Bhavnagar News: જેતલસર જંકશન (Jetalsar Junction)ને આધુનિક બનાવવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા પશ્ચિમ રેલવે મોટા પાયે કામ કરી રહી છે. કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ આશરે 17 કરોડના ખર્ચે સ્ટેશનનું નવનિર્માણ થઈ રહ્યું છે. આ યોજનાને 27 માર્ચ 2026ના રોજ મંજૂરી મળી હતી.
Jetalsar Junction: મુસાફરોને મળશે નવી સુવિધાઓ
અમૃત ભારત સ્ટેશન યોજના (Amrit Bharat Station Scheme) અંતર્ગત સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ તેમજ પ્રવેશ અને બહાર નીકળવાના દ્વારનું નવીનીકરણ થશે. સાથે જ કવર શેડ, દિવ્યાંગજનો ઉપરાંત મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલય, GRP કાર્યાલય અને ઇલેક્ટ્રોનિક કોચ ગાઇડન્સ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે.
13.42 કરોડનો 159 મીટર લાંબો બ્રિજ
મુસાફરોની અવરજવર સરળ બને તે માટે પ્લેટફોર્મ નં. 1 થી 4/5ને જોડતા ફૂટ ઓવર બ્રિજ (Foot Over Bridge)નું વિસ્તરણ કરાયું છે, જે 16 માર્ચ 2026થી મુસાફરો માટે ખુલ્લો છે. આ ઉપરાંત આશરે 13.42 કરોડના ખર્ચે 159 મીટર લાંબો અને 6 મીટર પહોળો નવો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, જે ભાવનગર મંડળનો સૌથી લાંબો બ્રિજ હશે. તમામ પ્લેટફોર્મ માટે લિફ્ટ અને દિવ્યાંગજનોને અનુકૂળ સુવિધાઓ અહીં મળશે. હાલમાં પ્લેટફોર્મ નં. 2/3 પર લિફ્ટ શરૂ થઈ ચૂકી છે, જ્યારે 6 મીટર પહોળા અન્ય એક બ્રિજનું કામ ચાલુ છે.
પાણી અને કટોકટી માટે વ્યવસ્થા
ભાવનગર મંડળ (Bhavnagar Division)ના આ સ્ટેશન પર 90 લાખના ખર્ચે બનેલી 2.25 લાખ લિટર ક્ષમતાની આધુનિક RCC ઓવરહેડ ટાંકી 31 માર્ચ 2026થી કાર્યરત છે. તેના દ્વારા સ્ટેશન ઉપરાંત 113 રેલવે આવાસો અને 3 સર્વિસ બિલ્ડિંગને પૂરતું પાણી મળી રહ્યું છે. વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખી 14 જૂન 2026થી અહીં ‘રોડ મોબાઇલ રિસ્ટોરેશન વ્હીકલ’ (RMRV) તૈનાત કરાયું છે. રાજકોટ, વેરાવળ અને ભાવનગરમાં એક્સિડન્ટ રિલીફ ટ્રેન (ART)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ડિજિટલ માહિતી અને કેટરિંગ
જુલાઈ 2026થી સ્ટેશન પર ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (Integrated Passenger Information System) કાર્યરત છે, જેનાથી મુસાફરોને ટ્રેનોની સાચી માહિતી મળે છે. મુસાફરોને સારું ભોજન અને નાસ્તો મળે તે માટે રેલવેએ IRCTC સાથે સંકલન કરીને કેટરિંગ વ્યવસ્થા શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટ રેલવે પોલીસની બેદરકારી: મહિલા ASI સસ્પેન્ડ, ગુમ બાળક મામલે ફરિયાદ માટે 24 કલાક રાહ જોવાનું કહ્યું
આ પણ વાંચો: વડનગરથી અંબાજી સુધી રેલવે કનેક્ટિવિટીનું સપનું સાકાર થવાની દિશામાં
આ પણ વાંચો: ભારત બનાવશે દુનિયાનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન, બિલાસપુરથી લેહ સુધી 489 કિમીની રેલવે લાઈન
