Not Set/ ખેડૂતોના મુદ્દે વિધાનસભા ગૃહ ગાજયુ, કોંગ્રેસના ધારાસભ્યોનું ગૃહમાં સુત્રોચાર સાથે વોક આઉટ 

ખેડૂતોના મુદ્દે વિધાનસભા ગૃહ ગાજયુ, કોંગ્રેસના ધારાસભ્યોનું ગૃહમાં સુત્રોચાર સાથે વોક આઉટ 

Gujarat Others Trending
નવા મંત્રીમંડળની

ગૃહમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનો વોકઆઉટ

@સોનલ અનડકટ, ગાંધીનગર

દિલ્હી બોર્ડર પર ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે આજે વિધાનસભામાંથી સુત્રોચાર કરી વોક આઉટ કર્યો હતો. દિલ્હી બોર્ડર પર 250 જેટલા ખેડૂતો શહીદ થતા તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળવાની દરખાસ્ત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરતા નીતિન પટેલ અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા.

ગૃહમાં વિવિધ વિભાગોની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા પરેશ ધાનાણીએ ભગતસિંહ સહિત 3 શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે દિલ્હી બોર્ડર પર શાહિદ થયેલા ખેડૂતોને પણ શ્રદ્ધાંજલિ અર્પી તેમના માનમાં 2 મિનિટનું મૌન ગૃહમાં પળાય તેવી માગણી કરી હતી. તેમની વાતથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અકળાયા હતા અને ગુસ્સે ભરાયા હતા. વર્ષ 1987માં કોંગ્રેસના શાસનમાં ગુજરાત વિધાનસભા બહાર 19 ખેડૂતોને કોંગ્રેસની સરકારે છાતીમાં ગોળી ધરબી દીધી હતી એ ખેડૂતો માટે કોંગ્રેસે ક્યારેય શ્રદ્ધાંજલિ આપી હતી? તેવો સવાલ નીતિન પટેલે કોંગ્રેસી ધારાસભ્યોને કર્યો હતો. જોકે કોંગ્રેસી ધારાસભ્યો કંઈ સાંભળવાના મૂડમાં ન હતા. કોંગ્રેસી ધારાસભ્યો એ ઓમ શાંતિ ના મોટા અવાજ સાથે દિલ્હી બોર્ડર ના શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવાનું ચાલુ રાખ્યું હતું. અધ્યક્ષે તેમને શાંતિ જાળવવા વિનંતી કરી છતાં પણ કોંગ્રેસના સભ્યો અટક્યા ન હતા. કોંગ્રેસના સભ્યોએ ‘ખેડૂતવિરોધી કાળો કાયદો પાછો ખેંચો’ના સૂત્રોચાર ગ્રહોમાં શરૂ કર્યા હતા. બીજી બાજુ નીતિન પટેલ સતત તેમને વળતો જવાબ આપી રહ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે એમના પૂર્વજો અને તેમના પૂર્વ ગૃહમંત્રીએ 19 ખેડૂતોને શહીદ કર્યા ત્યારે કોંગ્રેસે શ્રદ્ધાંજલિ આપી નહીં અને હવે દિલ્હીના ખેડૂતોને યાદ કરી રહ્યા છે.

જોકે કોંગ્રેસના સભ્યો સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા. હર્ષદ રિબડિયા સહિતના આઠ જેટલા કોંગ્રેસી ધારાસભ્યો એ વેલમાં બેસીને અને અન્ય કોંગ્રેસી ધારાસભ્યો એ પણ વેલ નજીક આવીને સૂત્રોચાર ચાલુ રાખ્યો હતો. જેના પગલે સાર્જન્ટ પણ વેલમા આવી ગયા હતા. અધ્યક્ષે કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની જગ્યા મેળવી લેવા આદેશ કરવા છતાં કોંગ્રેસી ધારાસભ્યો માન્યા ન હતા અને સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

ગૃહ બહાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે દિલ્લી બોર્ડર પર ખેડૂતો આંધળી બહેરી સરકાર સામે કાળા કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના માનમાં ગૃહમાં બે મિનિટનું મૌન પાળવાની દરખાસ્ત કરી હતી જેને ગૃહમાં ધ્યાને લેવાય ન હતી. ભાજપની સરકારમાં ખેડૂતોને પાકના પુરા ભાવ મળતા નથી. વીમાનું વળતર મળતું નથી, મોંઘા ભાવની વીજળી અપાય છે અને ખેડૂતોના આત્મહત્યાના બનાવો પણ ગુજરાતમાં વધી રહ્યા છે. આવી ખેડૂતવિરોધી સરકારના વિરોધમાં આજે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હોવાનુ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.