Politics/ મિશન બંગાળ – તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની રણનીતિ

ગુજરાતની તર્જ પર બંગાળમાં ટીએમસી કોંગ્રેસના જનાધાર વાળા નેતાઓને ભાજપમાં ભેળવી તેમના ખભે બંધુક ફોડી બહુમતી સાથે સત્તા મેળવવાના ભાજપના એકશન પ્લાનનો અમલ શરૂ થયા

Top Stories India Mantavya Vishesh
mision bengal મિશન બંગાળ - તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની રણનીતિ

ગુજરાતની તર્જ પર બંગાળમાં ટીએમસી કોંગ્રેસના જનાધાર વાળા નેતાઓને ભાજપમાં ભેળવી તેમના ખભે બંધુક ફોડી બહુમતી સાથે સત્તા મેળવવાના ભાજપના એકશન પ્લાનનો અમલ શરૂ થયા

ભાજપનું બંગાળ મિશન આગળ વધી રહ્યું છે અને પૂર જોશથી આગળ વધી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની પશ્ચિમ બંગાળની મુલાકાત અને તેના કાફલા પર કરવામાં આવેલો હુમલો અને આ હુમલા બાબતમાં પણ જાગેલા વિવાદને અનુલક્ષીને બન્ને પક્ષો વચ્ચે કાયદેસર જંગ શરૂ થયા છે.

ભાજપનાં ચાણક્યની સફળ ચાલથી શરુઆત

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાત લેવાની જાહેરાત કરી, પરંતુ આવતા પહેલા તેમણે પોતાની ચાણક્ય નીતિનો ઉપયોગ કર્યો. ગુજરાતમાં જ્યારે પણ રાજ્ય સભાની ચૂંટણી આવે છે, ત્યારે જે શસ્ત્ર ઉગામાય છે તે પક્ષપલટાનું શસ્ત્ર ઉગામવાનો પ્રયોગ કરી લીધો હતો અને મીદનાપોર ખાતે યોજાયેલી ભાજપની રેલીમાં મમતા બેનરજીના એક સમયમાં નીકટના સાથીદાર ગણાતા હતા, તે શુભેન્દુ અધિકારી કે જેમણે મમતા બેનરજીના ભત્રીજાના પક્ષમાં આગમન અને સરકાર પર વર્ચસ્વ સામે વાંધો હતો તે શુભેન્દુ અધિકારી પોતાનું મંત્રી પદ છોડી ચૂક્યા હતા અને અમિત શાહના આગમન અગાઉ ધારાસભ્ય પદ પણ છોડી દીધું અને મીદનાપુર ખાતે અમિત શાહની હાજરીવાળી જાહેર સભામાં હાજર થઈ ભાજપનો ખેસ પહેરી લીધો.

@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી....
himmat thhakar 1 મિશન બંગાળ - તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની રણનીતિ

મમતાની મોટી ટીમ ભાજપમાં જોડાઇ

શુભેન્દુ અધિકારીએ ભાજપનો ધ્વજ ફરકાવ્યો અને સાથો સાથ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રહારો કરીને પશ્ચિમ બંગાળમાંથી મમતા સરકારને ઉથલાવવાના શપથ પણ લીધા. શુભેન્દુ અધિકારીની સાથે સાંસદ સુનીલ માંડલ ઉપરાંત ધારાસભ્યો તાપસી માંડલ, અશોક ડીંડી, સુદીપ મુખરજી, સૈકત પાંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાહી શુક્રમુંડા, શ્યામદા મુખરજી, બિશ્વજીત કુંડુ અને બાનાશ્રી મૈત્રી ભાજપમાં જોડાયા.

અમિત શાહનો સીધો દીદી પર વાર

અગાઉ ટીએમસી છોડી ભાજપમાં આવી ચૂકેલા મુકુલ શેખ અને અર્જુનસિંહ કહે છે કે, આવતા દિવસોમાં ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો છોડીને ભાજપમાં આવનારાઓની સંખ્યા વધશે. જ્યારે ભાજપમાં આવનારા સામે પક્ષપલટાનું અને પ્રજાદ્રોહનું લેબલ લગાડનાર મમતા બેનરજીને અમિત શાહે સીધો પ્રશ્ન પૂછ્યો કે, તમે વર્ષો પહેલા કોંગ્રેસ છોડી તૃણમુલ કોંગ્રેસ નામનો નવો પક્ષ બનાવ્યો હતો તે શું પક્ષપલ્ટો નહોતો ?

