Junagadh News/ જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલમાં મારપીટના આક્ષેપ, ડાયરેક્ટરે કહ્યું- આરોપો પાયાવિહોણા

જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલ (Junagadh Alpha Vidya Sankul)માં વિદ્યાર્થીઓની સુવિધા અને મારપીટના આક્ષેપોને લઈને વિવાદ ઊભો થયો છે. વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે કેમ્પસ ડાયરેક્ટરે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
વિદ્યાર્થીઓની સુરક્ષા-સુવિધા પર સવાલ, Junagadh Alpha Vidya Sankul વિવાદમાં બંને પક્ષ સામસામે

Junagadh News: જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ હોસ્ટેલ (Junagadh Alpha Vidya Sankul)માં વિદ્યાર્થીઓની સુવિધા અને તેમની સાથેના વર્તનને લઈને વિવાદ ઊભો થયો છે. વાલીઓએ શાળા પ્રશાસન, ટ્રસ્ટી અને હોસ્ટેલ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટરે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી સંસ્થાનો બચાવ કર્યો છે.વાલીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં શાળાના સ્ટાફ અને ટ્રસ્ટીઓમાં ફેરફાર થયા બાદ હોસ્ટેલની વ્યવસ્થાને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. વિદ્યાર્થીઓને પૂરતી મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે.

લાઈટ-પંખાની સમસ્યા અને પાણી અંગે વાલીઓના આક્ષેપ

વાલીઓનો આરોપ છે કે હોસ્ટેલ (Junagadh Alpha Vidya Sankul)માં કેટલાક રૂમમાં 15-15 દિવસ સુધી લાઈટ અને પંખા બંધ રહેતા હોવા છતાં સમયસર સમારકામ કરવામાં આવતું નથી. પીવાના પાણી અંગે પણ વાલીઓએ સવાલો ઉઠાવ્યા છે.વાલીઓના જણાવ્યા પ્રમાણે, રાત્રે 8 વાગ્યા બાદ બાળકો માટે પીવાના પાણીના કેટલાક સ્ત્રોત બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે, સંસ્થા તરફથી આ આક્ષેપનો વિરોધ કરવામાં આવ્યો છે. કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાના જણાવ્યા મુજબ, બાળકોને પોતાની બોટલમાં પીવાનું પાણી ભરવાની સંપૂર્ણ છૂટ છે અને તેઓ પોતે પણ કેમ્પસમાં હાજર રહે છે.

આલ્ફા વિદ્યા સંકુલ
આલ્ફા વિદ્યા સંકુલ

વિદ્યાર્થીઓ સાથે મારપીટના ગંભીર આક્ષેપ

વાલીઓએ શિક્ષકો અને રેક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને મારપીટ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક બાળકોને અપશબ્દો કહેવામાં આવે છે અને શિસ્તના નામે થપ્પડ તથા લાકડીથી માર મારવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.એક કિસ્સામાં બાળકની પીઠ પર મારના નિશાન પડ્યા હોવાનો અને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનો વાલીઓએ દાવો કર્યો છે.વાલીઓનો વધુ આક્ષેપ છે કે બાળકો હોસ્ટેલ (Junagadh Alpha Vidya Sankul)માં થતી બાબતોની ફરિયાદ વાલીઓને કરે તો તેમને વધુ ધમકાવવામાં આવે છે. જોકે, આ તમામ આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

Junagadh Alpha Vidya Sankul: વાલીઓ સાથે પણ ગેરવર્તનનો આક્ષેપ

વાલીઓએ હોસ્ટેલ (Junagadh Alpha Vidya Sankul)ના સ્ટાફના વર્તન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. દૂરના વિસ્તારોમાંથી બાળકોને મળવા આવતા વાલીઓને મળવા માટે સમય મર્યાદિત રાખવામાં આવતો હોવાનો તેમનો આક્ષેપ છે.વાલીઓના જણાવ્યા મુજબ, સંસ્થામાં તેમની રજૂઆત સાંભળવા માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી. આશરે 28 જેટલી સમસ્યાઓની યાદી તૈયાર કરીને સરકારી કચેરીઓ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી વાલીઓએ આપી છે.

