Gujarat News/ ચોમાસું ઝડપથી આગળ વધ્યું, સેટેલાઈટ તસવીરથી મોટો ખુલાસો

સેટેલાઈટ તસવીરોમાં અરબ સાગર અને બંગાળની ખાડી પર ગાઢ વાદળો દેખાતા ચોમાસું (Monsoon) સક્રિય બન્યાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

Top Stories Gujarat
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસૂન (Monsoon)23 મે 2026ના રોજ વધુ વિસ્તારોમાં આગળ વધી ગયું છે

Gujarat News : દેશભરમાં આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસૂન (Monsoon)23 મે 2026ના રોજ વધુ વિસ્તારોમાં આગળ વધી ગયું છે. સેટેલાઈટ તસવીરોમાં અરબ સાગર અને બંગાળની ખાડી પર ગાઢ વાદળો દેખાતા ચોમાસું સક્રિય બન્યાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

IMDના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ મોનસૂન (Monsoon)હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબ સાગર, દક્ષિણ પૂર્વ અરબ સાગર, કોમોરિન વિસ્તાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને આંદમાન સાગરના મોટા ભાગ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

સેટેલાઈટ તસવીરમાં શું દેખાયું?

સેટેલાઈટ ઈમેજમાં અરબ સાગર અને બંગાળની ખાડી ઉપર ગાઢ વાદળોની મોટી પટ્ટી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના મત અનુસાર આ સ્થિતિ ભારે વરસાદની સંભાવના દર્શાવે છે. IMDએ જણાવ્યું કે ચોમાસાની ઉત્તરી સીમા (Northern Limit of Monsoon) સામાન્ય કરતાં થોડું ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબ સાગરના બાકી વિસ્તારો, બંગાળની ખાડી અને આંદમાન સાગરના વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે.

કેરળમાં વહેલું ચોમાસું પહોંચવાની શક્યતા

સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે મોનસૂનની ગતિ જોતા વહેલી એન્ટ્રીની શક્યતા વધી ગઈ છે. કેરળ, તમિલનાડુ, આંદમાન-નિકોબાર અને પૂર્વોત્તર રાજ્યોમાં જલદી સારો વરસાદ શરૂ થઈ શકે છે.

ગરમીથી મળશે રાહત

હાલ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં તાપમાન 45થી 48 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. લોકો લૂ અને આકરી ગરમીથી પરેશાન છે. આવી સ્થિતિમાં ચોમાસાની તેજ પ્રગતિ ગરમીમાંથી રાહત અપાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

ખેડૂતો માટે પણ આ સારા સમાચાર ગણાઈ રહ્યા છે. સમયસર અથવા વહેલું ચોમાસું ખરીફ પાકની વાવણી માટે લાભદાયક સાબિત થાય છે. સારો વરસાદ કૃષિ ઉત્પાદન વધારવામાં મદદરૂપ બની શકે છે.

ગુજરાતમાં માવઠાની આગાહી

ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

  • અમરેલી
  • ગીરસોમનાથ
  • જામનગર
  • રાજકોટ
  • તાપી
  • નવસારી
  • ડાંગ
  • વલસાડ
  • દીવ
  • દમણ
  • દાદરા નગર હવેલી

હવામાન વિભાગ મુજબ આવતીકાલથી વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા છે. રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે.

સાવચેતી રાખવાની પણ જરૂર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શરૂઆતના વરસાદમાં ક્યારેક ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અથવા પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહેતી હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું ?

આ પણ વાંચો : કેરળમાં નિર્ધારિત સમય કરતા 6 દિવસ વહેલું બેસશે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે આવશે?

આ પણ વાંચો : આ વર્ષે સમય કરતા વહેલું આવશે ચોમાસું, જાણો ક્યારથી પડશે વરસાદ?