મમતાદીનો પટલવાર

જો કે, આ વાત સામે તૃણમુલનાં પ્રવક્તા શ્યામ બેનરજીએ જવાબ આપ્યો. નવો પક્ષ બનાવ્યો હતો. વિચાર ધારા નહોતી બદલાવી. પશ્ચિમ બંગાળની અસ્મિતા જાળવવાની જે વિચારધારા પહેલા હતી તે મમતા દીદીએ જાળવી રાખી છે. મમતા દીદીએ કહ્યું કે આ બધા સડેલા હતા. તૃણમુલના એક નેતા કલ્યાણ બેનરજી કહે છે કે, શુભેન્દુ અધિકારીના પક્ષે ઘણું આપ્યું છે. સાંસદ બનાવ્યા અને નંદીગ્રામમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ મંત્રી પણ બનાવ્યા હતા તેમની ઉપેક્ષા થતી હતી તેવો આક્ષેપ સાવ પાયા વગરનો છે તેમ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે.

બંગાળમાં ભાજપનું વગદાર આગેવાન કોણ?

૨૦૧૬ની ચૂંટણીમાં ભાજપને માત્ર ૩ વિધાનસભા બેઠકો મળી હતી. પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમતિ શાહ જે આક્રમક પ્રચાર ઝૂંબેશ ચલાવી તેના કારણે લોકસભામાં ભાજપને ૩૦ ટકાથી વધુ મોત સાથે ૧૮ બેઠકો મળી. જ્યારે મમતા દીદીના પક્ષ ટીએમસીને ૨૩ બેઠકો મળી. આમ મમતા દીદીના ગઢને અર્ધો પર્ધો તોડી પાડ્યો. પરંતુ લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ફેર છે. તેથી બીજું કે ભાજપનું પશ્ચિમ બંગાળમાં સંગઠન મજબૂત નથી. વગદાર આગેવાનો નથી.

ચાણક્યનું ગુજરાત મોડલ બંગાળમાં અમલી

જે રીતે ભાજપે ૧૯૯૫માં મેળવેલી સત્તા ૨૦૧૦ની વિધાનસભા ચૂંટણી સુધી જાળવી રાખી અને ૨૦૧૭ના પ્રારંભમાં યોજાયેલી રાજ્ય સભાની ચૂંટણી પહેલા ૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ટાણે તેમજ ૨૦૨૦ની રાજ્યસભાની ચૂંટણી ટાણે બીજા આઠ કોંગ્રેસી ધારાસભ્યોને ખેરવી નાખી કોંગ્રેસના ભાગે આવતી રાજ્યસભાની બીજી બેઠક પણ જીતી લીધી. આજની તારીખમાં ગુજરાતના પ્રધાનમંડળમાં છથી વધુ કોંગ્રેસી આગેવાનો મહત્વના હોદ્દા ધરાવે છે. ૨૦૧૭ બાદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કુંવરજીભાઈ બાવળીયા અને જવાહર ચાવડા જેવા જનાધાર ધરાવતા નેતાઓને ભાજપમાં ખેંચી હોદ્દાઓ આપી દીધા અને તે રીતે કોંગ્રેસને આંચકો આપ્યો. બસ આજ સીસ્ટમ પશ્ચિમ બંગાળમાં અપનાવવાનો ભાજપે નિર્ધાર કર્યો છે.

ભાજપ પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીમાં તાકાત બતાવી શક્યુ નથી

૨૦૧૯માં ૧૮ બેઠકો જીતનાર ભાજપ પશ્ચિમ બંગાળમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણી અને ત્રણ પેટા ચૂંટણીમાં પોતાની તાકાત બતાવી શક્યો નથી. તે હકીકત છે. આ ઉપરાંત ૧૦ કરોડની વસ્તીવાળા પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને કોંગ્રેસની વિચારધારા લોકોનો વ્યાપ વધારે છે. તેમાંય શુભેન્દુ અધિકારી પોતે સાંસદ હતા તેના પિતા હાલ સાંસદ છે તેમના પરિવારના ત્રણથી વધુ સભ્યો પશ્ચિમ બંગાળની જિલ્લા પરિષદ પર વર્ચસ્વ ધરાવે છે અને જે રીતે રાજપામાંથી કોંગ્રેસમાં જવાને બદલે ભાજપમાં આવી ૧૯૯૮થી રાજ્યકક્ષાના પ્રધાન બનેલા કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકી ગુજરાતમાં ૩૦થી વધુ વિધાનસભા બેઠક પર વર્ચસ્વ ધરાવે છે.

