દિલ્લી.
સીબીઆઈના પૂર્વ જજ બી. એચ. લોયાના થયેલા સંદિગ્ધ મોતના કેસ અંગે સોમવારે થયેલી પીટીશનમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાના વડપણ હેઠળની બેંચે દેશની કોઈ પણ હાઈકોર્ટમાં જજ લોયાના કેસ સાથે જોડાયેલા મામલામાં સુનવણી ન કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત બોમ્બે હાઈકોર્ટમાં જજ લોયા સાથે જોડાયેલા મામલાની બે પીટીશન પેન્ડીંગ છે અને હવે આ પીટીશન સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે કેસ સાથે જોડાયેલા બે પક્ષોને તમામ દસ્તાવેજ સીલબંધ કરીને કોર્ટમાં રજુ કરવા માટે જણાવ્યું છે. જયારે હવે આ મામલાની આગળની સુનવણી ૨ ફેબ્રુઆરી બપોરે ૨ વાગ્યે થશે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ, આ મામલાની જાણકારી આપી હતી. જયારે પીટીશન કરવાવાળા વકીલ દુષ્યંત દવેએ સલ્વેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, સાલ્વે અમિત શાહના બચાવ પક્ષમાં ઉતર્યા છે, અને તેઓ હવે મહારાષ્ટ્ર સરકારના પક્ષમાં છે. આ કારણે સંસ્થાની ચાબી ખરડાઈ રહી છે અને કોર્ટે આ અંગે જરૂરી પગલા ભરી તેને રોકવું જોઈએ.
કેટલાક મીડિયા દ્વારા જજ લોયાના મોત પર ઉઠાવવામાં આવેલા સવાલો અંગે પણ સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. SC દ્વારા કહેવામાં આવ્યું, આ આ કેસની પીટીશન યોગ્ય નિયમ અનુસાર કરવામાં આવશે, તેથી તમામ વકીલોએ કોર્ટને સાથ આપવો જોઈએ.
મહત્વનું છે કે, સીબીઆઈના જજ જસ્ટીસ લોયા બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ કેસમાં સુનવણી કરી રહ્યા હતા. ત્યારે ૨૦૦૫માં સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસરને ગુજરાત પોલીસે અપહરણ કર્યા હતા અને હૈદરાબાદમાં થયેલી કથિત એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ પણ આ કેસ સાથે જોડાયું હતું.
આ બહુચર્ચિત કેસની સુનાવણીને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી આ દરમિયાન કેસની સુનાવણી જજ ઉત્પત કરી રહ્યા હતા પરંતુ અમિત શાહની નારાજગી બાદ તેઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ જસ્ટિસ લોયા પાસે આ પીટીશન આવી હતી અને ડિસેમ્બર, ૨૦૧૪માં તેઓનું સંદિગ્ધ મોત થયું હતું અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.