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ઉપગ્રહો અને લોન્ચ પેડ્સ માટે 1.5 એમ્પિયર અવરથી 100 એમ્પિયર અવર સુધીની શક્તિ સાથે લિથિયમ આયન બેટરી વિકસાવી છે. ઘણા મિશનમાં સ્વદેશી લિથિયમ આયન બેટરીના સફળ ઉપયોગ પછી, ISRO એ દેશમાં લિથિયમ આયન બેટરીના ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.

2030 સુધીમાં 30 ટકા વાહનોનું વીજળીકરણ કરવાનો લક્ષ્યાંક

સરકાર ઇચ્છે છે કે 2030 સુધીમાં ઓછામાં ઓછા 30 ટકા વાહનો ઇલેક્ટ્રિક હોય. આ માટે, બેટરીની કિંમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લિથિયમ-આયન બેટરીના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રએ એપ્રિલ 2021માં લિથિયમ-આયન બેટરી પરની આયાત ડ્યૂટી બમણી કરીને 10 ટકા કરી હતી. લિથિયમ-આયન બેટરીની માંગ 2030 સુધીમાં 52.5% વધવાની ધારણા છે. લિથિયમ ઉત્પાદનમાં અત્યારે સંખ્યાબંધ ઉદ્યોગકારો છે, મુખ્યત્વે જેઓ બેટરી પેક બનાવે છે. પરંતુ હજુ પણ થર્મલ પેડ્સ આયાત કરવા પડે છે.

કાશ્મીરમાંથી મળેલા લિથિયમના ખજાના પર ત્રાસવાદીઓની નજર

જમ્મુ-કાશ્મીરમાં અબજો રૂપિયાનો ખજાનો મળી આવ્યો છે. જમ્મુના રિયાસી જિલ્લામાં સફેદ સોનું નામના લિથિયમ ભંડાર મળી આવ્યા છે. હવે આતંકવાદીઓની નજર ભારતના આ ખજાના પર ટકેલી છે. એક આતંકવાદી સંગઠને સરકારને ધમકીભર્યો પત્ર જાહેર કર્યો છે. આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે એક ધમકીભર્યો પત્ર જાહેર કર્યો છે. આતંકવાદીઓએ પત્રમાં કહ્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીરના સંસાધનોનું ‘શોષણ’ અને ‘ચોરી’ થવા દેશે નહીં.

ભારતમાં હવે લિથિયમનું ઉત્પાદન થશે. જેનાથી ગ્રીન એનર્જીની દુનિયામાં ભારત હરણફાળ ભરી શકે તેમ છે. ઈલેક્ટ્રીક વાહનોમાં લિથિયમની જરૂર પડે છે. આ ઉપરાંત મોબાઈલ, લેપટોપની બેટરી પણ લિથિયમથી બને છે. આથી ભારત હવે લિથિયમનું આયાતકાર નહીં પરંતુ નિકાસકાર બનશે અને આત્મનિર્ભર ભારતના સપના સાકાર કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો: Nirbhaya funds/અમદાવાદ બનશે મહિલાઓ માટે સેફ શહેર, અડધી રાતે પણ મહિલા નિર્ભય બનીને ફરી શકશે