કેમ આવકાર્યા શુભેન્દુ –  મુકુલરોયને ભાજપે

રાજકીય વિશ્લેષકોના મતે શુભેન્દુ અધિકારી તેવી જ રીતે પશ્ચિમ બંગાળની ૨૯૪ પૈકી ઓછામાં ઓછી ૬૫ બેઠકો પર વર્ચસ્વ ધરાવે છે. તેથી જ આ ભાજપે આ મહાનુભાવને પોતાના પક્ષમાં ખેંચ્યા છે. તેના પગલે બીજા એક ડઝનથી વધુ આગેવાનો ભાજપમાં આવ્યા છે. આ પહેલા મુકુલરોય અને તેમના સાથીદારો ભાજપમાં આવી ચૂક્યા છે.

અંતમાં બંગાળ ભાજપામાં મૂળ ભાજપીઓને શોધવા તો નહી પડેને?

પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠક પર મજબૂત લડત આપે તેવા ઉમેદવારો ભાજપ પાસે નથી તે વાસ્તવિકતા વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ખબર છે. તેથી જ ભાજપે ટીએમસી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના જનાધારવાળા આગેવાનોને આયાત કરવાનો કાર્યક્રમ ઘડ્યો છે અને જેનો અમલ મુકુલરોયથી શરૂ થયો અને શુભેન્દુ અધિકારી અને તેમના સાથીદારોના આગમન સાથે તેને બળ મળ્યુ. હવે વધુ આગેવાનોની જોડી ભાજપ પોતાના વિરોધી પક્ષો સામે બાથ ભીડવા માટે સક્ષમ ઉમેદવારોને પણ જેતે પક્ષમાંથી લેવા માગે છે. જેમ ગુજરાતમાં અન્ય પક્ષોમાંથી કોઈ નહિ લેવાય તેવી વાત કરનાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પોતાના આ નિર્ણયમાં યુટર્ન કરવો પડ્યો છે અને ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી સમયે જ કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાએ વર્ચસ્વ ધરાવનારા ઘણા આગેવાનો કોંગ્રેસને લટકતી સલામ કરી ભાજપમાં જોડાયા, તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપે આ જ ખેલ શરૂ કર્યો છે. જે આગળ વધવાનો છે. અટકવાનો નથી.

ભાજપને પણ ખ્યાલ છે કે આ ગુજરાત કોંગ્રેસ નહીં – મમતા બેનર્જી છે

મમતા દીદી જો કે એમ કોઈ મેદાનમાંથી હટે તેવા નેતા નથી. છતાંય ભાજપે પોતાનો વ્યૂહ અમલી બનાવ્યો છે. મમતા દીદી કેન્દ્રની ભાજપ સરકાર અને ભાજપને જે રીતે ટક્કર આપી રહ્યા છે, તે જોતા ભાજપે તૃણમુલમાંથી તૃણમુણ (તણખલા) ભેગા કરી પશ્ચિમ બંગાળમાં ભાજપનો માળો બાંધવાની શરૂઆત કરી છે. અમિત શાહ અને ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતી પશ્ચિમ બંગાળ સર કરવા મક્કમ છે. ભાજપે ચૂંટણી જીતવા માટે જે કોઈ માર્ગ અપનાવવા પડે તે અપનાવવાનું નક્કી કર્યું છે, સાથો સાથ ભાજપના કે કેન્દ્રના કોઈ પગલાથી ભાજપને માઈલેજ ન મળી જાય તેનો ખ્યાલ રાખીને ચૂંટણીને હજી પાંચ માસની વાર છે ત્યાં ભાજપે કેન્દ્રીય પ્રધાનોની ફોજ ઉતારી પ્રચાર ઝુંબેશ ચાલુ જ રાખી વાતાવરણ ગરમ રાખવાની રણનીતિ અપનાવી છે. સામે મમતા દીદીએ પણ “દુશ્મન કા દુશ્મન દોસ્ત”ની રાહ પકડી છે. સાપ્રાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એ વાત ચોક્કસ છે કે બંગાળ ચૂંટણી બનેં પક્ષો માટે કોઇ અગ્ની પરીક્ષાથી કમ તો નહીં જ હોય.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…