Lifestyle: લોકો તરેહ તરેહની પૂરીઓ ખાવાની પસંદ કરે છે…કોઇને આલુ પૂરી પસંદ પડે છે તો કોઇને પાલખ પૂરી! પરંતુ શું તમે ક્યારેય મખાના પૂરી (Makhana Puri) ખાધી છે ખરી?
શિયાળા (Winter)માં ગરમાગરમ અને તળેલી વાનગીઓ (Fried Dishes) ખાવાની ઘણી જ મજા પડે છે! જો તમે નાસ્તામાં કશુંક ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખાવા માગતા હો તો ઘઉંના લોટ કે મેંદા (Wheat Flour or Maida)ના ઉપયોગ વિના પણ પૂરીઓ બનાવી શકો છો. પૂરીઓ મોટા ભાગે ઘઉંનો લોટ અથવા તો મેંદાથી જ તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ જો તમે કોઇ હૅલ્ધી રેસિપી (Recipe)ઓપ્શનની શોધમાં છો તો આ પૂરીઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.

મખાના ના સ્વાસ્થલાભ
ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. આ સુપરફૂડ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ (Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે.

પોષણસભર બ્રેકફાસ્ટ રેસિપી
તમે મખાનાનો લોટ લઇને એમાં બાફેલા બટાટા ઉમેરીને અત્યંત સ્વાદિષ્ટ પૂરીઓ બનાવી શકો છો. આ પૂરીઓને તમે નાસ્તામાં, લંચમાં કે ડિનરમાં સર્વ કરી શકો છો અને એને ખાતાવેંત બધા જ તમારી પાક કળાના વખાણ કરશે! વિશેષ તો એ છે કે, મખાનાની પૂરીઓ બનાવવી અત્યંત સરળ છે અને તમે ગણતરીની સામગ્રી વડે જ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. ઘઉંના લોટનો કે મેંદાનો ઉપયોગ કર્યા વિના પણ સરસ પૂરીઓ બની શકે છે અને ઘણી કરારી તથા સ્વાદિષ્ટ પણ લાગે છે.
ભારતીય ઘરોમાં જ્યારે કંઇક વિશેષ બનાવવાની વાત હોય ત્યારે પૂરીનો ઉલ્લેખ અવશ્ય થાય જ છે. આના વિના જાણે કે કોઈ ઉજવણી પણ અધૂરી લાગે છે. લોકો તરેહ તરેહની પૂરીઓ ખાવાની પસંદ કરે છે…કોઇને આલુ પૂરી (Aloo Puri) પસંદ પડે છે તો કોઇને પાલખ પૂરી (Palakh Puri)! પરંતુ શું તમે ક્યારેય મખાના પૂરી ખાધી છે ખરી? જો હજુ સુધી નથી બનાવી તો અહિં દર્શાવેલી રેસિપીને તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. ખાવામાં તો એ ઘણી જ સ્વાદિષ્ટ હોય છે એ ઉપરાંત, પોષણ (Nutrition)નો ભંડાર માનવામાં આવે છે. તો ચાલો ફટાફટ જાણી લઇએ મખાના પૂરી બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…
મખાના ના લોટની પૂરી નાના-મોટા સૌ કોઇને અવશ્ય ભાવશે. એ ક્રિસ્પી (Crispy) હોવા ઉપરાંત, સરળતાથી મોંમાં ઓગળી જાય એવી પોચી પણ બનશે જેથી તમારા ઘરના વડીલો (Elders) પણ એનો આસ્વાદ માણી શકશે!
શી રીતે બનાવશો મખાના પૂરી (Makhana Puri)?
મખાના પૂરી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 બાઉલ મખાના
1-2 બાફેલા બટાટા
3-4 લીલા મરચા
2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
2 ચમચી જીરા પાવડર
સ્વાદાનુસાર મીઠું
જરુર મુજબ પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક તાવડીમાં મખાનાને કોરા જ શેકી લો, એ ક્રિસ્પી (Crispy) બની જાય ત્યાં સુધી શેકવા.
2. જ્યારે એ ઠંડા થાય ત્યારે એને મિક્સરમાં દળીને પાવડર બનાવી લો.
3. એક મોટી કથરોટ કે બાઉલમાં મખાના પાવડર લો. એમાં છીણેલા બાફેલા બટાટા (Boiled Potatoes)ને ઉમેરી દો.
4. હવે એમાં ઝીણા સમારેલા લીલા મરચા અને કોથમીર ઉપરાંત, જીરા પાવડર અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરી દો. બટાટાની ભીનાશથી જ લોટ લગભગ તો બંધાઇ જશે. પરંતુ જો એ ન બંધાય તો એમાં 1-2 ચમચી પાણી ઉમેરીને સખત લોટ બાંધી લેવો.
5. લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો. ત્યાર બાદ, હાથ પર થોડું તેલ લગાવીને મસળી લઇ એના નાના-નાના લુવા બનાવી લો.
6. મખાનાનો લોટ ઘણો જ નરમ હોવાથી પૂરી વણતી વખતે તમારી પાટલી અને વેલણ પર થોડું તેલ અથવા સૂકો લોટ ભભરાવી લેવો.
7. પૂરીઓને મીડિયમ જાડાઇનો વણવી, ઘણી પાતળી ન વણવી.
8. આ પૂરીઓને વણવા દરમિયાન તાવડીમાં તેલ કે ઘી (Oil or Ghee) ગરમ કરવા મૂકી દેવા.
9. તેલ કે ઘી ગરમ થાય એટલે પૂરીઓને મધ્યમ તાપે ગોલ્ડન અને કુરકુરી થાય ત્યાં સુધી તળવી.
તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને એથીયે વધુ હૅલ્ધી મખાના પૂરી…તમે ચા, ચટણી (Tea, Chutney), કેચઅપ અથવા કોઈ શાક કે રાયતા સાથે આ હૅલ્ધી અને ટેસ્ટી પૂરીઓની મજા માણી શકો છો.
આ પણ વાંચો: બથુઆ પૂરી…ભાજીનું પોષણ અને બટાટાનો મસાલેદાર કરારો ટેસ્ટ, હૅલ્ધી-ક્રિસ્પી ફટાફટ રેસિપી…
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: બેસન-સોજીના નહિં, નાસ્તામાં સાબુદાણાના ચીલા બનાવો…હૅલ્ધી-ટેસ્ટી રેસિપી…
