અમદાવાદ,
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા રોડ અકસ્માતનાં આંકડા સામે આવ્યા છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (STB) દ્વારા બહાર પડાયેલ યાદી મુજબ, 2016માં કુલ 21,171 રોડ અકસ્માત થયા હતા. જેમાંથી 6,289 અકસ્માત ટુ વ્હીલર્સ ચલાવનારના થયા હતા. જયારે વર્ષ 2017માં કુલ 19,081 રોડ અકસ્માત થયા હતા, જેમાં 6,086 ટુ વ્હીલર્સના અકસ્માત હતા
2016ના ટુ વ્હીલર્સના 6,289 અકસ્માતમાં 2,019 લોકો મૃત્યુ પામ્યા હતા જયારે 2017ના 6,086 ટુ વ્હીલર્સના રોડ અકસ્માતમાં 2,038 લોકો મૃત્યુ પામ્યા હતા. રોડ અકસ્માતમાં સૌથી વધુ અકસ્માત ટુ વ્હીલર્સના થાય છે ત્યારબાદ કાર/જીપના અકસ્માત થાય છે. 2017માં કાર/જીપના અકસ્માતના કારણે 4,963 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
STB ના એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફેરવું ફરજિયાત છે તેમ છતાં રોડ અકસ્માતમાં ટુ વ્હીલર્સના કારણે આટલા બધા લોકોના મૃત્યુ થવા એ ખરેખર ખરાબ વાત છે.
DGP વિપુલ વિજોય એ જણાવ્યું કે, રોડ અકસ્માતમાં થતા મૃત્યુમાં 90% મૃત્યુ માથામાં ઈજા થવાને કારણે થાય છે. જો વાહનચાલકો હેલ્મેટ પહેરે તો વધુ લોકોના જીવનને બચાવી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રાફિક ડીપાર્ટમેન્ટ તેનાથી થતું બધું કરી રહ્યું છે. નિયમો બનાવી રહ્યા છીએ લોકોને તે નિયમ પાળવા માટે કહી રહ્યા છીએ. પરંતુ લોકોએ તે વાત સમજવી જોઈએ કે જયારે ટ્રાફિક પોલીસ એમને અટકાવે છે ત્યારે તે વાત તેમની પોતાની સેફટી અને સુરક્ષા માટેની છે.