Gandhinagar/ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર

ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે પ્રિ-નેટલ કૅર એન્ડ એજ્યુકેશન વિભાગ દ્વારા સગર્ભા બહેનો માટે નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૬ યુગલોએ ભાગ લીધો.

Gujarat Others
gandhinagar

ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે પ્રિ-નેટલ કૅર એન્ડ એજ્યુકેશન વિભાગ દ્વારા સગર્ભા બહેનો માટે નિ:શુલ્ક સામૂહિક સીમંતોન્નયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૬ યુગલોએ ભાગ લીધો. સગર્ભા બહેનો અને તેમના ગર્ભસ્થ શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે હેતુથી વૈદિક વિધિવિધાન સાથે સીમંતોન્નયન સંસ્કાર કરાયા. આ કાર્યક્રમમાં કુલ મળીને ૨૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારો અંતર્ગતના આ ત્રીજા સંસ્કારની વિધિ કોઈ સરકારી યુનિવર્સિટી દ્વારા થઈ હોય તેવી દેશની સંભવત: આ પહેલી ઘટના છે.

“સગર્ભા બહેનોના ગર્ભસંસ્કાર થવા જોઈએ, સાથે તેમનું અને શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવું જોઈએ” તેવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરાયું. યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં, સ્કૂલ ઓફ ચાઇલ્ડ, યુથ અને ફેમિલી ડેવલપમેન્ટના વડા ડો. રાકેશ પટેલની રાહબરીમાં આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં છઠ્ઠા તથા સાતમા માસની ગર્ભાવસ્થાવાળી બહેનોના સીમંતોન્નયન સંસ્કાર વૈદિક વિધિવિધાનથી કરવામાં આવ્યા હતા.

gandhinagar

યુનિવર્સિટીનાં કુલપતિનું નિવેદન

આ પ્રસંગે દંપતીઓને શુભકામના સાથે આશીર્વાદ આપતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે કહ્યું કે, મોટાઓને બાળકના ભાવવિશ્વ સમજણ અને શિક્ષણ આપવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે. તેમણે કહ્યું કે, આપણે સોળ સંસ્કારોની વાતો કરીએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી. વર્તમાન સમયમાં જીવનમાં જે પણ પ્રશ્નો, સમસ્યાઓ વગેરે છે, તે આપણી જીવનશૈલી અને સંસ્કારોના અભાવના કારણે છે. આ બધાના નિરાકરણ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ જણાવ્યું કે, બાળકેળવણીનો સંપૂર્ણ આધાર માતા-પિતા છે. વર્તમાન માનનીય કુલપતિ શ્રી શાહ સાહેબે વિચાર આપ્યો છે કે, જ્યારથી એક દંપતી બાળકને લાવવાનો વિચાર કરે છે, ત્યારથી જ તે બાળક દિવ્ય બનાવવા માટેનું આયોજન થવું જોઈએ.

સ્કૂલ ઓફ ચાઇલ્ડ, યુથ અને ફેમિલી ડેવલપમેન્ટના વડા ડૉ. રાકેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું. યુનિવર્સિટીના શિક્ષક જયદેવ ધાંધિયાએ સીમંતોન્નયન સંસ્કારની વિધિ કરાવી. આ કાર્યક્રમના સંયોજક તરીકે આયુર્વેદાચાર્ય ડૉ. વૃંદન જયસ્વાલ રહ્યા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જલપા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હાર્દિકને “માપ” માં રાખવા ભાજપનો માસ્ટર સ્ટોક, ઋત્વિજ પટેલ, પ્રશાંત કોરાટને યુવા ચહેરા તરીકે પ્રમોટ કરશે

આ પણ વાંચો:  હાર્દિક પટેલનો ખેસ અને ટોપી પહેરાવી સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