Dhoraji News: ધોરાજીના ભૂતપૂર્વ વિધાનસભ્ય લલિત વસોયાએ ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી જીતવા માટે ભાજપે ધમકીઓ આપવાનું શરૂ કર્યુ છે. ભાજપના સાંસદ, વિધાનસભ્ય અને આગેવાનો ધમકાવતા હોવાનો આરોપ છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપે જે 731 ઉમેદવારો બિનહરીફ કર્યા છે તે પણ ધાકધમકી અને દબાણથી કર્યા છે. આ વખતની ચૂંટણીમાં તેમને ખબર છે કે લોકોની નારાજગીનો સામનો કરવો પડશે તેથી તે ઉમેદવારોને ડરાવી ધમકાવી રહ્યા છે.
આ ઉપરાંત તે ગ્રામીણ વિસ્તારમાં લોકોને અને સરપંચોને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસ આવી તો ગ્રાન્ટના રૂપિયા ક્યાંથી મળશે. ભાજપના સાંસદ મિતેશ પટેલ પોતે આવું બોલી ચૂક્યા છે. આના દ્વારા તેઓએ રીતસરનો લોકોનો સંદેશ આપ્યો છે કે તમને રૂપિયા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના સ્વરૂપમાં ભાજપ જ આપશે, જો બીજો પક્ષ આવશે તો પછી તમારા વિસ્તારનો વિકાસ ભૂલી જજો.
કોઈ એકાદ બે સાંસદ કે ધારાસભ્ય આવું કરે તો માની શકાય પણ હવે તે ભાજપના ઘણા બધા વિધાનસભ્યો અને સાંસદો આ જ ભાષામાં વાત કરવા માંડ્યા છે. ભાજપને લીડ નહીં મળે તો ગ્રાન્ટ અટકાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ બધુ બતાવે છે કે ભાજપે આ વખતની ચૂંટણીમાં સામ,દામ, દંડ અને ભેદ બધાનો ઉપાય અજમાવવા માંડ્યો છે. તેમને ખબર છે કે એટલા બધા કંઈ પ્રજાકીય કાર્યો કરવામાં આવ્યા નથી જેના કારણે આમ કરવું જોઈએ, તેથી હવે સત્તા જાળવવા માટે હવે તેણે આ માર્ગ અખત્યાર કર્યો છે. પહેલા ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો લોકોની વચ્ચે રહેતા હતા અને કામ કરતા હતા. તેના કારણે આવી જરૂર પડતી નથી, પરંતુ આજે ભાજપના કોર્પોરેટર પણ ગાડીમાંથી નીચે પગ મૂકતો નથી ત્યારે આ પ્રકારની સ્થિતિ આવવી સ્વાભાવિક છે.
