વરસાદ/ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,પાટણના સાંતલપુરમાં સાડા 6 ઈંચ વરસાદ

સાંતલપુરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી

Top Stories Gujarat
8 ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,પાટણના સાંતલપુરમાં સાડા 6 ઈંચ વરસાદ

દેશભરમાં શાહી સવારી મેઘરાજાની જોવા મળી રહી છે,ઉત્તર ભારતમાં અતિભારે વરસાદથી ભારે તારાજી સર્જાઇ છે. દેશના અનેક રાજ્યોમાં શાળાઓ બંધના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 235 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

સાંતલપુર સિવાય રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં પણ સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છ જિલ્લાના અબડાસામાં 132 મિમી, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 128 મિમી, રાજકોટના ઉપલેટામાં 123 મિમી, બનાસકાંઠાના સૂઈગામમાં 113 મિમી, જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 105 મિમી વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના 81 તાલુકાઓમાં 1 ઈંચ કરતાં વધુ, જ્યારે 33 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ પર નજર નાંખીએ તો સૌથી વધુ 3 ઈંચ વરસાદ બનાસકાંઠાના સૂઈગામમાં નોંધાયો છે. જ્યારે જિલ્લાના દાંતીવાડામાં 51 મિમી વરસાદ પડયો  છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના વાપીમાં 33 મિમી, ધરમપુરમાં 32, કપરાડામાં 22, પારડીમાં 18 તેમજ ઉમરગામમાં 17 મિમી વરસાદ નોંધાયો છે.

પાટણ જિલ્લાના સાંતલપુર, સિદ્ધપુર, હારીજ, સમી, રાધનપુર સહિતના તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.  સાંતલપુરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.સાંતલપુરમાં ખાબકેલા સાડા 6 ઈંચ જેટલા વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. વારાહી પંથકનું કાદીસરા તળાવ ઓવર પ્લો થતાં પાણી બેક મારીને રહેણાંક વિસ્તારમાં લોકોના ઘર સુધી પહોંચી ગયું છે. સતત પડી રહેલા વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર જોવા મળી રહી છે.