ભરત કેસરિયા ,કેમ્પસ ડાયરેક્ટર
ભરત કેસરિયા ,કેમ્પસ ડાયરેક્ટર

ડાયરેક્ટરે તમામ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

બીજી તરફ, આલ્ફા વિદ્યા સંકુલના કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાએ વાલીઓના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.તેમણે જણાવ્યું કે સંસ્થા છેલ્લા બે વર્ષથી નડિયાદના ટ્રસ્ટી પ્રતિક પટેલ દ્વારા સંચાલિત થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ, બાળકો સાથે કોઈ પ્રકારની ક્રૂરતા કે હેતુપૂર્વક મારપીટ કરવામાં આવતી નથી.

ડાયરેક્ટરે કહ્યું કે બાળકો નાની ઉંમરના હોવાથી તેમની ભૂલ થાય ત્યારે રેક્ટર અથવા સ્ટાફ તેમને શિસ્તના ભાગરૂપે ટોકે છે અને સંતાનની જેમ સમજાવે છે. તેમણે સંસ્થામાં આશરે 900 વિદ્યાર્થીઓ હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે જો આ પ્રકારની ગંભીર સ્થિતિ હોત તો આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ કરતા ન હોત.

Junagadh Alpha Vidya Sankul
Junagadh Alpha Vidya Sankul

બીમારી કે ઇમરજન્સીમાં સારવારની વ્યવસ્થા હોવાનો દાવો

મેડિકલ ઇમરજન્સી અંગે ડાયરેક્ટરે જણાવ્યું કે કોઈપણ બાળકને તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે સંસ્થા દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે છે.તેમના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં ખાસ રજિસ્ટર રાખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓની જરૂરી વિગતો નોંધવામાં આવે છે. બાળકની તબિયત અંગે વાલીઓને ફોન મારફતે જાણ કરવામાં આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

વાલીઓ માટે મળવાનો સમય કેમ નક્કી કરાયો?

વાલીઓ દ્વારા મળવાના સમય અંગે કરાયેલા આક્ષેપોના જવાબમાં ડાયરેક્ટરે જણાવ્યું કે વાલીઓ ગમે ત્યારે કેમ્પસમાં આવે તો અન્ય વિદ્યાર્થીઓના અભ્યાસ અને હોસ્ટેલની દૈનિક વ્યવસ્થામાં ખલેલ પડી શકે છે.આ કારણોસર વાલીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. સંસ્થા દર મહિને વાલી મીટિંગ યોજતી હોવાનો અને દર 15 દિવસે વાલીઓને પોતાના બાળકો સાથે ફોન પર વાત કરવાની વ્યવસ્થા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

Junagadh Alpha Vidya Sankul
Junagadh Alpha Vidya Sankul

એક અઠવાડિયામાં વાલીઓ સાથે બેઠકની ખાતરી

સમગ્ર વિવાદ વચ્ચે કેમ્પસ ડાયરેક્ટરે વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે ખાસ બેઠક યોજવાની ખાતરી આપી છે.તેમણે જણાવ્યું કે આગામી એક અઠવાડિયામાં ટ્રસ્ટીની હાજરીમાં વાલીઓ સાથે બેઠક યોજવામાં આવશે અને રજૂ થયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

હાલ આલ્ફા વિદ્યા સંકુલના હોસ્ટેલ (Junagadh Alpha Vidya Sankul)ને લઈને વાલીઓના ગંભીર આક્ષેપો અને સંસ્થાના સ્પષ્ટીકરણ બાદ સમગ્ર મામલો ચર્ચામાં છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, સુવિધાઓ અને હોસ્ટેલમાં શિસ્ત અંગેના આક્ષેપોની સત્તાવાર તપાસ થાય છે કે કેમ તેના પર હવે નજર રહેશે.


આ પણ વાંચો:જૂનાગઢમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં માર મારવા મુદ્દે મોટો ખુલાસો, પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો:સુરતના પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓની મારપીટ

આ પણ વાંચો:વિદ્યાર્થીને માર મારવાના જૂનાગઢની હોસ્ટેલના બનાવમાં શિક્ષણમંત્રી એક્શનમાં, રિપોર્ટ મંગાવ્યો