ગુજરાત આમ આદમી પાર્ટીને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષ પલ્ટો કરીને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત આપમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કોંગ્રેસ સાથે જોડાઈને ઘરવાપસી કરી છે. આ સમયમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં આવી વાત કરી છે. તેમણે આ બાબતમાં વાત કરતાં કટાક્ષ કરવાની પોતાની છબી પ્રમાણે કહ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા કોંગ્રેસમાં પુરી થાય તેવી શુભેચ્છાઓ છે.
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ પોતાના પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામ પર મહોર લગાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ રેસમાં ગોપાલ ઈટાલિયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુનું પણ નામ ચાલતું હતું. જોકે ઈન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા કેટલાક સમયથી પોતાને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કરવામાં આવે તે બાબત પર પાર્ટી પર દબાણ કરી રહ્યા હોવાનું ગોપાલ ઈટાલિયાનું કહેવું છે. ઈશુદાનના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવતા તેઓ નારાજ થયા હોવાની વાતને પાર્ટી પ્રમુખ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.