બિહારમાં ગઠબંધનોની અદલાબદલી નવી વાત નથી. પાંચ વર્ષ પહેલા એક નેતાને ગાળો દેનારા બીજા નેતા અમુક સમયે એ જ નેતાને પોતાના નેતા તરીકે સ્વીકારવા કે બીજા અર્થમાં કહો તો આવકારવા તૈયાર થઈ થાય છે. પરંતુ હમણાં જે વિવાદ ઉભો થયો છે તે જુદા જ પ્રકારનો છે. બિહારના છાપરામાં આવેલી જયપ્રકાશ યુનિવર્સિટીના સીલેબસ એટલે કે અભ્યાસક્રમાંથી જયપ્રકાશ નારાયણ અને ડૉ. રામમનોહર લોહિયાના વિચારોને લગતા જે પ્રકરણો હતા તે રદ કરીને તેના સાથે જનસંઘના લોકપ્રિય નેતા દિનદયાળ ઉપાધ્યાય, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને જ્યોતિબા ફુુલેના વિચારોવાળા પ્રકરણો દાખલ કરાયા છે. જેમના વિચારોવાળા પ્રકરણો દાખલ કરાયા તેમની સામે કોઈને વાંધો નથી પરંતુ જેમના નામો હતા – વિચારો હતા તેવા પ્રકરણો રદ કેમ કરાયા ? તેની સામે સૌને વાંધો છે.
બિહારના ઈતિહાસકારો આ પ્રકરણ અંગે કહે છે કે આ ઘડિયાળના કાંટા પાછળ ધકેલનારૂ પગલું છે. અનીસ મીશ્રા અને દિનેશ પાંડે નામના ઈતિહાસના બે પ્રાધ્યાપકો ત્યાં સુધી કહે છે કે જયપ્રકાશજીનું નામ શું આ સરકાર લોકોને અને તેમાંય ખાસ કરીને નવી પેઢીને ભૂલાવી દેવા માગે છે કે શું ? જયપ્રકાશ નારાયણ સ્વાતંત્ર્ય જંગના સેનાની હતા. સમાજવાદી વિચારધારાના સર્જક હતા. કોંગ્રેસથી અલગ પડી પ્રજા સમાજવાદી પક્ષ સ્થાપી વર્ષો સુધી નહેરૂ સરકારને લડત આપી હતી. જયપ્રકાશજી સર્વોદય વિચારધારાને વરેલા હતા. ભુદાન માટે વિનોબા ભાવેની ચળવળમાં તેમનું અભુતપુર્વ યોગદાન હતું. તેઓ લાંબા સમય સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા બાદ ૧૯૭૪ બાદ સક્રિય થયા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી પણ ઈંદિરાજીએ સત્તા ન છોડી અને તે વખતે બિહાર દિલ્હીની ભૂમિ પરથી જયપ્રકાશ નારાયણે આંદોલનનો પ્રારંભ કર્યો. પટણા અને દિલ્હીમાં પ્રગટેલી સંપુર્ણ ક્રાંતિ આંદોલનની જ્વાળા દેશમાં ફેલાઈ ગઈ. આ જાગૃતિની જ્વાળાથી સંકળાયેલા તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંદીએ દેશમાં કટોકટી લાદીને જયપ્રકાશજી સહિતના તમામ વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. અખબારો પર સેન્સરશીપ લગાડી. જાે કે કટોકટીનું દમન જાગૃતિનો જુુવાળ અટકાવી ન શક્યું અને તેના કારણે ચોતરફ રોષ હતો. આખરે ઈંદિરાજીને કટોકટી ઉઠાવી લઈ ચૂંટણી પણ આપવી પડી અને આ ચૂંટણી વખતે જયપ્રકાશ નારાયણે રામલીલા મેદાનમાંથી ઈંદિરા ગાંધીને લલકાર કર્યો ‘સિંહાસન ખાલી કરો – જનતા આતી હૈ’ અને તેના કારણે આઝાદીના પછી ૩૦ વર્ષ પછી કેન્દ્રમાં પ્રથમ વખત સત્તા પરીવર્તિ થયું. મોરારજી દેસાઈ જેવા આદર્શ વડાપ્રધાન દેશને મળ્યા. આ સરકાર કેટલી અને કેવી ચાલી તે મહત્ત્વનું નથી પણ જયપ્રકાશજી પરિવર્તનશીલ સમાજ રચનાના સારથી બન્યા હતાં. પોતે ગાંધીજીના માર્ગે ચાલ્યા. પોતે વડાપ્રધાન ન બન્યા પણ મોરારજીભાઈને વડાપ્રધાન બનાવ્યા. આ મહાન નેતા ક્રાંતિકારી પણ હતા. તેમની વિચારધારા સમાજવાદી પણ હતી. તેઓ ગાંધીવાદી પણ હતા અને સર્વોદય પુરસ્કર્તા હતાં.
