નાણાંકીય વર્ષ 2018-19માં GDP વૃદ્ધિ દર 6.8 ટકા રહી જે આ પહેલા નાણાંકીય વર્ષમાં 7.2 ટકા હતી. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ અનુસાર, દેશની આર્થિક વૃદ્ધિ દર ગત વર્ષ 2018-19નાં ચોથા ક્વાર્ટરમાં ધીમી પડતા 5.8 ટકા રહી જે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં 8.1 ટકા હતી. નાણાકીય વર્ષ 2018-19માં રાજકોષીય ખાધ જીડીપીનાં 3.39 ટકા રહ્યુ, જે બજેટનાં સુધારેલા અંદાજ કરતાં 3.4 ટકાથી ઓછી છે.
મોદી સરકાર માટે આવનારો સમય પડકારરૂપ બની રહેશે. લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળી, બીજી વખત સત્તા પ્રાપ્ત થઇ, આ દરેક બાબતોથી હટકે હવે આવનારો સમય સરકાર માટે અસલ પરીક્ષાનો રહેશે. મોદી સરકારે ફરીથી સત્તા મેળવ્યાનાં થોડા જ સમય બાદ દેશનાં નવા નાણામંત્રી નિર્મલા સિતારમણને આર્થિક મોરચે સારા સમાચાર મળી રહ્યા નથી. પાંચ વર્ષમાં પહેલીવાર વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. જો બેરોજગારીની વાત કરીએ તો તે 45 વર્ષનાં ઉચ્ચ સ્તર સુધી પહોચી ગઇ છે.
ભારત હવે ચીનથી પણ થયુ પાછળ
ચોથા ક્વાર્ટરમાં વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાનાં મામલામાં પડોશી દેશ ચીન પણ આગળ વધી રહ્યુ છે. વળી બેરોજગારીનાં આંકડાની વાત કરીએ તો તે પણ ઘણો વધી ગયો છે. આજે દેશમાં બેરોજગારી 6.1 ટકા આંકી ગઇ છે.
પહેલીવાર રજૂ કર્યો બેરોજગારીનો આંકડો
કેન્દ્ર સરકારે પ્રથમ વખત બેરોજગારીનો આંકડો રજૂ કર્યો છે. 2017-18નાં નાણાકીય વર્ષમાં બેરોજગારી 6.1 ટકા હતી, જે છેલ્લા 45 વર્ષમાં (1972-73 પછી) સૌથી વધારે છે. અગાઉ એક અખબારએ આ મુજબનો જ ડેટા લીક કર્યો હતો. અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 5.3 ટકા અને શહેરી વિસ્તારોમાં 7.8 ટકા રહ્યો હતો.
ઉત્પાદનમાં થઇ રહ્યો છે સતત ઘટાડો
દેશમાં ઘણા સેક્ટરોમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ હાલત ત્યારે છે કે જ્યારે વિશ્વમાં છઠ્ઠા સૌથી મોટા ઓટો નિર્માતા અને સ્માર્ટફોનનાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
દેશની અર્થવ્યવસ્થા જ્યારે ડામાડોળ થઇ ગઇ છે ત્યારે નવી સરકાર માટે તેને એકવાર ફરી પહેલા જેમ પટરી પર લાવવી ઘણી મુશ્કેલ બની રહેશે. જાણકારોની માનીએ તો, સરકાર દ્વારા જલ્દી જ કોઇ ખાસ અને સકારાત્મક નિર્ણયો લેવામાં નહી આવે તો ભારત માટે આવનારો સમય ઘણો મુશ્કેલીભર્યો બની શકે છે. જેના ઉદાહરણ તરીકે આપણે ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાને જોઇ શકીએ છીએ.