જૂનાગઢ,
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા પીએમ મોદી જૂનાગઢની સભામાં હાજરી આપવા માટે આજે સવારે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર રાજકોટના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી વડાપ્રધાન હેલિકોપ્ટરની મદદથી જૂનાગઢ પહોંચ્યા હતા.
જૂનાગઢમાં પ્રચંડ ચૂંટણી સભાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કોંગ્રેસના ખજાનચી એહમદ પટેલ અને મધ્યપ્રદેશના સીએમ કમલનાથને નિશાને લીધા છે, તેમને કહ્યું કે જનતાના કરોડો રૂપિયા કોંગ્રેસ કઇ રીતે લઇ રહી છે તે જોવા જેવું છે, આઇટીની કાર્યવાહીમાં કમલનાથના નજીકના લોકો પાસેથી કરોડો રૂપિયા પકડાયા છે અને 20 કરોડ રૂપિયા દિલ્હીમાં એહમદ પટેલના એકાઉન્ટન્ટને હવાલાથી મળ્યાં હોવાનું આઇટીની તપાસમાં સામે આવ્યું છે, આ મામલે મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે, દિલ્હીના તુઘલક રોડ પર એહમદ પટેલનું નિવાસસ્થાન છે અને પટેલના નજીકના વ્યક્તિને 20 કરોડ રૂપિયા હવાલાથી મળ્યાં છે.
મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે આ કોંગ્રેસીઓએ આપણા સરદાર વલ્લભભાઇ પટેલને ભૂલાવી દીધા છે, સોમનાથ અને જૂનાગઢ આજે જેમના કારણે છે ઉભું છે તે સરદાર વલ્લભભાઇને કોંગ્રેસે ભૂલાવી દીધા છે, મોરારજીભાઇ દેસાઇ સાથે પણ કોંગ્રેસે અન્યાય કર્યો હતો, મોદીએ કહ્યું કે ગુજરાત દેશ માટે જીવ આપવા પણ તૈયાર છે અને હું દેશની ચોકીદારી કરતો રહીશ, હું અહી જનતાને હિસાબ આપવા આવ્યો છું.
જૂનાગઢની રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર સવાલ ઉઠાવ્યાં હતા, કહ્યું કે દેશની રક્ષા માટે અમે દેશદ્રોહીઓ સામે લડી રહ્યાં છીએ, દેશ વિરોધીઓને કયારેય નહીં છોડવામાં આવે, પછી જમ્મુ કાશ્મીર હોય કે દેશનો કોઇ પણ ભાગ હોય, ત્યારે કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં દેશદ્રોહનો કાયદો નાબૂદ કરવાનું જનતાને વચન આપી રહી છે, જનતાએ ચેતી જવાની જરુર છે જો આ લોકોની ભૂલમાં પણ સરકાર બની જાય તો તમને બરબાદ કરીને મુકી દેશે, દેશના દુશ્મનો મજબૂત થશે.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકની વાત કરી હતી. તેમને જનતાને પૂછ્યું કે, જવાનોના આ સાહસના કારણે કોંગ્રેસને પેટમાં દુખે છે. મારે આજે જનતાને પુછવું છે કે, મારે સર્જિકલ સ્ટ્રાઇલ કરવી જોઇતી હતી કે નહીં, મારે એરસ્ટ્રાઇક કરવી જોઇતી હતી કે નહીં, તેમ વાત કરીને કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું.
તેમને કહ્યું કે, કોંગ્રેસ જવાનોએ કરેલા સાહસના સબૂતો માંગે છે. મારે તમને પુછવું છે કે, આપણા જવાનો જીવ હથેળીમાં લઇને જાય છે. પરંતુ કોંગ્રેસને જવાનોના સાહસ પર નહીં, સબૂતો પર વિશ્વાસ રાખે છે.