World News: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં લાગેલી ભીષણ આગે ભારે જાનહાનિ સર્જી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે અનેક લોકો બહાર નીકળી શક્યા નહીં. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 63 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
બેંગકોકના પબમાં અગ્નિકાંડ (Massive fire in Bangkok)
થાઈલેન્ડની રાજધાની બેંગકોક (Bangkok)માં સોમવારે વહેલી સવારે એક પબમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને 63 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલા મનોરંજન સ્થળે મધ્યરાત્રિની આસપાસ આગ લાગી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા સમગ્ર પબ આગની લપેટમાં આવી ગયો હતો. આગ લાગતા પબમાં હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
22 લોકોની હાલત ગંભીર
બેંગકોકના ગવર્નરે જણાવ્યું હતું કે આગમાં ઈજાગ્રસ્ત થયેલા 63 લોકોમાંથી 22 લોકોની હાલત અતિ ગંભીર છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અને બચાવ કામગીરી હાથ ધરી હતી જોકે પોલીસ અને ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
ભીષણ આગમાં 27 લોકો બળીને ખાક
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ થાઈ વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ ઘટના (Incident)માં 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું કે ઈજાગ્રસ્ત લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.
શૌચાલયમાં આશરો લેનારા અનેક લોકોના મોત
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ લાગતાં લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. કેટલાક લોકો પબ (Pub)ના શૌચાલયમાં છુપાઈ ગયા હતા, પરંતુ ધુમાડો અને આગના કારણે તેઓ બહાર નીકળી શક્યા નહોતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં મોટાભાગના લોકોના મૃતદેહ શૌચાલયમાંથી મળી આવ્યા છે.
30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ
ફાયર વિભાગની અનેક ટીમોએ લગભગ 30 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ ઓલવાયા બાદ પબનો આંતરિક ભાગ સંપૂર્ણપણે બળી ગયો હોવાનું સામે આવ્યું હતું. બચાવ ટીમોએ લાંબા સમય સુધી કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન (Rescue Operation)હાથ ધર્યું હતું.
આગ લાગવાના કારણોની તપાસ શરૂ
પોલીસ અને ફોરેન્સિક ટીમો હાલમાં આગ કેવી રીતે લાગી અને તે આટલી ઝડપથી કેમ ફેલાઈ તેની તપાસ કરી રહી છે. સાથે જ પબમાં અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અને જો આ ઘટના પબ સંચાલકોની બેદરકારીને કારણે બની હશે તો પબ સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ પોલીસે તૈયારી દર્શાવી છે.
થાઈલેન્ડમાં અગાઉ પણ બની છે આવી દુર્ઘટનાઓ
આ ઘટનાએ થાઈલેન્ડમાં મનોરંજન સ્થળોની અગ્નિ સલામતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. વર્ષ 2022માં પૂર્વી થાઈલેન્ડના એક મ્યૂઝિક પબમાં આગ લાગતાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષ 2009માં બેંગકોકના સાંટિકા નાઈટક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન લાગેલી આગમાં 66 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:કૌશાંબીમાં LPG ટેન્કરમાં ભીષણ આગ, ટોલ પ્લાઝા સાથે અથડાતા 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા
આ પણ વાંચો:UPના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, વિદ્યાર્થીઓએ પહેલા માળેથી કૂદીને બચાવ્યો જીવ
આ પણ વાંચો:સુરતના અડાજણમાં ભીષણ આગ, એપોલો ફાર્મસી સહિત અનેક દુકાનો આગની ઝપેટમાં
