T20 World Cup/ કોહલીનાં પરિવારને મળી ધમકી, પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યુ- ટીકાનો અધિકાર પણ મર્યાદામાં રહી

ભારતીય ટીમનાં શરમજનક પ્રદર્શન બાદ કોહલી ટીકાકારોની ઝપેટમાં આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર તેને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યો છે.

Sports
વિરાટ કોહલી - ઈન્ઝમામ-ઉલ-હક

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનનાં આધારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને ICC T20 વર્લ્ડકપ 2021નાં સુપર 12 તબક્કાની ગ્રુપ 2 મેચમાં એકતરફી આઠ વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની તકોને ગંભીર આંચકો લાગ્યો છે. આ સિવાય કોહલીની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો – T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ‘જો તો’ પર ટકી ટીમ ઈન્ડિયાની નજર

ભારતીય ટીમનાં શરમજનક પ્રદર્શન બાદ કોહલી ટીકાકારોની ઝપેટમાં આવી ગયો છે અને સોશિયલ મીડિયા પર તેને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન, એવા પણ અહેવાલો છે કે ઘણા યુઝર્સે કોહલીનાં પરિવારને પણ ધમકી આપી છે. પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક કોહલીનાં પરિવારને મળેલી ધમકીઓથી ખૂબ જ દુઃખી છે. ઈન્ઝમામે કહ્યું છે કે, લોકોને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ તેમણે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા ઈન્ઝમામે કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે વિરાટ કોહલીની પુત્રીને ધમકી આપવામાં આવી રહી છે. લોકોએ સમજવાની જરૂર છે કે આ માત્ર એક રમત છે. અમે જુદા જુદા દેશો માટે રમી રહ્યા છીએ પરંતુ અમે એક જ સમુદાયનો ભાગ છીએ. આપને કોહલીની બેટિંગ કે તેની કેપ્ટનશિપની ટીકા કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ ક્રિકેટરનાં પરિવારને નિશાન બનાવવાનો કોઈને અધિકાર નથી. ઈન્ઝમામે મોહમ્મદ શમીને લઇને પણ કહ્યુ કે, થોડા દિવસો પહેલા ઝડપી બોલર મોહમ્મદ શમી સાથે પણ કંઈક આવું જ થયું છે. જીત અને હાર એ રમતનો એક ભાગ છે. કોહલીનાં પરિવારને ટાર્ગેટ કરનારા લોકોથી હું ખૂબ જ દુઃખી છું.

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ આ ભારતીય ખેલાડી બન્યો

પૂર્વ પાકિસ્તાની કેપ્ટને વધુમાં કહ્યું કે, ભારતીય બેટ્સમેનોને સ્ટ્રાઈક રોટેટ કરવામાં સંઘર્ષ કરતા જોઈને તે આશ્ચર્યચકિત છે. “ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટૂર્નામેન્ટમાં એક મહત્વપૂર્ણ મેચ હતી. ભારત-પાકિસ્તાન મેચ પછી કદાચ આ સૌથી મહત્વપૂર્ણ મેચ હતી. ભારતીય ટીમ જે રીતે રમી તે જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું સમજી શકતો ન હતો કે ભારતીય ટીમ પોતાના પર આટલું દબાણ કેવી રીતે લઈ શકે. મેં ટીમ ઈન્ડિયાને આ રીતે રમતી ક્યારેય જોઈ નથી. ન્યૂઝીલેન્ડનાં બંને સ્પિનરો સારા છે, પરંતુ તેમાંથી કોઈ પણ વર્લ્ડ ક્લાસ સ્પિનર ​​નથી. તેમ છતાં ભારતીય બેટ્સમેનો સિંગલ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.