જ્યારે જયપ્રકાશ યુનિવર્સિટીના સીલેબસમાંથી બીજા જેના વિચારોને દૂર કરાયા છે તે નેતા ડો. રામમનોહર લોહિયા છે તેઓ સંયુક્ત સમાજવાદી પક્ષના સ્થાપક હતા. લોકસભામાં જ્યારે બોલવા ઉભા થતાં ત્યારે પંડિત જવાહરલાલ નહેરૂ પણ તેમનાથી ફફડતા હતા. છતાંય તેમના વિચારોને માનવા પડતા હતા. નહેરૂજીનું ૬૪મા નિધન થયું. લોહિયાજીનો પણ ત્યારબાદ દેહવિલય થયો. લોહિયાજી ગરીબ, મધ્યમ વર્ગ, શ્રમિક વર્ગના મસિહા હતા. તેમણે નહેરૂજી વખતે પણ ‘જાે સરકાર નીકમ્મી હૈ ઉસે બદલ દો’નો નારો આપ્યો હતો. હવે બિહારમાં જયપ્રકાશજીના શીષ્યો પૈકી નીતિશકુમાર લાંબાા સમયથી રાજ્યના મુખ્ય પ્રધાન છે. જ્યારે બિહારના અગાઉ મુખ્યમંત્રી રહી ચૂકેલા અને અત્યારે રાજદના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવ પણ જયપ્રકાશજીના અનુયાયી છે અને જયપ્રકાશજીની આંગળીએ રાજકારણમાં પ્રવેશ્યા છે. લાલુપ્રસાદે તો જયપ્રકાશજીના વિચારોના પ્રકરણો રદ કરવાના મુદ્દે ઈતિહાસકારોએ જે વાંધો ઉઠાવ્યો છે તેમાં પોતાનો સૂર પૂરાવ્યો છે પરંતુ જયપ્રકાશજીના બીજા શિષ્ય હાલ મૌન છે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
ડો. રામમનોહર લોહિયાના શિષ્ય અને સંયુક્ત સમાજવાદી પક્ષના પાયાના પથ્થર સમા નેતા ડો. કર્પુરી ઠાકુર વિપક્ષોની સંયુક્ત સરકારના નેતા તરીકે દોઢથી બે વર્ષના સમયગાળા સુધી બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. લોહિયાજીના બીજા શિષ્યો રાજનારાયણ, જ્યોર્જ ફનાર્ન્ડિઝ, મધુ દંડવતે, મોરારજીભાઈની કેબિનેટમાં પ્રધાનપદા ભોગવી ચૂક્યા છે. ચાર વખત ઉત્તરપ્રદેશનું મુખ્યમંત્રીપદ સંભાળનાર મુલાયમસિંહ યાદવ પણ સ્વ.લોહિયાના શિષ્યો પૈકીના એક છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ૧૯૭૪ની જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં પ્રધાન બનેલા રસિકચંદ્ર આચાર્ય (ઉનાના તત્કાલીન ધારાસભ્ય) પણ લોહિયાજીના શિષ્યો પૈકીના એક હતા. ભાવનગરમાં સ્વ. પ્રાણુભાઈ ભટ્ટ, કનુ ઠક્કર વગેરે પણ લોહિયાના સંયુક્ત સમાજવાદી પક્ષના નેતાઓ હતાં.
બિહારમાં જયપ્રકાશજીના નામની યુનિવર્સિટી હોય અને તેના જ અભ્યાસક્રમમાંથી જયપ્રકાશ અને લોહિયાજીની વિચારધારાવાળા પ્રકરણો નીકળી જાય તે થોડીક આશ્ચર્યજનક ઘટના છે. દિનદયાળજી, નેતાજી બોઝ અને જયંતિ બાકુલે પણ લોકપ્રિય વ્યક્તિત્વ છે, હતા અને રહેશે. નેતાજી તો જયપ્રકાશજીને મળી પણ ચૂક્યા હતા તેવું કેટલાક ઈતિહાસકારો કહે છે. કોનું નામ ઉમેરાય તે કરતાં આ બન્ને મહાનુભાવોની વિચારધારાને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો તે વિચાર માગે તેવી બાબત છે.
ભલે આ પ્રકરણને આપણે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના નામમાં સરદાર પટેલ સ્ટેડિયમના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેના નવા નામકરણ સાથે ન સરખાવીએ પણ એટલું તો ચોક્કસ છે કે એક ઈતિહાસકાર કહે છે તે પ્રમાણે વર્તમાન સરકાર જૂના ઈતિહાસને ભૂલાવી દઈ નવી પેઢીના મનમાં નવી અને બીનજરૂરી વાતો ઘૂસાડવા માને છે. એક ઇતિહાસકારે તો ત્યાં સુધી ટકોર કરી કે અત્યારના શાસકો પૈકી કોઈએ દેશના સ્વાતંત્ર્ય જંગમાં ભૂમિકા ભજવી છે ખરી ? વર્તમાન શાસક પક્ષના કોઈ નેતા આતંકવાદ સામે લડતા શહિદ થયા છે ખરા ? આ ઈતિહાસકાર વધુમાં કહે છે કે જવાનોને શહીદ કર્યા ેછે છતાં જૂના નામો, જૂની યોજના બદલી નવા સ્વરૂપે રજૂ કરવાનો ખેલ તો અત્યારે ચાલે જ છે તેમાં નથી પડવું, પણ જયપ્રકાશજી અને રામમનોહર લોહિયા તો આઝાદી પછીના ઈતિહાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા નેતા હતા તેમને કેમ ભૂલી શકાય ?
શાળા શરુ કરવાનો નિર્ણય યોગ્ય ? / શાળાએ જતા 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીગણમાં ચિંતા
ધારાસભ્યનું બફાટ / ભાજપના આ ધારાસભ્ય માને છે કે દેશમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ માટે તાલિબાન જવાબદાર છે