ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં પૂર અને ભારે વરસાદ કારણે પાંચ રાજ્યોમાં 465 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ગૃહ મંત્રાલયના નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર (એનઆઇઆરસી) ના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં 138, કેરળમાં 125, પશ્ચિમ બંગાળમાં 116, ગુજરાતમાં 52 અને આસામમાં 34 લોકોના મૃત્યુ થયા છે.
એનઆઇઆરસી અનુસાર મહારાષ્ટ્ર્ના 26 જિલ્લાઓ, પશ્ચિમ બંગાળના 22, આસામના 21, કેરળના 14 અને ગુજરાતના 10 જિલ્લાઓ પૂર અને ભારે વરસાદ પ્રભાવિત છે. આસામમાં 10.17 લાખ લોકો પૂર અને ભારે વરસાદ નુકસાન ભોગવી રહ્યા છે. આમાંના 2.17 લાખ લોકો રાહત શિબિરોમાં શરણ લઇ ચુક્યા છે. એનડીઆરએફની 12 ટિમો રાજ્યમાં રાહત અને બચાવ કામમાં લાગેલી છે. દરેક ટીમમાં 45 લોકો શામેલ છે.
પશ્ચિમ બંગાળમાં 1.61 લાખ લોકો પ્રભાવિત થયા છે. અને અહીં 8 એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં 15912 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. અહીં 11 એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
કેરળમાં 1.43 લાખ લોકો પર પૂરની અસર પડવા પામી છે. પૂર અને વરસાદના કારણે 9 લોકો ગુમ થયેલા છે. કેરળમાં એનડીઆરએફની ચાર અને મહારાષ્ટ્રમાં ત્રણ ટીમો લોકોની મદદ કરી રહી છે.